• Gujarati News
  • ફરવા ગયેલા વેપારીના ઘરેથી નોકર ૧૬.૨૨ લાખ ચોરી ગયો

ફરવા ગયેલા વેપારીના ઘરેથી નોકર ૧૬.૨૨ લાખ ચોરી ગયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોડદોડ રોડ પર પાંજરાપોળ નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા કાપડના વેપારી પરિવાર સાથે લોનાવલા ફરવા ગયા ત્યારે તેમના ઘરે કામ કરતા ચોરે ઘર કરી દીધું હતું. નોકરે રોકડા રૂ. ૨.૫૦ લાખ અને દાગીના મળી કુલ રૂ. ૧૬.૨૨ લાખની ચોરી કરી હતી. આ નોકરને જેની ઓળખાણથી રાખવામાં આવ્યો હતો તે ઇસમ પણ ગાયબ થતાં પોલીસે બંને ઇસમો સામે શકદાર તરીકે ઠેરવી ગુનો નોંઘ્યો છે.
વિનોદભાઈ છાજુરામ સિંગલ (રહે. સી/૧૦, રતનશ્યામ એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ) કાપડનો વેપાર કરે છે. તેમણે પોતાના ઘરે કામ પર રાખેલા રામભજન નામના એક યુવાન અને તેને નોકરી પર રાખવા માટે ભલામણ કરનારા મુકેશ નામના ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, વિનોદભાઈના ઘરે એક નોકરની જરૂર હતી. આ સમયે મુકેશ નામનો પરિચીત યુવાન રામભજનને ઘરે લઈને આવ્યો હતો અને તેને કામ પર રાખી દેવા માટે ભલામણ કરી હતી. વિનોદભાઈએ રામભજનને ઘરે કામ સમજાવી દીધું હતું અને હજું તો તેના વિશે કોઈ વધુ માહિતી એકત્ર પણ કરી ન હતી. તા. ૨૪મી મેના રોજ સિંગલ પરિવારે લોનાવલા જવાનું નક્કી કર્યું હતું. ત્રણ દિવસ બાદ પરત આવ્યો ત્યારે રામભજન ગાયબ હતો અને ફલેટનો તમામ સામાન વેરવિખેર હાલતમાં હતો. ફલેટમાંથી રોકડા ૨.૫૦ લાખ, હીરાજડિત ઘડિયાળ, વીડિયો કેમેરા અને હીરા મળી કુલ રૂ. ૧૬.૨૨ લાખની મતા ચોરાઈ હતી. આ ચોરી નોકર રામભજને કરી હોવાની વેપારીને શંકા છે એટલે પોલીસે ચોરીનો જે ગુનો નોંઘ્યો છે, તેમાં રામભજન અને તેને નોકરી પર રખાવનારા મુકેશને શકદાર તરીકે ઠેરવી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.