• Gujarati News
  • ૩૦ યુવકો સાથે વિદેશના બહાને લાખોની ઠગાઈ

૩૦ યુવકો સાથે વિદેશના બહાને લાખોની ઠગાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનપુરા-ટીમલિયાવાડ ખાતે કાલાપેશી સ્ટ્રીટમાં અલાસ્કા કોર્પોરેટ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસ ખોલી યુવાનોને વિદેશ મોકલવાના બહાને લાખો રૂપિયા ખંખેરી લઈ ત્રણ ઇસમો ભાગી છૂટયા હતા. આ ઇસમોએ ઓલપાડ તાલુકાના ત્રણ યુવાનોને તેમની ઇનોવા કાર ભાડેથી ફેરવવાનો કોન્ટ્રાકટ આપવાની લાલચ આપી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હોવાનું પણ બહાર આવતાં પોલીસે ઠગાઈનો ગુનો નોંઘ્યો છે.
અઠવા પોલીસના જણાવ્યા અનુસાર, ઓલપાડ તાલુકાના અસનાબાદમાં રહેતા ચંદ્રેશભાઈ ભગવતીભાઈ પટેલે અલાસ્કા કોર્પોરેટ એડવાઇઝરીની ઓફિસ ચલાવતા સ્નેહલ સુધીર પરમાર (રહે. મીશન હાઉસ, મુગલીસરા), અંકિતકુમાર વિજયભાઈ શાહ (રહે. આંજણા ટેનામેન્ટ, કમેલા દરવાજા) અને અમિત પટેલ નામના ત્રણ ઇસમો સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ૧૯મી માર્ચથી ૪થી એપ્રિલ ૨૦૧૪ના સમયગાળા દરમિયાન આ ત્રણેયે અલાસ્કા કોર્પોરેટ એડવાઇઝરી નામની ઓફિસ નાનપુરામાં ખોલી હતી. તેમણે ઘણા યુવાનોને વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી ઠગાઈ કરી હતી. જયારે ચંદ્રેશભાઈ, પરેશભાઈ અને હર્ષદભાઈ નામના યુવાનોને કહેવાયું હતું કે, તેમની કંપનીમાં ભાડેથી ઇનોવા જોઈએ છે. દરેક ઇનોવા દીઠ મહિને રૂ. ૪૦ હજાર ચૂકવી દેવામાં આવશે, પરંતુ આ ઇનોવા જો કંપનીમાં સેટ કરવી હોય તો ટેન્ડર ફીના રૂ. ૭,૫૦૦ અને ડિપોઝિટ પેટે રૂ. ૯૦,૦૦૦ આપવા પડશે. એટલે ત્રણેય મિત્રોએ આ રૂપિયા જમા કરાવી દીધા હતા. ચોથો મિત્ર જયારે રૂપિયા જમા કરાવવા માટે ઓફિસે ગયો ત્યારે ખબર પડી કે, ત્રણેય ઠગ ઓફિસ બંધ કરીને નાસી છૂટયા છે.