શહેરમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ, 1નું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શહેરમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ, 1નું મોત
- પાંડેસરા, પુણા, કાપોદ્રા, કતારગામ, લિંબાયત, ઉધનામાંથી ઝાડા-ઉલ્ટી, કોલેરા, કમળાના દર્દીઓ મોટી સંખ્યામાં
- ઝાડા-ઉલ્ટી, કોલેરા, મેલેરિયા અને તાવના સિવિલ-સ્મીમેર તથા હોસ્પિટલોમાં દર્દીઓ લાઈન
સુરત: પાણીજન્ય રોગચાળાની શહેરમા કપરી સ્થિતિ નિર્માણ થઈ રહી છે. ચોમાસા ટાણે છેલ્લા મહિનાથી ઝાડા-ઉલ્ટી, કોલેરાના વાવર સાથે છેલ્લા અઠવાડિયાથી મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયા, તાવના દર્દીઓ વધુ નોંધાય રહ્યાં છે. આવી સ્થિતિ વચ્ચે પાંડેસરાના યુવાનનુ મેલેરિયાથી મોત નીપજ્યું હતું. તો સિવિલ-સ્મીમેર તથા ખાનગી હોસ્પિટલોમાં દર્દીની ઓપીડીમા લાઈન લાગી રહી છે ત્યારે સિવિલમા દર્દીઓથી મેડિસીન વોર્ડ પણ ઉભરાઈ જતા નીચે પથારી કરી દર્દીને દાખલ કરવાની સ્થિતિ નીર્માણ પામી હતી. શહેરમાં પાણીજન્ય રોગચાળો બેકાબુ બનીને શહેરીજનોને લપેટમાં લઈ રહ્યો છે.

પાંડેસરા, પુણા, કાપોદ્રા, કતારગામ, લિંબાયત, ઉધના વિસ્તારમાંથી ઝાડા-ઉલ્ટી, કોલેરા, કમળાના દર્દીઓ મોટી સંખ્યામાં સિવિલ-સ્મીમેર, ખાનગી હોસ્પિટલોમા દાખલ થઈ રહ્યાં છે. ત્યારે મેલેરિયા, તાવના મચ્છરજન્ય રોગ છેલ્લા અઠવાડિયાથી માઝા મુકી છે. પાલિકાના આરોગ્ય વિભાગ આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરી દવા છંટકાવ સહીતની કામગીરી કરી રહ્યું હોવાનુ ગાણુ ગાઈ છે પરંતુ ફેલાયેલા રોગચાળાથી આરોગ્યલક્ષી કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાય રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે પાંડેસરા દક્ષેશ્વરના ગુલશનનગર ખાતે રહેતા 30 વર્ષીય સુશાંત ભાયલો સ્વાંઈ છેલ્લા બે દિવસથી ઠંડી લાગીને તાવ આવતો હતો તેને મિત્ર કેદાર સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવતા બુધવારે બપોરે મોત નીપજ્યું હતું. તેને મેલેરિયા થયો હોવાનુ સિવિલના તબીબે જણાવ્યું હતું.
મચ્છરનો ઉપદ્રવથી રોગચાળો વકર્યો
ચોમાસુ છતાં શહેરમાં ઠેર ઠેર પાલિકના નાના-મોટા બાંધકામો ચાલી રહ્યાં છે. તો ખાનગી બાંધકામોની પણ ભરમાર છે તેવી સાઈટો પર તથા પાણીના ભરાયેલા ખાબોચિયાને લીધે મચ્છર ઉત્ત્પત્તિ સ્થાનો વધતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. છેલ્લા અઠવાડિયાથી તાવ, મેલેરિયાના વધુ દર્દી શહેરની હોસ્પિટલોમાં નોંધાય રહ્યાં છે.

સિવિલમાં મેડિસીન વિભાગ ઉભરાઇ ગયો
શહેરમા વકરેલા રોગચાળાને લીધે સિવિલ-સ્મીમેર તથા ખાનગી હોસ્પિટલોમા દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. તો સિવિલના મોડિસીન વિભાગ, ઓપીડી તથા ટ્રોમાસેન્ટર ખાતે પાણીજન્ય, મચ્છરજન્ય રોગચાળાના રોજના સંખ્યાબંધ દર્દીઓ સારવાર માટે આવતાં હોય મેડિસીન વિભાગ ઉભરાઈ ગયો છે. 40 બેડના મેડિસીન વિભાગમા એક્સટ્રા બેડ લગાવાયા છે તથા નીચે પાથારી પાથરીને દર્દીને દાખલ કરવામાં આવી રહ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...