તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેખપુરમાં ટ્રકની કેબિન પર બીમ પડતાં કઠોરના ત્રણ યુવકનાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ/બારડોલી: કામરેજ તાલુકાના કઠોર ગામે ઈદગાહ ફળિયામાં રહેતા યુવાનો હાઈવા ટ્રક લઈને રેતી ખાલી કરવા ગયા હતાં તે વેળાએ ટ્રકના ચાલકે ટ્રક કામરેજ તાલુકાના શેખપુર ગામે ટેક્સટાઈલ પાર્કના મેઈન ગેટની સાથે અથડાવી દેતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રકના કેબિન ઉપર ગેટનો બીમ પડતાં અંડર બેઠેલા ત્રણ યુવાનો દબાઈ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાના કઠોર ગામે ઈદગાહ ફળિયામાં રહેતા અજય હરિશભાઈ પરમાર (17)નાઓ સોમવારના રોજ તેના મિત્ર ઈરફાન ગુલામ મલેક (23), અઝરુદ્દીન ઈરફાન મન્સુરી (25)નાઓ સાથે હાઈવા ટ્રક નં (GJ-6AT-7879)માં રેતી ભરીને સુરત ખાતે રેતી ખાલી કરવા ગયા હતાં.
કંપનીના ગેટ સાથે ટ્રક ધડાકાભેર અથડાતાં બીમ તૂટી ટ્રક પર પડ્યો
રેતી ખાલી કરીને પરત આવતાં હતાં ત્યારે કામરેજ તાલુકાના શેખપુર ગામની સીમમાં ટ્રકના ચાલક ફૈઝલ ગુલામ મલેક (રહે. કઠોર, ઈદગાહ ફળિયું)નાઓએ ટ્રક મહાબલી ટેક્સટાઈલ પાર્કના ગેટ સાથે અથડાવી દેતા ટ્રકની બોડી ઉપર બિન પડ્યો હતો. અને બીમને લઈ ટ્રકનું કેબિન દબાઈ જતાં ટ્રકમાં બેઠેલા ઈમરાન ગુલામ હૈદર મલેક, અઝરુદ્દીન મન્સુરી તેમજ અજય પરમારનાઓ દબાઈ જતાં તેમને માથાના તેમજ શરીરના અન્યભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં અજયના મોટાભાઈ સંજયભાઈ હરિશભાઈ પરમારનાઓએ ટ્રકના ચાલક ફૈઝલ મલકે વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
એક સાથે ત્રણ યુવકના મોતની ઘટનાને પગલે ગામ હિબકે ચઢ્યું
કઠોર ગામના ઈદગાહ ફળિયામાં રહેતા ત્રણ યુવાનના મોતની ઘટનાથી ગામમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. ઘટનામાં મોતને ભેટનાર અજય પરમાર કઠોરની ગલીયારા હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. ગત રાત્રિના સમયે અજય તેના મિત્રો સાથે ગલિયારા સ્કૂલના ગ્રાઉન્ડ ઉપર બોલીબોલ ટુર્નામેન્ટ જોવા ગયો હતો. મોડી રાત્રે તે પરત નહીં ફરતાં અજયની ભાભી હેમાંગીની બહેને તેના ભાઈ સંજયને અજય ઘરે ન આવ્યો અંગેની જાણ કરી હતી. ત્યારબાદ અજયના ભાઈ સંજયનાઓએ તેના મિત્ર ઈરફાનના મોબાઈલ ઉપર ફોન કરતાં જાણવા મળ્યું હતું કે શેખપુર ગામે અકસ્માત થતાં ત્રણે વ્યક્તિના મોત નીપજ્યા હતાં.
ત્રણેય યુવકો ટ્રકમાં બેસી સુરત ગયા હતા
વોલીબોલ ટુર્નામેન્ટ અજય પરમાર તેના બે મિત્રો સાથે રેતી ખાલી કરવા માટે ટ્રકમાં બેસીને સુરત ગયો હતો. અને અકસ્માત સર્જાતા તેમનું તેમના મિત્ર સાથે મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં મોતને ભેટનાર ઈરફાન મલેક તેમજ અઝરૂદ્દીન મન્સુરીનાઓ રેતીના ધંધા સાથે સંકળાયેલા હતાં.
અન્ય સમાચારો પણ છે...