કાપડમાં 3 દિ’માં 750 કરોડનો ફટકો પડશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : જીએસટીના એકસમાન દરની વાત કરનારી સરકારે ટેક્સટાઇલના વિવિધ સેક્ટર પર રજૂ કરેલા જીએસટીના વિસંગત દર તેમજ કલમ 50થી 54 મુજબ રીફંડમાંથી બાકાત રાખતાં દેશભરના ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં રોષ છે, જેના પગલે ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે તા.27થી 29 તારીખ સુધી 3 દિવસીય હડતાળ પર જવાનું નક્કી કર્યું છે.

GSTના એકસમાન દરની વાત કરનારી સરકારે ટેક્સટાઇલ સેક્ટરો માટે ફેરવી તોળ્યું

હવે શહેરના કાપડ ઉદ્યોગકારો જો એક દિવસ જ હડતાળ પાડે તો ટેક્સટાઇલ સેક્ટરને 250 કરોડનું નુકસાન થાય એમ છે. આમ, ત્રણ દિવસમાં અંદાજે 750 કરોડ રૂપિયાનો ફટકો પડવાની સંભાવના છે. જેને લઇને કાપડ ઉદ્યોગમાં દરેક ઉદ્યોગકારોમાં ચિંતા વ્યાપી છે.
 
ઉદ્યોગકારોમાં ચિંતાનાં વાદળો
 
વીવિંગ, ટ્રેડિંગ, પ્રોસેસિંગ સિવાય કાપડ પર ઘણું વેલ્યુએડીશન કરવામાં આવે છે, જેમાં સાઇઝીંગ,નિટીંગ,કલર-કેમિકલ,કાર્પ,પેકીંગ તેમજ ટ્રાન્સપોર્ટેશન વગેરે.નોટબંધી પછીની સ્થિતિ બાદ ટેક્સટાઇલ ઉદ્યોગમાં 2.50 થી 3 કરોડ મીટર કાપડ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત ટેક્સટાઇલ સાથે સંકળાયેલા ઉદ્યોગ જેવા કે એમ્બ્રોડરી તથા લેસ ધૂપિયનને પણ હડતાલની વિપરીત અસર થતી હોઇ છે. ફક્ત ટ્રેડિંગની જ વાત કરીયે તો એક દિવસની હડતાલના કારણે ટ્રેડર્સના 125 કરોડના ટર્નઓવરને અસર થશે.
 
ચેમ્બર આજે ફરી ગાંધીનગર-દિલ્હી જશે
 
સિન્થેટિક યાર્ન પર 18 ટકા જીએસટી સાથે યાર્ન ડ્રો કરવાની પ્રક્રિયા પર 18 ટકાનો સ્લેબ ઝીંકાયો છે જેની સામે શહેરના ટેક્સટાઇલ જગતમાં નારાજગી છે. છેલ્લા મહિનાથી ટેક્સટાઇલ અગ્રણીઓ અને ચેમ્બરના પ્રતિનિધિઓ ગાંધીનગર અને દિલ્હીની દોડધામ કરી સ્લેબને રિવાઇઝ કરવા માંગ કરી રહ્યા છે, જેના ભાગરૂપે મંગળવારે ચેમ્બરના ઉપપ્રમુખ હેતલ મહેતા દિલ્હી તેમજ સેક્રેટરી દેવેશ પટેલ સાથે અન્ય વીવર્સ, નીટિંગ ક્ષેત્રના અગ્રણીઓ ગાંધીનગર નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને ફરી રજૂઆત કરશે.

 ચેમ્બરના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, જીએસટી કાઉન્સિલે ટેક્સટાઇલ ક્ષેત્ર પર સ્લેબને રિવાઇઝ કરવા તૈયારી બતાવી છે. જો કે, છેલ્લી રિવ્યૂ મીટિંગમાં ટેક્સટાઇલના કોઇ સેક્ટરની ચર્ચા પણ નહીં કરાતાં ટેક્સટાઇલ જગત નિરાશ થઈ ગયું છે. ચેમ્બરના બંને પ્રતિનિધિ મંડળો ઇમ્પોર્ટેડ ફેબ્રિક્સ પર જીએસટીનો દર વધારવા, ટેક્સટાઇલ ક્ષેત્રે વપરાતા કેમિકલ પર ઝીંકવામાં આવેલા 28 ટકાના દરને 18 ટકા કરવા રજૂઆત કરશે. આ ઉપરાંત રીઅલ એસ્ટેટ અને ટેક્સટાઇલ ક્ષેત્રને રિફંડ તથા ડાયમંડ સાથે સંકળાયેલા સુરત, અમદાવાદ અને ભાવનગર જેવા શહેરો તેમજ સુરત-મુંબઇમાં ઓફિસ ધરાવનારા હીરાવેપારીઓના ઇન્ટરસ્ટેટ ડાયમંડ સપ્લાયને જીએસટીમાંથી મુક્તિ આપવા રજૂઆતો કરાશે.
 
સુરતની છાપ સુધારવા બેઠક બોલાવાશે

ટેક્સટાઇલમાં જીએસટીના દરને લઇને વેપારીઓ નારાજ છે, જેના વિરોધમાં હડતાળનું શસ્ત્ર હાથમાં લેનારા વેપારીઓના કારણે સુરતની કેન્દ્રમાં છાપ બગડશે એવું વિચારી ચેમ્બર ઓફ કોમર્સ શહેરના તમામ એસોસિએશનની એક બેઠક બોલાવી તમામને સમજાવાનો પ્રયાસ કરશે, એવું સૂત્રોએ જણાવ્યું છે.
 
ફોગવાનું પ્રતિનિધિ મંડળ બે સિંહોના શરણે

સોમવારે ફોગવા પ્રમુખ અશોક જીરાવાલા સહિત એમ્બ્રોડરી એસો.ના ઉપપ્રમુખ ગાંધીનગર વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહને રજૂઆત કરવા ગયા હતા. જીરાવાલાના જ્ણાવ્યાનુસાર, અમારી રજૂઆતો મનમોહનસિંહને જણાવી દિલ્હી કાઉન્સિલને પણ રજૂઆત કરવા આશ્વાસન અપાયું છે, છતાં મંગળવારે ચેમ્બરના પ્રતિનિધિ મંડળ સાથે ફોગવાનું પ્રતિનિધિ મંડળ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરશે.
અન્ય સમાચારો પણ છે...