સુરત: કોંગ્રેસના શાસનમાં સુરત એરપોર્ટ પર સપ્તાહમાં એક ફલાઇટ આવતી હતી. તેના કારણે અાંદોલન કરવાની ફરજ પડી હતી. જ્યારે ભાજપના શાસનમાં રોજની 18 ફલાઇટ આવે છે. જ્યારે આગામી દિવસોમાં સુરતને ઇન્ટરનેશનલ ફલાઇટ મળે, તે માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે, તેમ સુરતમાં લિંબાયત નીલગીરી ખાતે જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કહ્યું હતું.
તમે મારા પર ભરોસો મૂક્યો છે, પાછી પાની કરે તે ગુજરાતી ના હોય
એવીએશન પોલિસી બનાવીને નાના શહેરોમાં જવા માટે રૂ. 2500 રૂપિયામાં લોકો ફલાઇટની મુસાફરી કરે, તે માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે. જેથી હવાઇ ચપ્પલ પહેરનાર પણ હવાઇ મુસાફરી કરે તે રીતેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે વિશ્વમાં આગવી ઓળખ મળે તે પ્રમાણેનું સુરત રેલવે સ્ટેશન વર્લ્ડ કલાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
કોંગ્રેસ અને ભાજપના વિકાસની તુલના કરતા મોદીએ કહ્યું , શહેરમાં કાશીરામ રાણા જ્યારે ભાજપના મેયર બન્યા તે પહેલાનું સુરત કેવું હતું અને હાલમાં ભાજપ શાસનમાં સુરતની સૂરત બદલાઇ છે. જેથી વિકાસ કેવી રીતે કરવો તેનો પણ ખ્યાલ કોંગ્રેસને નથી. વિકાસનો વ ખબર નહીં પડતી હોવાના લીધે આવી સ્થિતિ ઉભી થઇ છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતની ચર્ચા થાય ત્યારે ગુજરાતના વિકાસની વાતો જ કરવામાં આવે છે. તેમજ અન્ય રાજ્યની સરખામણી પણ ગુજરાત સાથે કરવામાં આવતી હોય છે. તેના લીધે ગુજરાત અન્ય રાજય માટે વિકાસનું માપદંડ બની ગયુ છે.
કોંગ્રેસના લોકો દ્વારા, મોદીજી જવાબ આપે, તેવી વાતો કરવામાં આવી રહી છે. જવાબ તો તેમણે આપવાનો છે. આઝાદીને 70 વર્ષમાં 50-55 વર્ષ તો તમે રાજ કર્યું છે. તેમાં પણ પંચાયતથી પાર્લામેન્ટ સુધી એકચક્રીય શાસન કર્યું હોવા છતાં દુનિયાની નજરમાં પાછળ હતા. તમે એવા ખાડા કર્યા કે, તેને પૂરતા 25 વર્ષ પણ ઓછા પડે તેમ છે. તમે મારા પર ભરોસો મુક્યો છે, પાછી પાની કરે તે ગુજરાતી ના હોય તેમ મોદીએ સભામાં કહ્યું હતું.
જીએસટીનું નામ લીધા વગર કહ્યું કાપડની તકલીફની મને દિલ્હીમાં ખબર પડે છે
જીએસટીનુ નામ લીધા વિના નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે અહીયાં તકલીફ થાય, તેની જાણ મને દિલ્લીમાં પણ થઇ જાય છે. તેના કારણે જ હીરા અને કાપડ ઉદ્યોગ સોળે કળાએ ખીલે, તે માટેના પણ પ્રયાસ કરાયા છે. રશિયાની રફ ડાયમંડ સુરતમાં ઘરબેઠાં મળે, તે માટે રશિયાના વડાપ્રધાન પુતીન જ્યારે ભારતમાં આવ્યા ત્યારે, શહેરમાં બેઠક કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.