સુરત: સરકારે દરકાર ન લીધી તો વરૂણદેવે ખોટ પૂરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ગુરુવારે અનંત ચૌદશનાં દિવસે શહેરભરમાં શ્રીજીની ભવ્યાતિ ભવ્ય વિસર્જન યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. શ્રીજીના વિસર્જનમાં સરકારે તો પાણી આપવાનું ના પાડી દીધુ પણ વરૂણદેવે આ ખોટ પુરી કરી દીધી હતી. ભક્તોએ ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. ગણેશ વિસર્જનને લઈને સરકાર પાસે ઉકાઈમાંથી પાણી છોડવા અંગે વિનંતી કરવામાં આવી હતી. જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફગાવી દીધી હતી. જેથી સવારથી જ ગણેશ વિસર્જન અંગે ભક્તોમાં કચવાટ જોવા મળ્યો હતો.
વહેલી સવારથી મોડી સાંજ સુધીમાં 56 હજારથી વધુ પ્રતિમાઓનું ઓવારા તેમજ કૃત્રિમ તળાવમાં વિસર્જન
તાપી નદીમાં પાણી નથી જેથી દરેક ઓવારા પર મૂર્તિઓની લાઈનો લાગી ગઈ છે. અમુક મૂર્તિઓ તો રઝળતી હાલતમાં જોવા મળી રહી છે. તાપી નદીમાં પાણીના અભાવે શ્રીજીની પ્રતિમાઓ વિસર્જીત ન થતાં ઓવારા પર મૂર્તિઓની લાંબી લાઈનો લાગી ગઈ છે. બપોરના સમયે એક વાગ્યા પછી દરિયાની ભરતીમાં તાપી નદીમાં પાણી આવે એ દરમિયાન વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ત્યાં સુધી હાલ મૂર્તિઓને એમ જ રાખી દેવામાં આવી હતી. શહેરમાં અંદાજે 60 હજાર જેટલી પ્રતિમાનુ સ્થાપન કરવામાં આવ્યું હતું.
શહેરમાં બપોર બાદ વરસાદની પણ પધરાણી થતાં ભક્તોના ઉન્માદમાં વધારો થયો હતો. જોકે સમગ્ર વિસર્જન યાત્રામાં કોઇપણ અનિચ્છનિય ઘટના બનવા પામી ન હતી. વહેલી સવારથી જ ભક્તો શ્રીજીની વિસર્જન યાત્રા લઇને નિકળી ગયા હતા. ગણેશ વિસર્જન માટે આ વખતે ઉકાઈમાંથી પાણી ન છોડાતા ડુમસ,મગદલ્લા અને કાદીગામના ઓવારા પર સાંજે 5.30 વાગ્યે વિસર્જનની પ્રકિયા બંધ કરાઇ હતી. માત્ર મૂર્તિઓ લઈને તેને સ્ટોરેજ કરી હતી. ગયા વખતે તો ઉકાઈમાંથી 50 હજાર કયુસેક પાણી છોડવા છતાં પાણીની મુશ્કેલી આવી હતી. જે કે આ વખતે તો સરકારે પાણી છોડવાની ના પાડી દીધી ઉપરથી તાપીમાં ભરતીના પાણીમાં વિસર્જનની કામગીરી લગભગ સાંજે 5.30 સુધી ઓવારાના સ્વયંસેવકોએ કરી હતી.
ફરી વિસર્જનની નોબત

કાદીગામના ઓવારા પર કૃત્રિમ તળાવમાં પીઓપીની મૂર્તિઓથી વધી ગઈ હોવાથી હવે તેમાં ડૂબાડી શકાય તેમ નથી.જેથી પાલિકા હજીરા ખાતે દરિયાના પાણીમાં વિસર્જન કરશે.
ઊંચી મૂર્તિ સ્થાપનારા 4 વિરુદ્ધ ગુનો
અઠવા વિસ્તારમાં વાડી ફળિયા નાની છીપવાડ વિસ્તારમાં આયોજકો જયેશ મોદી, મેહુલ પંચાલ, પ્રશાંત આસમાની, હિરલ બોડીવાળા અને દિનેશ નાયકે 6 ફૂટ 4 ઇંચની મૂર્તિની સ્થાપના કરી હતી. તેના કારણે અઠવાલાઇન્સ પોલીસે તેમના વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો હતો. તેમજ અઠવા વિસ્તારમાં વાડી ફળિયા ગોપીશેરી લીમડા ચોકમાં રવિ ગુજ્જર, મેહુલ રાંદેરી, વેનિશ ગુજ્જર, ડેનીશ રાંદેરી, વિકાસ પસ્તાગીયાએ 8 ફૂટ 6 ઇંચની મૂર્તિની સ્થાપના કરતા તેમના વિરુદ્ધ પણ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરાયો છે. તેમજ સગરામપુરા હનુમાન શેરીમાં ભાસ્કર ભગતવાલા, બેટી ભરત પટેલ, કેતન ભાવસાર, સંદિપ ચાંપાનેરિયા, રાજ ગજ્જરે 6 ફૂટ 6 ઇંચની મૂર્તિની સ્થાપના કરતા તેમના વિરુદ્ધ પણ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઇ છે.
ઓવારાઓ પર વધુ ભાવ વસુલી આયોજકોને બેફામ લૂંટાયા
આસ્થા- શ્રધ્ધાભેર વિઘ્નહર્તાની સ્થાપના કરનાર ગણેશ આયોજકો પાસેથી વિસર્જનનાં નક્કી કરેલા ભાવ કરતાં વધુ રૂપિયા ખંખેરી ઓવારાઓ પર બેફામ લૂંટવામાં આવ્યા હતા. દર વર્ષે ઓવારા પર ગણેશ આયોજકો પાસેથી મનફા‌વે એટલા ભાવ વિસર્જનનાં નામે ખંખેરી લેવામાં આવે છે. આ વર્ષે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ, પોલીસ, પાલિકા સહિતના તંત્ર દ્વારા કોઇ નક્કર આયોજન નહિં કરાયું હોવાથી ઓવારાઓ પર થતી લૂંટ બેફામ બની હતી. દર વર્ષે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા સુર્યોદય પહેલા અને સુર્યાસ્ત પછીના મૂર્તિના ફુટ વાઇઝ વિસર્જનના ભાવ જાહેર કરવામાં આવે છે. પરંતુ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જાહેર કરાયેલા ભાવ પ્રમાણે ઓવારાઓ પર ગણેશ આયોજકો પાસેથી ભાવ વસુલાતા નથી અને ગણેશ આયોજકોની આસ્થાનો દૂર ઉપયોગ કરી મનફાવે એટલો ભાવ વસુલી લૂંટવામાં આવ્યા હતા.
પાણી, છાશ માટે ગણેશ ભક્તોની પડાપડી

ગણપતિ વિસર્જનના કારણે અડાજણ,તાડવાડી રાંદેર ઉપરાંત મજૂરાગેટ,ઉમરા તથા રીંગરોડ ખાતે વહેલી સવારથી રાત્રી સુધી વિવિધ સામાજીક સંસ્થાઓ તેમજ ગણેશ વિસર્જન સમિતિ દ્વારા મંડપ ઉભા કરી પાણી તથા છાશની સેવા અપાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...