પ્રોફેશનલ ટેક્સ જમા થયા બાદ કારખાનેદારો પાસે પુરાવા માંગ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પ્રોફેશનલ ટેક્સ જમા થયા બાદ કારખાનેદારો પાસે પુરાવા માંગ્યા
- વરાછા ઝોનનું હીરા ઉદ્યોગકારોને પડતા પર પાટુ
- SDAમાં 150થી વધુ કારખાનેદારો દોડ્યા, મંત્રીનો સંપર્ક કરાયો

સુરત: હીરા ઉદ્યોગમાં કારખાનાઓમાં કામ કરતા રત્નકલાકારો અને ઓફિસ સ્ટાફના પગારમાંથી પણ પ્રોફેશનલ ટેક્સ કાપીને પાલિકામાં જમા કરાવનારા મધ્યમ કદના કારખાનેદારો દોડતા થયા છે. ગત નાણાકીય વર્ષમાં પ્રોફેશનલ ટેક્સ જમા કરનાર શહેરના મધ્યમ કદના કારખાનેદારોને એસેસમેન્ટના નામે પાલિકાના વરાછા ઝોન દ્વારા નોટીસો ફટકારવામાં આવતા હીરા ઉદ્યોગમાં હોબાળો મચ્યો છે. ગુરૂવારે કારખાનેદારો ડાયમંડ એસોસીએશન ખાતે રજૂઆત કરવા ગયા હતા. આ અન્યાય સામે ગાંધીનગર સુધી ફરિયાદ થઈ છે.

હીરા ઉદ્યોગમાં છેલ્લા એક સપ્તાહથી કારોબાર માંડ થાળે પડી રહ્યો છે અને નાના મોટા કારખાનેદારો મંદ કારોબારની અસરથી બહાર નીકળી રહે તે પહેલા પાલિકાના વરાછા ઝોનના વ્યવસાય વેરા અધિકારીએ વરાછા-કાપોદ્રા વિસ્તારના મધ્યમ વર્ગના કારખાનેદારો કે જેઓ 25 થી 50 હીરાની ઘંટી ચલાવે છે તે તમામને પ્રોફેશનલ ટેક્સ અંગે એક નોટીસ ફટકારી છે. ટેક્સ ભર્યા બાદ ડોક્યુમેન્ટ્સ અંગેની ઇશ્યુ થયેલી નોટીસમાં જણાવાયુ છે કે, તમારા દ્વારા વર્ષ 2014-15માં જે પ્રોફેશનલ ટેક્સ જમા કરાવવામાં આવ્યો છે તેનું વાર્ષિક એસેસમેન્ટ કરવાનું હોવાથી કર્મચારીઓને પગાર કે વેતન ચુકવવા અંગે થયેલા માસિક ખર્ચ, હિસાબ, પગાર પત્રક અને અન્ય પુરાવા સહિત સાત દિવસમાં વરાછા ઝોન ઓફિસમાં હાજર થવાનું રહેશે.

વરાછા ઝોનના વ્યવસાય વેરા અધિકારી દ્વારા અપાયેલી આ નોટીસથી મધ્યમ કક્ષાના હીરા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક સમયથી મંદ પડેલા કારોબારમાં માંડ માંડ કળ વળી રહી છે ત્યારે પાલિકા દ્વારા પ્રોફેશનલ ટેક્સના નામે હેરાનગતિ શરૂ થતાં ગુરૂવારે સવારે 150થી વધુ કારખાનેદારો સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ પર પહોંચી ગયા હતા. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશ નાવડિયાને આ અન્યાય અંગે રજૂઆત કરીને જણાવ્યું હતું કે, હીરાના ધંધામાં માંડ કળ વળી રહી છે ત્યારે આ પ્રકારની સરકારી હેરાનગતીથી ઉદ્યોગ પર વિપરીત અસર પડશે. ડાયમંડ એસો.ના અગ્રણીઓએ આ અંગે ગાંધીનગર મંત્રી સૌરભ પટેલનો સંપર્ક કરીને સમગ્ર બાબતે ટેલિફોનિક જાણ કરી હતી. સૌરભ પટેલે આગામી દિવસોમાં પાલિકા કમિશનર સહિતના અધિકારીઓને ગાંધીનગર બોલાવાયા છે.
હીરા ઉદ્યોગકારોને પરેશાન કરવાનું ષડયંત્ર
હીરાના ધંધામાં માંડ માંડ ગાડી પાટા પર ચડી રહી છે ત્યારે પાલિકાના વરાછા ઝોન દ્વારા અપાયેલી નોટીસના કારણે હીરાના કારખાનેદારોની પરેશાનીમાં વધારો થયો છે. હીરાના કારીગરોને માંડ રોજગારી મળી રહે એવુ વાતાવરણ થઇ રહ્યું છે ત્યારે બધી ડિટેઇલ માંગીને માત્ર મધ્યમ કદના હીરાના કારખાનેદારોને પરેશાન કરવાનું આ ષડયંત્ર છે. આગામી દિવસોમાં આ મામલે સૌરભભાઇ પટેલે પાલિકા કમિશનર સહિતના તમામને ગાંધીનગર બોલાવ્યા છે અાવા પ્રકારની નોટીસ પાછી ખેંચાવી જોઇએ. > દિનેશ નાવડિયા, પ્રમુખ, સુરત ડાયમંડ એસો
અન્ય સમાચારો પણ છે...