સુરત: હવે શહેરના ટેલર્સનું માપ સર્વિસ ટેક્સ વિભાગ લેશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે શહેરના ટેલર્સનું માપ સર્વિસ ટેક્સ વિભાગ લેશે
ટાર્ગેટ વધી ગયો હોવાથી ડિપાર્ટમેન્ટને નવા કરદાતાઓની તલાશ તેમજ નવા સેગમેન્ટ્સ પર હાથ અજમાવાશે
સુરત: ટેલર કપડાં સિવવા માટે લોકોના માપ લેતા હોય છે. પરંતુ આ જ ટેલરનું માપ લેવાની તૈયારી સર્વિસ ટેક્સ વિભાગે શરૂ કરી દીધી છે. કેટલાંક જાણીતા ટેલર્સને સર્વિસ ટેકસ ભરવા માટે હાલ નોટિસ ફટકારવામાં આવી છે. કેટલાંકને તો સીધા સરવેની કલમ હેઠળ નોટિસ મોકલી જવાબ માગવામા આવ્યો છે. જાણકારો કહે છે કે સર્વિસ ટેક્સનો ટાર્ગેટ રૂપિયા 100 કરોડ જેટલો વધી ગયો હોવાથી ડિપાર્ટમેન્ટ નવા કરદાતાઓ તલાશી રહ્યું છે. નેગેટિવ લિસ્ટ સિવાય દરેક ક્ષેત્રના અગ્રણી સર્વિસ પ્રોવાઇડ યુનિટ પર અધિકારીઓ વોચ રાખી રહ્યા છે.
શર્ટ - પેન્ટની હજાર - પંદરસો સિલાઈ લેતા હાઇફાઇ ટેલર્સ પર સર્વિસ ટેક્સની નજર
હાલ અધિકારીઓ એવા ટેલર્સને શોધી રહ્યા છે જ્યાં સામાન્ય શર્ટ-પેન્ટની સિલાઇ રૂપિયા 1000-1500ની ઉપર છે. ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ અધિકારી સીધા જાય છે તો બીજી તરફ સીધી સરવેની જ નોટિસ મોકલીને હિસાબ માગવામાં આવી રહ્યો છે. 12 જેટલાં હાઇફાઇ ટેલર પાસે તો પાછલાં પાંચ વર્ષની વિગતો માગવામાં આવ્યા છે. સૌથી વધુ હેરાનગતિ આ તમામ વર્ષના હિસાબો બાબતની છે. કેમકે કેટલાંય ટેલર્સ આવા હિસાબો રાખતા જ નથી. નોંધનીય છે કે મોટાભાગના સર્વિસ પ્રોવાઇડરો પાસે લોકો બિલ માગતા નથી. એટલે સર્વિસ પ્રોવાઇડરોની બિલ બુક સાચો હિસાબ ન દર્શાવતી હોવાનુ અધિકારીઓનું અનુમાન છે.
લાઇટ બિલ પર પણ નજર
નવા કરદાતા શોધવા માટેની ક્વાયતમાં હવે અધિકારીઓ પાછલાં પાંચ વર્ષના આવકવેરા રિટર્ન, હિસાબોની સાથે હવે લાઇટબિલ પણ માગી રહ્યા છે, યુનિટના આધારે અધિકારીઓ એ ચકાસી રહ્યા છે કે ધંધો કેટલો થઈ રહ્યો છે. જ્યાં હિસાબોમાં લોચા હોય ત્યાં લાઇટબિલ કામ લાગશે એવી અધિકારીઓની ગણતરી છે.
ટાર્ગેટમાં વધારો ચિંતાજનક
સર્વિસ ટેક્સનો ટાર્ગેટ આ વખતે 700 કરોડની નજીક છે. ટાર્ગેટમાં ‌વધારો આવનારા સમયમાં સર્વિસ પ્રોવાઇડરોની મુશકેલીઓ વધારશે. કેમકે ચાલુ નાણાંકીય વર્ષથી તો નવા 14 ટકાના દરે ઉઘરાણી થશે, પરંતુ આવતા વર્ષે ટકાવારીમાં વધારો થવાની શકયતા નથી. ઉપરાંત જીએસટીનું પણ આગમન થઈ રહ્યુ હોય ટાર્ગેટ એચિવ કરવું અઘરૂં બની જશે.
વાંધો નહીં આવે
^ આ વખતે ટાર્ગેટ ભલે વધ્યો હોય પરંતુ સર્વિસ ટેક્સ રેટમાં દોઢ ટકાનો વધારો થયો છે, ઉપરાંત શહેરમાં રેવન્યુમાં વધારાની શક્યતા હોય ટાર્ગેટ શક્ય છે.’ > હાર્દિક શાહ, સી.એ.
અન્ય સમાચારો પણ છે...