તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધર ઇન્ડિયા ડેમ 60 વર્ષમાં પહેલીવાર સુકાઈ ગયો, જળસંકટ ઊભું થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા: ઉમરા ગામે અંબિકા નદી પર મધર ઇન્ડિયા ડેમ બન્યાને લગભગ 60 વર્ષથી વધુ સમય બાદ પ્રથમ વખત મે માસમાં પાણીના સ્તર તળિયે ગયા છે. જેના પરિણામે નદી પર નિર્ભર ગામોમાં જળસંકટ ઊભો થયો છે. નદીમાં પાણી ઓછું થઈ જતાં ખેડૂતો અને પશુપાલકો માટે આ વિકટ પરિસ્થિતીનો સામનો કરવો મુશ્કેલ બન્યો છે. અંબિકા નદીમાં પાણી સુકાતા 11 જેટલી પિયત મંડળીને છેલ્લા ત્રણ માસથી વધુ સમયથી પાણી મળ્યું નથી. જેના પરિણામે 1200થી વધુ હેક્ટર ખેતરના  ઊભા પાક સુકાઈ રહ્યા છે. જેથી હાલ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
 
સિંચાઇ વિભાગમાં પણ નહેરમાંથી નદીમાં પાણી છોડવા અંગે સ્થાનિક પ્રતિનિધિઓએ હજારો હેક્ટર પાક બચાવવા રજૂઆત કરી હતી પરંતુ ખેડૂતોનાં પાકની ચિંતા અધિકારીઓએ કરી નથી. ઉપરવાસમાંથી નીકળતી અને ખેડૂતો માટે જીવાદોરી સમાન અંબિકા નદી ચાલુ સાલે સૂકી ભઠ્ઠ થઈ ગઈ છે. ઉમરા ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીમાં ખેડૂતોને પડતી સિંચાઈના પાણીની સમસ્યાના નિવારણ માટે અંદાજિત 60 વર્ષથી વધુ સમય પહેલા મધર ઇન્ડિયા ડેમ બનાવવામાં આવ્યો હતો.
 
વહેવલ નહેરના પુલથી ઉમરા બ્રહ્મદેવ ફળિયા સુધી 13થી વધુ પિયત મંડળીઓ અંબિકા નદી પર નિર્ભર છે. જેના થકી હજારો હેક્ટર પાકને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવે છે પરંતુ ચાલુ સાલે મધર ઈન્ડિયા ડેમ બન્યોને 60 વર્ષથી વધુ સમય બાદ પ્રથમ વખત મે માસમાં અંબિકા નદીમાં પાણીના સ્તર તળિયે ગયા છે. તો ઘણાં સ્થળે નદી સૂકી ભઠ્ઠ બની ગઈ છે. જેના પરિણામે 13 જેટલી પિયત મંડળીઓ પૈકી ફક્ત 2થી 4 મંડળીઓ હાલ કાર્યરત છે.
 
જ્યારે 11 જેટલી પિયત મંડળીઓ બંધ છે. છેલ્લા ત્રણ માસથી વધુ સમયથી આ 11 મંડળીઓ પર નભતો હજારો હેક્ટર પાક પાણી વિના સુકાઈ રહ્યો છે. ઉમરા, હળદવા અને મહુવરિયા ગામના ખેડૂતો અને પશુપાલકોએ હાલ સિંચાઇ તેમજ પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે. છેલ્લા ત્રણ માસથી વધુ સમયથી સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોએ લાખોનું નુકસાન વેઠવાની નોબત આવી છે. અંબિકા નદીમાં કાકરાપાર ડાબા કાંઠાની કેનાલમાંથી પાણી છોડવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. જોકે,તંત્ર દ્વારા તેમ ન કરવામાં આવે અને વરસાદ પણ લંબાય તો ખેડૂતોનો સંપૂર્ણ પાક સુકાઈ નાશ પામવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે તંત્ર ખેડૂતોની સમસ્યા સમજી તેમની વહારે આવે કે નહીં તે જોવું રહ્યું.
 
અંબિકા નદીમાં છેલ્લા 3  માસથી પાણીનાં સ્તર નીચાં ગયાં

અંબિકા નદીમાં છેલ્લા ત્રણ માસથી પાણીના સ્તર ઓછા થઈ જતાં ખેડૂતો અત્યંત મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ગરીબ ખેડૂતોનો હજારો હેક્ટર પાક બચાવવા માટે નહેર દ્વારા અંબિકા નદીમાં પાણી છોડવાની ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુધી પાણી છોડાયું નથી. - રોશનીબેન પટેલ, ઉમરા, સુરત જિ.પં. સદસ્ય
અન્ય સમાચારો પણ છે...