• Gujarati News
  • LLB Students Of The Second Year Of The Prospectus With Robbery

LLBના બીજા વર્ષના વિદ્યાર્થીઓ સાથે પ્રોસ્પેક્ટસના નામે ઉઘાડી લૂંટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
LLBના બીજા વર્ષના વિદ્યાર્થીઓ સાથે પ્રોસ્પેક્ટસના નામે ઉઘાડી લૂંટ
વી.ટી.ચોક્સી લો કોલેજમાં વિદ્યાર્થીએ ફરજિયાત 250 રૂપિયા આપી પ્રોસ્પેક્ટસ આપવામાં આવી રહ્યું છે
સાર્વજનિક સોસાયટીની હોસ્ટેલમાં ફી વધારો કરાયા બાદ આ રીતે વિદ્યાર્થીઓ પાસે નાની નાની રકમની ઉઘરાણી કરી લાખોની આવક

સુરત: વી.ટી.ચોક્સી લો કોલેજમાં બીજા વર્ષના વિદ્યાર્થીઓને પણ યુનિવર્સિટીનું ફોર્મ ભરવું હોય તો તેણે 250 રૂપિયા આપી પ્રોસ્પેક્ટસની ખરીદી કરે તો જ યુનિવર્સિટીનું 10 રૂપિયાની કિંમતનું ફોર્મ આપવામાં આવે છે.આમ સામાન્ય રીતે કોલેજમાં પહેલા વર્ષે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને કોલેજની માહિતી આપવા માટે આ પ્રોસ્પેક્ટસ આપવામાં આવતું હોય છે પરંતુ મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી બીજા વર્ષે પણ 250 રૂપિયાની કમાણી કરવા માટે નવા નવા રસ્તાઓ શોધી લે છે.

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની પી.ટી.સાયન્સ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની હોસ્ટેલની ફીમાં ધરખમ અચાનક 5000નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.ત્યારે સોસાયટીની કોલેજનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. અઠવાલાઇન્સ સ્થિત વિઠ્લદાસ ઠાકોરદાસ ચોકસી(વી.ટી.) સાર્વજનિક લો કોલેજમાં લો ફેકલ્ટીમાં 700 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.આ વિદ્યાર્થીઓને પહેલું વર્ષ પાસ કર્યા બાદ બીજા વર્ષમાં પ્રવેશ મેળવવા માટે યુનિવર્સિટીનું ફોર્મ ભરવું ફરજિયાત હોય છે.જેથી વિદ્યાર્થીઓ પાસેથી કોલેજ દ્વારા 10 રૂપિયાની કિંમતનું યુનિવર્સિટીનું ફોર્મ આપવામાં આવે છે પરંતુ આ ફોર્મ ત્યારે જ મળે જ્યારે તેઓ 250 રૂપિયા આપી કોલેજના પ્રોસ્પેક્ટસની ખરીદી કરે.આમ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને લૂંટવા માટે કોઇ કસર બાકી રાખવામાં આવતી નથી.આ રીતે નાની નાની રકમ ઉઘરાણી કરી લાખોની કમાણી કોલેજ કરી રહી છે.
10ના ફોર્મ માટે 250નું પ્રોસ્પેક્ટસ ફરજિયાત
‘બીજા વર્ષમાં પ્રવેશ માટે યુનિવર્સિટીનું ફોર્મ ભરવું ફરજિયાત છે જેની કિંમત માત્ર 10 રૂપિયા જ છે. પરંતુ વી.ટી.ચોક્સી લો કોલેજમાં વિદ્યાર્થીઓને ફરજિયાત 250 રૂપિયા લઇ પ્રોસ્પેક્ટસ આપવામાં આવે છે.જેથી મે રિસિપ્ટ માંગી તો કોલેજે આપવાની ના પાડી દીધી,તેમ કહી દીધું કે જો પ્રોસ્પેક્ટસ ન લેવું હોય તો ફોર્મ ન ભરો.’ > અંકિત રૈયાની, વિદ્યાર્થી, લો કોલેજ