લાલભાઇ સ્ટેડિયમને પહેલી વાર રણજીની ક્વાર્ટર ફાઇનલ મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: લાલભાઈનું મેદાન પહેલીવાર રણજીની ક્વાર્ટર ફાઇનલની મેજબાની કરશે. આ સાથે જ સુરતને ક્રિકેટ ફિલ્ડ પર વધુ એક છલાંગ લગાવીને ભવિષ્યમાં રણજી ફાઇનલ, આઇપીએલ અને ઇન્ટરનેશનલ મેચ મેળવવાની દિશામાં કદમ ઉગામ્યા છે. કેરળ અને વિદર્ભ વચ્ચે સાતમી ડિસેમ્બરથી ક્વાર્ટર ફાઇનલ મેચની શરૂઆત થવા જઇ રહી છે. વાવાઝોડાની આગાહી પાંચમી અને છઠ્ઠી વચ્ચે હોઈ સાતમીની મેચ પર તેની કોઈ અસર નથી, એમ એસડીસીએ (સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન)ના સૂત્રોએ કહ્યું હતું.

7મીથી 11 ડિસેમ્બર સુધી વિદર્ભ અને કેરળ વચ્ચે નોકઆઉટ મેચ

 

લાલભાઈ પર અત્યાર સુધી રણજીની લીગ મેચો રમાતી રહી છે. અગાઉ સુરતને એક મેચ મળતી હતી, ત્યારબાદ તેની સંખ્યા વધીને બે થઈ. આ વચ્ચે સ્ટેડિયમ પર ફ્લડ લાઈટ પણ ફીટ કરી દેવામાં આવી હતી. ચાલુ વર્ષે પિન્ક બોલે ડે-નાઇટમાં રમાતી દુલિપ ટ્રોફીની દાવેદારી પણ કરી શકાય. ઉપરાંત આઇપીએલ અને ઇન્ટરનેશનલ મેચ પણ માગી શકાય. સ્ટેડિયમના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સુધાર થતાં હવે લાલભાઈને વધુ મેચો મળે એવા અણસાર પણ દેખાઈ રહ્યા છે. આથી જ પહેલીવાર સુરતને ક્વાર્ટર ફાઇનલ મેચ પણ ફાળવવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા એસડીએના ખજાનચી મયંક દેસાઈએ કહ્યું હતું કે પહેલીવાર શહેરને નોકઆઉટ રાઉન્ડની મેચ મળી છે. બંને ટીમો સુરત આ‌વી પહોંચી છે અને સોમવારે બંને ટીમોએ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ પણ કરી હતી. 7થી 11 ડિસેમ્બર દરમિયાન મેચ રમાનાર છે. જાહેર જનતા મેચ જોવા પધારી શકે છે.

 

સુરતમાં સેન્ચુરી બાદ પાર્થિવની ટેસ્ટમાં વાપસી થઇ

 

દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહેલી ભારતીય ટીમમાં પાર્થિવ પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી કે કમબેક કરવા મથી રહેલા ખેલાડીને લાલભાઇ સ્ટેડિયમ ફળ્યું હોય. અગાઉ પણ અનેક ખેલાડીઓ આ રમણીય મેદાનની વિકેટ પર રનના ઢગલા ખડકીને ભારતીય ટીમમાં પહોંચ્યા છે. પાર્થિવ પટેલે તાજેતરમાં જ આ સ્ટેડિયમ પર રાજસ્થાન સામે 172 રન બનાવ્યા હતા. જેની સિલેકટરોએ નોંધ લઇને તેને ટેસ્ટ ટીમમાં વધુ એક તક આપી છે. આ ઉપરાંત ભૂતકાળમાં ડોકિયું કરીએ તો અગાઉ વિનોદ કાંબલીએ 200 રન, લક્ષ્મણે 200થી વધુ, રવિન્દ્ર જાડેજાએ ટ્રીપલ સદી અને ગાંગુલીએ પણ સદી મારીને ભારતીય ટીમમાં કમબેક કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...