સુરત: ડેબિટ-ક્રેડિટ કાર્ડની ખરીદી પર IT નજર રાખશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: જૂની ચલણી નોટો રદ થયા બાદ જ્યાં એક તરફ નોટ છપામણીની કામગીરી પણ ધીમી ચાલી રહી છે ત્યાં પ્લાસ્ટિક કરન્સીની ડિમાન્ડ આપાઓપ વધી ગઈ છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી લોકો ફટાફટ ખરીદી કરી રહ્યા છે. જેમ બેન્કમાં રૂપિયા 2.50 લાખ કરતાં વધુ રકમ ડિપોઝિટ કરતી વખતે ચેતવા જેવું છે તેમ પ્લાસ્ટિક કરન્સીના આડેધડ ઉપયોગથી પણ સચેત રહેવાની જરૂર છે. કેમ કે વર્ષમાં 2 લાખની ઉપરની ખરીદી આઇટીની તપાસ નોંતરી શકે છે. દર વર્ષે આવા અનેક કેસ સ્ક્રુટિનીમાં પણ સિલેક્ટ થતા હોય છે.
આવક કરતા ખર્ચ વધારે હોય તો તકલીફ પડી શકે

આઇટીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે અમે એ જોઇએ છીએ કે જે 2 લાખની ઉપર ખરીદી કરે છે તે રિટર્ન કેટલાંનું ફાઇલ કરે છે. ધારો કે કોઈ કરદાતા રૂપિયા 20 લાખની આવક બતાવી રિટર્ન ફાઇલ કરે અને રૂપિયા 2 લાખની ખરીદી કાર્ડથી કરે તો કોઈ વાંધો નથી, પરંતુ 3 લાખનું રિટર્ન ફાઇલ કરાતું હોય અને 2 લાખની ખરીદી કરે તો આવા કેસ તપાસ માટે પહેલાં સિલેક્ટ થાય છે. કેમ કે 3 જ લાખની આવક હોય અને 2 લાખ ખર્ચે તે કેસ પોતાની રીતે જ બ્લેક મની તરફ ઇશારો કરે છે.
નિયમ શું છે
સ્ક્રુટિનીમાં કેટલાંક ક્રાઇટેરિયા છે, જેમાં રૂપિયા 30 લાખની પ્રોપર્ટી ખરીદી હોય ઉપરાંત 2 લાખની ક્રેડિટ કાર્ડ મારફત ખરીદી હોય તો કેસ સ્ક્રુટિનીમાં સિલેક્ટ થઈ શકે છે. જો કે, જરૂરી નથી કે બધા જ કેસ સિલેક્ટ થાય.
બચવું હોય તો...
સીધો નિયમ છે. વર્ષમાં પ્લાસ્ટિક કરન્સીનો ઉપયોગ સાચવીને કરવો, જેથી 2 લાખની ઉપરની ખરીદી ન થાય. ઘરના સભ્યો જો શોપિંગ કરવા નીકળ્યા હોય તો ધ્યાન રાખે તે દરેકનો કાર્ડ વાપરવામાં આવે. કોઈ એક જ નહીં.
નિયમ બદલવા માગ થઇ રહી છે
સી.એ. તિનિશ મોદી કહે છે કે જ્યારે આપણે પ્લાસ્ટિક કરન્સી તરફ જઇ રહ્યા હોય ત્યારે 2 લાખની લિમિટનો ક્રાઇટેરિયા વધારવો જોઇએ, જેથી લોકો વિના સંકોચે તેનો ઉપયોગ કરી શકે.
વિગતો કેવી રીતે આવે છે
આઇટી પાસે ડેબિટ - ક્રેડિટ કાર્ડની વિગતો બેન્ક મારફત જ આવે છે. બેન્કો પોતાના એઆઇઆરમાં તેની માહિતી આપે છે
અન્ય સમાચારો પણ છે...