સુરત:આઇટી વિભાગનો ટાર્ગેટ એક હજાર કરોડ વધી ગયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇટી વિભાગનો ટાર્ગેટ એક હજાર કરોડ વધી ગયો
બિલ્ડરોના પ્રોજેક્ટના જ્યાં કોઇ લેવાલ નથી ત્યાં આ ટાર્ગેટ પુરો થશે કે કેમ એ અંગે અત્યારથી જ શંકા-કુશંકા
કેન્દ્ર સરકારને ડાયમંડ, ટેક્સટાઇલ અને રિયલ એસ્ટેટમાં ધમધમતા સુરતમાં આવક માટે ઘણી જ શકયતાઓ દેખાઈ

સુરત: આવકવેરા વિભાગનો નાણાંકીય વર્ષ 2015-16નો લક્ષ્યાંક આવી ગયો છે. દિલ્હી ખાતે મળેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ અને દેશભરના ચીફ કમિશનરોની મિટિંગમાં દરેકને ટાર્ગેટ ફાળવી આપવામાં આવ્યો હતો. સુરતનો ટાર્ગેટ રૂપિયા 4900 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. ગત વર્ષની સરખામણીમાં ટાર્ગેટમાં સીધો જ એક હજાર કરોડનો વધારો કરવામાં આવ્યો છે. બિલ્ડરોના પ્રોજેક્ટના જ્યાં કોઇ લેવાલ નથી ત્યાં આ ટાર્ગેટ પુરો થશે કે કેમ એ અંગે અત્યારથી જ શંકા-કુશંકા વહેતી થઈ છે. રિઅલ એસ્ટેટ સિવાયના કયા સેગમેન્ટ પર આઈટીની નજર રહેશે એ પણ ઉદ્યોગકારો માટે ટેન્શનનું કારણ બની રહેશે. ગત નાણાકીય વર્ષમાં આવકવેરા વિભાગનો ટાર્ગેટ રૂપિયા 4000 કરોડ હતો. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષ માટે રૂપિયા 4900 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે.
રૂપિયા 300 કરોડ શોધાયા હતા
ગત વર્ષે સર્ચ અને સરવેના આધારે અધિકારીઓએ રૂપિયા 300 કરોડ જેટલું કાળુ નાણું શોધી કાઢયુ હતુ. જેમાં બિલ્ડરો, ડાયમંડ અને ટેક્સટાઇલ સેકટરનો સમાવેશ થાય છે. આ‌વકવેરા વિભાગમાં હવે આંતરિક બદલીઓ થશે. એસેસમેન્ટમાં કરેલી ધારદાર કામગીરીના લીધે કેટલાંક આઇટીઓને ઇન્વેસ્ટિગેશન વિંગમાં જગ્યા મળી છે. જેમાં રોય અબ્રાહમ, ધામે, બોકાડેનો સમાવેશ થાય છે. જાણીતી રેન્જમાં જવા અન્ય અધિકારીઓ તલપાપડ છે.
આઇટી અને TDSનો ટાર્ગેટ જૂદો કરાશે
અત્યાર સુધી ઇન્કમટેક્સ અને TDSનો ટાર્ગેટ એક સાથે જ ગણાતો હતો. 4900 કરોડમાં TDSનો ટાર્ગેટ 2500 કરોડ છે તો રેગ્યુલર ટેક્સનો ટાર્ગેટ 2400 કરોડ છે. ગત વખતે TDSનો ટાર્ગેટ 2000 કરોડ હતો. TDSના ચીફ કમિશનરની પોસ્ટિંગ થતાં હવે કામગીરી અલગ થશે.
ટાર્ગેટમાં વધારો કરી 689 કરોડ કરાયો
સર્વિસ ટેક્સનો પણ ટાર્ગેટ જાહેર કરાયો હતો. નાણાંકીય વર્ષ 2015-16 માટે સર્વિસ ટેક્સ-1નો રૂપિયા 590 કરોડનો ટાર્ગેટ નક્કી કરાયો હતો. જ્યારે સુરત-2 સર્વિસ ટેક્સનો રૂપિયા 90 કરોડ નિર્ધારિત થયો હતો. અગાઉ સર્વિસ ટેક્સનો ટાર્ગેટ 580 કરોડ હતો.
વિભાગ બંધ કરવો પડે તેવી સ્થિતિ, ટાર્ગેટ 110 કરોડ
આવકના અભાવે સુરત સેક્ટરમાં એકસાઇઝ વિભાગ બંધ કરી દેવો પડે એવી સ્થિતિ છે ત્યાં તેનો ટાર્ગેટ રૂપિયા 110 કરોડ નક્કી કરાયો હતો. નોંધનીય છે કે અગાઉ એકસાઇઝનો ટાર્ગેટ હજાર કરોડ સુધી રહેતો હતો. હવે આ ટાર્ગેટ એચિવ કરવો પણ મુશ્કેલ છે.
અન્ય સમાચારો પણ છે...