લાખોનું ભાડુંં રળી આપતો પ્લોટ માત્ર 5 હજારમાં પધરાવી દેવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: પોશ વિસ્તારમાં અને મેઇન રોડ ટચ પાલિકાના ઓપન પ્લોટ નક્કી પોલિસીની વિરુદ્ધમાં સુઓમોટો ઠરાવના આધારે સાવ નજીવા દરે અપાઈ રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે. જે પ્લોટનું સરકારી દર મુજબ માસિક ભાડુંં લાખોમાં થતું હોય તેને માત્ર 5 હજાર રૂપિયા જેવા નજીવા માસિક ભાડે આપી દેવાયો છે, જેમાં પાલિકાની તિજોરીને મોટો ફટકો પડી રહ્યો હોવાનો કકળાટ ઊભો થયો છે.
 
રોડ ટચ પાલિકાનો ઓપન પ્લોટ નિયત થયેલી પોલિસીની વિરુદ્ધમાં અપાયો

સરકારી પ્લોટ ભાડે આપવાની પોલિસી બનાવનારી સ્ટેન્ડિંગ કમિટી જ ખાસ કિસ્સાના નામે પોલિસીની અવગણના કરતી હોય તો પાલિકાની કાર્ય પ્રણાલી પર વેધક પ્રશ્નો ઊભા થઈ શકે છે.
 
4.5 લાખની ખોટમાં ભાડે અપાયો

રાંદેર ઝોનના તાડવાડી વિસ્તારની ટીપી-14 સ્થિત ફાઈનલ પ્લોટ નંબર- 238 (પૈકી પ્લોટ) માત્ર 5000 રૂપિયાના માસિક ભાડે જીવનધારા ટ્રાવેલ્સને અપાયો છે. 2167 ચોરસ મીટરનો આ વિશાળ પ્લોટ ખાનગી કંપનીને પાર્કિંગ હેતુએ અપાયો છે. પોલિસી મુજબ આ પ્લોટનું માસિક ભાડુંં 4,55,070 રૂપિયા જેટલો થાય છે, છતાં સાડા ચાર લાખની માસિક ખોટ વેઠી પ્લોટ ભાડે અપાતા તરેહ-તરહની અટકળો વહેતી થઈ છે.

દરખાસ્ત એજન્ડામાંથી બાકાત રાખી

પ્લોટ ટેમ્પરરી ભાડે આપવાની પ્રક્રિયા માટે 90 દિવસ પહેલા અરજી કરવાની પોલિસી છે છતાં ગીચ વિસ્તારનો આ પ્લોટ ભાડે આપવાની દરખાસ્તને એજન્ડામાં નહીં પણ વધારાના કામની રૂપરેખામાં હાથ પર લેવાયો હોવાનું કહેવાય છે. રેગ્યુલર એજન્ડામાંથી બાકાત રહેલી આ દરખાસ્ત વધારાના કામમાં રજૂ કરી મંજૂર કરાઈ હતી. છેલ્લી ઘડી સુધી દરખાસ્ત પર કોઈ વિવાદ કે ટિપ્પણી ન થાય તે માટે આમ કરાતું હોવાની ચર્ચા પણ પાલિકા પરિસરમાં ફેલાઈ છે.
 
શાસકો કચેરી વેચી મારે તો નવાઈ નહીં

ભાજપ શાસકો વેપારીઓને લાભ કરાવી રહ્યા છે. પ્લોટ ભાડે આપવાનો અધિકાર વાપરો પણ પાલિકાનું અહિત પણ થવું ન જોઈએ. ઓપન પ્લોટ તો ઠીક, મુગલીસરાની કચેરી પણ વેચાઈ જાય તોય નવાઈ નહીં! > અસલમ સાઇકલવાળા, વિપક્ષ સભ્ય
 
અન્ય સમાચારો પણ છે...