સુરત: વધુ એક ફાયર અધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વધુ એક ફાયર અધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયો
ડિવિ.ફાયર ઓફિસર મોઢે ફાયરના જ માજી કર્મચારી પાસે લાંચ માગી
ફાયર સેફટીની એજન્સીને જરૂરી એનઓસી આપવાનું હતું
સુરત: સુરત પાલિકાના ફાયરબ્રિગેડમાં માન દરવાજા ફાયર સ્ટેશન ખાતે ડિવિઝનલ ફાયર ઓફિસર એન.પી.મોડ રૂપિયા 10 હજારની લાંચ લેતા તેમની ઓફિસમાં એન્ટી કરપ્સન બ્યુરોના હાથે ઝડપાઇ ગયા હતા. તેઓ ઝડપાયા હોવાની વાત ફેલાતા સ્ટેશન પર કામ કરતા અન્ય કર્મચારીઓ પણ રફુચક્કર થઇ ગયા હતા. અેન પી મોડે ફાયરબ્રિગેડના જ રિટાયર્ડ કર્મચારી પાસેથી લાંચ માંગી હતી. રિટાયર્ડ થયા બાદ ફાયર સેફટીની એજન્સી ચલાવતા આ કર્મચારીને એનઓસી આપવાના બદલામાં એન.પી.મોડે 10 હજાર રૂપિયાની માંગણી કરી હતી.

ડિંડોલી-ખરવાસા રોડ પર રૂક્મણીપાર્ક રો-હાઉસમાં રહેતા રાજકુમાર રામપારસ તિવારી ફાયર સેફટીની એજન્સી ચલાવે છે. તેઓ અગાઉ પાલિકામાં ફાયરમેન હતા. 2013માં રાજકુમાર તિવારીએ વીઆરએસ લીધું હતું. તેમની એજન્સી ફાયર સેફટીના કામો કરે છે. તેઓએ એક સ્થળે ફાયરસેફટીનું કામ કર્યું હતું. આ માટે ફાયરબ્રિગેડમાંથી એનઓસી મેળવવું ફરજિયાત છે. એનઓસી વગર કામ વેલિડ નથી ગણાતું. તેમણે એનઓસી માટે માન દરવાજા ફાયર સ્ટેશનમાં અરજી કરી હતી.
અહીં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર નરેન્દ્ર પાથુભાઇ મોડ દ્વારા એનઓસી આપવાના બદલમાં રૂપિયા 10 હજારની માંગણી કરી હતી. રાજકુમારે એન.પી.મોડને લાંચ ન લેવા વિનંતી કરી હતી. છેલ્લે લાંચની રકમ ઓછી કરવા પણ વિનંતી કરી પરંતુ એન.પી.મોડ દ્વારા તેમની વાતને ધ્યાન પર લેવાઈ ન હતી. ગુરૂવારે બપોરે મોડની ઓફિસમાં જ આ રકમ આપવાની હતી. આ અગાઉ રાજકુમાર તિવારીએ એન્ટી કરપ્સન બ્યૂરોમાં અેન.પી.મોડ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ગુરૂવારે બપોરે એન્ટી કરપ્સન બ્યુરોના ઇન્સ્પેક્ટર સી. એમ. જાડેજા, વિ.ડી.પાટીલ સહિતનો સ્ટાફ અેન.પી.મોડની ઓફિસે પહોંચી ગયો હતો. ત્યાં રાજકુમાર પાસેથી 10 હજાર રૂપિયાની લાંચ લેતા એન.પી.મોડને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. એસીબીએ ટ્રેપમાં મજબુત પુરાવા માટે ઓડિયો-વિડીયો રેકોર્ડરનો ઉપયોગ કર્યો છે.
64 હજારનો પગાર અને 10 હજારની લાલચ
નરેન્દ્ર મોઢ માનદરવાજા ફાયર સ્ટેશનમાં ડીવીઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. મહાનગરપાલિકામાં એપ્રિલ 1982માં જોડાયા હતા અને માર્ચ 2017માં નિવૃત થવાના હતા. તેઓની નિવૃતિને આરે બે વર્ષનો સમય પણ બાકી નહીં હોવા છતાં આજે 10 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. હાલમાં મહાનગરપાલિકામાં તેઓ 64435નો પગાર મેળવતા હોવા છતાં 10 હજારની ઉપરની આવક લેવા જતાં એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા છે.
છેલ્લા એક વર્ષમાં ફાયરબ્રિગેડ વિવાદિત
છેલ્લા એક વર્ષમાં સુરત ફાયરબ્રિગેડ ભારે વિવાદમાં રહ્યું છે. હાઇરાઇઝ બિલ્ડિંગોમાં વારંવાર લાગતી આગો બાદ ફાયર સેફ્ટીના મુદ્દે ફાયર બ્રિગેડની કામગીરી શંકાના દાયરામાં આવી ગઇ હતી. એક વર્ષ અગાઉ લેન્ડમાર્ક એમ્પાયરમાં લાગેલી આગ બાબતે ગુનો નોંધાતા તત્કાલીન સીએફઓ પંકજ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ થતા તેમની ધરપકડ થઇ હતી. ફાયરબ્રિગેડના કર્મચારીઓ જ નોકરી ઉપરાંત ફાયર સેફટીના સાધનો ગેરકાયદેસર રીતે વેચતા હોવાનો અને તેમની પાસેથી સાધનો ખરીદે તો જ એનઓસી આપવાનું પ્રકરણ ચર્ચાસ્પદ બન્યું હતું. આ સિવાય બે મહિના પહેલા પણ સિનિયર ફાયર ઓફિસર જી.જી બારહટ પણ સર્ટિફિકેટ આપવા 10 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા. છેલ્લા એક વર્ષથી ફાયર વિભાગ વિવાદના ઘેરાવમાં રહ્યો છે. તંત્ર આ વિભાગને સુધારવા અનેક પગલા ભરવાની જાહેરાત કરી રહી હોવા છતાં ખાતાની ભ્રષ્ટ રસમો અટકી રહી નથી.
અન્ય સમાચારો પણ છે...