સુરતમાં ઓખીને ઠંડા પવનોએ નબળું પાડી દીધું, લગ્નસમારોહ ખોરવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: નોર્થ ઇસ્ટ દિશાથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે દરિયાની સપાટી ઠંડી બની જતા મંગળવારે રાત્રે 10 પછી સુરત તરફ આવતાં ઓખી વાવાઝોડું નબળું પડી જતા હાશકારો થયો છે.  આ પહેલા 88 કિલોમીટર પ્રતિ કલાકની પવનની મહત્તમ ઝડપ સાથે આગળ વધતું ઓખી સાયક્લોનિક સ્ટોર્મ (વાવાઝોડું  ) નબળું પડીને મંગળવારે દરિયામાં 62 કિલોમીટરની ઝડપ ધરાવતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું. સુરત નજીક આવતા તે  50 કિલોમીટરની ઝડપ ધરાવતા સામાન્ય ડિપ્રેશનમાં બદલાઇ ગયું હતું. એક રીતે કહી શકાય કે, સુરત પરની ઘાત મંગળવારે ટળી ગઇ હતી. જોકે, એક બે દિવસ ઠંડક સાથે વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.

 

સુરતમાં ઓખી ત્રાટકે એ પહેલા મંગળવારે વહેલી સવારથી જ મહત્તમ તાપમાન અધધ 8 ડિગ્રી ગગડીને 19.4 ડિગ્રીએ અને લઘુત્તમ 18.4 પર પહોંચી પહોંચી જતાં  વરસાદી માહોલ સાથે શહેર ઠંડુગાર બની ગયું હતું. શહેરમાં 7 એમએમ જેટલો વરસાદ નોંધાયો હતો.નોર્થ ઇસ્ટથી 10 કિલોમીટરની ઝડપે ઠંડા પવનો પણ ફૂંકાતા હતા.ભેજનું પ્રમાણ વધીને 96 ટકા થઇ ગયું હતું.લોકોએ રેઇન કોટ સાથે ગરમ કપડા પણ પહેરવાની ફરજ પડી હતી.આવા હવામાનની અસર ઓખીના ફંટાવાનું કારણ બની હતી. મંગળવારે રાતે 12 કલાકે  ઓખી વાવાઝોડું સુરતથી લગભગ 100 કિ.મી દૂર દરિયામાં હતું.
ઓખી વાવાઝોડાની રેન્જ 400થી 500 કિલોમીટર છે એટલે તેની અસર જમીન પર થાય છે. મંગળવારે સાંજ સુધી સાઇકલોન ડીપ ડિપ્રેશન (પવનની ગતિ 51થી 62 કિમી)માં ફેરવાયું. તે મોડીરાત્રે  સુરત નજીક આવતું હતું ત્યારે  સામાન્ય  ડિપ્રેશન (પવનની ગતિ 31થી50)માં ફેરવાઇ ગયું. જોકે, આગામી બે દિવસ હવામાં ઠંડક રહેશે અને વરસાદી ઝાપટા પડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

 

આ કારણથી ડિપ્રેશનમાં ફેરવાયું

 

1. દરિયા અને જમીન પર ઓછું તાપમાન
2. દરિયાની સપાટી ઉપર ઠંડી
3. નોર્થ-ઇસ્ટથી ફૂંકાતા ઠંડા પવનો

 

ઓખીએ લગ્નસમારોહ ખોરવ્યા

 

સુરતમાં ઓખી વાવાઝોડાને કારણે ખુલ્લા પ્લોટોમાં નોંધાયેલા 30 ટકા લગ્ન  સમારોહ ખોરવાઇ ગયા હતા. લગ્નોની મોસમમાં વરસાદે વિઘ્ન નાંખતા ખુલ્લા પ્લોટમાં લગ્નોના આયોજકોએ હોલ માટે દોડાદોડી કરવી પડી. તેની સાથે અગાઉ નોંધાયેલા મંડપો રદ કરાતા કેટરર્સોને નુકસાન વેઠવાનો સમય આવ્યો છે.  તસવીર - હેતલ શાહ

 

દરિયામાં જ નબળું પડ્યું
ઓખી દરિયામાં નબળું પડી ગયું છે. પવનની ઝડપ 40 કિલોમીટરની છે. સુરત પર તેની કોઇ અસર થવાની નથી.  > મહેન્દ્ર પટેલ, કલેક્ટર, સુરત

 

ડિપ્રેશનમાં ફેરવાઇ જશે


સાઇકલોન હાલમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. સુરત આવતા ડિપ્રેશનમાં ફેરવાશે. >  દિલીપ હિંદવા, ઇન્ચાર્જ મેટ્રોલોજિકલ ઓફિસર

 

વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...