તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત: વિમાન ઉતર્યું ને એરપોર્ટ પર આંસુનો વરસાદ વરસ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : અમરનાથયાત્રામાં થયેલા આતંકી હુમલા બાદ મૃતકો અને ઘવાયેલાઓને મંગળવારે બપોરે સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા ત્યારે માહોલ ખૂબ જ ગમગીની ભર્યો હતો. એરપોર્ટ પર હાજર દરેક વ્યક્તિની આંખોમાં આતંકવાદ સામેનો ગુસ્સો અને શ્રદ્ધાળુઓ પ્રત્યેની દયાભાવના જોવા મળી હતી. વાયુસેનાનું એરક્રાફ્ટ આવ્યું અને એક પછી એક ડેડબોડી બહાર કાઢવામાં આવી ત્યારે ત્યાં હાજર સ્વજનો હિબકે ચઢ્યા હતા. બીજીતરફ એરપોર્ટ ટર્મિનલની બહાર શ્રદ્ધાળુઓ અને સ્વજનોનું મીલન થયું ત્યારે તેમની આંખોમાંથી ખુશીના આંસુ નીકળ્યા હતા અને સાથી શ્રદ્ધાળુઓના મોત બદલ તેટલું જ દુખ પણ હતું.
 
સવારે: 10:10 : વાતાવરણ નડ્યું
  એરફોર્સનું હરક્યુલસ એરક્રાફ્ટ હુમલાગ્રસ્ત 58 લોકોને લઈને શ્રીનગર એરપોર્ટ પરથી ઉડ્યું. ચંદીગઢ પાસે વાતાવરણ બરાબર ન હોવાથી વિમાન પરત ગયું અને ફરીથી સુરત આવવા માટે નીકળ્યું.આ વિમાનમાં 19 લોકો ઇજાગ્રસ્ત હતા, જેમાંથી બે શ્રદ્ધાળુઓ બેભાન હતા. વિમાનમાં પણ તેમની સારવાર ચાલુ રાખવામાં આવી હતી.
 
બપોરે: 11:45 : મુખ્યમંત્રી આવ્યા
  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ, ગણપતભાઈ વસાવા અને જીતુભાઈ વાઘાણી વિમાનમાં અમદાવાદથી સુરત એરપોર્ટ પર આવ્યા. મંત્રીઓ આવ્યા તે પહેલા જ સુરત એરપોર્ટ પર મૃતકો અને ઇજાગ્રસ્તોના સંબંધીઓ આવી પહોંચ્યા હતા. એરપોર્ટની બહાર લોકો આતંકવાદ વિરોધી બેનર સાથે પહોંચ્યા હતા.
 
બપોરે: 12:45 : એરપોર્ટ પર હોબાળો
  એસીપી ભક્તિ ઠાકરની મૃતક સુમિત્રાબેન પટેલના પરિવારજનો સાથે એરપોર્ટ બહાર બાકડા પર બેસવા બાબતે થોડી બોલાચાલી થઈ હતી. એસીપી ભક્તી ઠાકરે આ ટોળાઓને એરપોર્ટની સામે આવેલા ગાર્ડનમાં જવા માટે કહ્યું હતું. બોલાચાલી ઉગ્ર બને તે પહેલાં જ પીઆઈ જે.એચ. દહિયાએ મામલો થાડે પાડી પરિવારજનોને શાંત કર્યા હતા.
 
બપોરે: 1:00 : એરફોર્સનું વિમાન આવ્યું

આતંકીઓના નિશાન બનેલા અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુ એરફોર્સના એરક્રાફ્ટમાં સુરત એરપોર્ટ ઉપર મંગળવારે જ્યારે લેન્ડ થયા. સુરક્ષિત બચેલા મુસાફરો વિમાનમાંથી બહાર આવ્યા અને તેમના સ્વજનોને મળ્યા. સ્વજનો શ્રદ્ધાળુઓને ભેટીને રડી પડતા એરપોર્ટ પર એકથી એક હૃદયદ્રાવક દૃશ્ય સર્જાયા હતા.
 
બપોરે: 1:10 : CMએ શ્રદ્ધાંજલિ આપી

વિમાનમાંથી શ્રદ્ધાળુ એવા મૃતકોને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા. એરપોર્ટ પર ઉપસ્થિત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શહેરના સાંસદો સહિતના નેતાઓએ ફૂલહારથી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. આ સમય એરપોર્ટની બહાર સંખ્યાબંધ નાગરિકો પાકિસ્તાન વિરોધી પોસ્ટરો સાથે નારા પણ લગાવ્યા હતા.
 
બપોરે: 1:15 : ડ્રાઇવરને CM મળ્યા

મુખ્યમંત્રી યાત્રાળુઓને મળ્યા. ઘવાયેલા એવા લોકોને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળે તે માટે તંત્રને સૂચના આપી. ડર્યા વગર બસ હંકારી 53 લોકોનો જીવ બચાવનારા ડ્રાઇવર સલીમ શેખને મુખ્યમંત્રીએ શાબાશી આપી. મુખ્યમંત્રીએ સલીમ શેખને વિરતા પુરસ્કાર મળે તે માટે કેન્દ્ર સરકારને ભલામણ કરવાની પણ વાત કરી હતી.
 
બપોરે: 1:20 : શબવાહિની  રવાના

સુરત, વલસાડ અને ગણદેવીના મૃતકોને શબવાહિનીમાં તેમના ઘર તરફ મોકલી આપવામાં આવ્યા. શબવાહિનીઓને રસ્તામાં કોઈ સંકટ ન નડે તે માટે પોલીસના વાહનોનો કાફલો પણ સાથે રાખવામાં આવ્યો હતો. શબવાહિની સાથે પોલીસના વાહનો પણ એરપોર્ટ પરથી નીકળ્યા હતા.
 
બપોરે: 1:40 : મહારાષ્ટ્ર માટે હેલિકોપ્ટર

આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા દહાણું (મહારાષ્ટ્ર)ના બે શ્રદ્ધાળુઓના મૃતદેહ લેવા માટે મહારાષ્ટ્ર સરકારે એક વિશેષ હેલિકોપ્ટર મોકલ્યું હતું. આ હેલિકોપ્ટરમાં મૃતદેહનું કોફિન આવતું ન હોવાથી કોફિનને થોડું કાપવામાં આવ્યુ઼ં હતું. મહારાષ્ટ્રના બે મૃતદેહોને આ હેલિકોપ્ટરમાં રવાના કરાયા હતા.
 
બપોરે: 1:45 : CMએ સૂચના આપી

મુખ્યમંત્રી ટર્મિનલ બિલ્ડિંગમાં આવ્યા. જ્યાં તેમણે ઘવાયેલાઓને નવી સિવિલ હોસ્પિટલમાં જ યોગ્ય સારવાર મળી રહે તે માટેની કલેક્ટર સહિત ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. ત્યારબાદ મુખ્યમંત્રી અન્ય નેતાઓ સાથે અમદાવાદ જવા નીકળી ગયા હતા.
 
સવારે: 9:00 : કલેક્ટરની બેઠક

આ સમગ્ર ઘટનાક્રમ પૂર્વે કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલે વહેલી સવારે 9 વાગે જ બેઠક બોલાવી હતી. જેમાં પોલીસ વિભાગ, પ્રાંત અધિકારી, મામલતદાર, મેડીકલ સુપ્રિટેન્ડન્ટ સમેતના સ્ટાફ હાજર રહ્યો હતો. ઇજાગ્રસ્ત યાત્રીઓ અને મૃતકો માટે એરપોર્ટ પર વ્યવસ્થા કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
 
 
 
 


અન્ય સમાચારો પણ છે...