સુરત: GST સામે બંધ પાળી કાપડ વેપારીઓ યજ્ઞ પણ કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: કાપડ પર રજુ થયેલી 5 ટકા જીએસટીના કારણે વેપારીઓની નારાજગી દિવસેને દિવસે વધતી જાય છે એવામાં જીએસટી કાઉન્સીલમાં પ્રતિનિધ કરતાં નાયબ મુખ્યમંત્રીની સાથે કેન્દ્વીય ટેક્સટાઇલ મંત્રીને અનુક્રમે ગાંધીનગર અને દિલ્હી બે થી ત્રણ વખત જીએસટી સંર્ઘષ સમિતિના પ્રતિનિધિ મંડળ દ્વારા કરવામાં આવેલી રજુઆતો પણ તેમની એક પણ માંગ નહી સ્વીકારાતા ગત અઠવાડિયા દરમ્યાન દિલ્હીમાં દેશભરના વેપારીઓની હાજરીમાં તૈયાર થયેલી ઓલ ઇન્ડિયા જીએસટી સંર્ઘષ સમિતિ દ્વારા તા. 27 થી 29 જુન હડતાલ પર જવાનો નિર્ણય કરાયો હતો.જેના ભાગરૂપે આજથી ત્રણ દિવસ દેશભરના ટેક્સટાઇલ માર્કેટ બંધ પાળવાના સાથે સુરત જીએસટી સંર્ઘષ સમિતિ દ્વારા માર્કેટ વિસ્તારમાં સરકાર સદ્દબુદ્ધિ તથા જીએસટી શાંતિ હવન કરાશે.
 
દેશમાં શાંતિ રહે તથા કેન્દ્ર સરકારને સદ્દબુદ્ધિ મળે તે માટે રિંગ રોડની ટેક્સટાઇલ માર્કેટમાં શહેરના વિવિધ વેપારી મંડળોનું આયોજન
 
એક મહિનાથી દેશભરના ટેક્સટાઇલ અગ્રણીઓ દ્વારા અવાર-નવાર રજુઆતો કરી ટેક્સટાઇલને રાહત તેમજ કાપડને જીએસટી મુક્તની માંગ કરવામાં આવી રહી છે. છેલ્લી રીવ્યુ બેઠકમાં ટેક્સટાઇલના એક પણ સેક્ટરમાં રાહતનો એક પણ મૂળાક્ષર નહી ઉચ્ચારાતા વેપારીઓનો રોષનો પારો આસમાને ચઢ્યો છે. જેના પગલે આજથી ત્રણ દિવસ માર્કેટ બંધ રાખ્યા બાદ 30મી જુનના રોજ માર્કેટ ફરી ખોલવામાં આવશે અને તમામ વેપારી હાથ પર કાળી પટ્ટી બાંધી કાળો દિવસ ઉજવશે.સુરત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં 165 માર્કેટો સાથે 75 હજારથી વધુ વેપારીઓ સંકળાયેલા છે. જીએસટી સંર્ઘષ સમિતિના પ્રવક્તા જયલાલ અને મનોજ અગ્રવાલના જ્ણાવ્યાનુસાર સરકારને સદ્દબુદ્ધિ આવે અને કાપડને જીએસટીમાંથી મુક્તિ આપે તે ઉદ્દેશથી માર્કેટમાં જીએસટી શાંતિ અને સરકાર સદ્દબુદ્ધિ હવન કરીશું.
 
સરકાર-વેપારીઓ વચ્ચે મધ્યસ્થીઓની મથામણ
 
વેપારીઓમાં ઉકળતાં રોષને ઠારવા શહેરની વિવિધ સંસ્થાઓએ સરકાર અને વેપારીઓ વચ્ચે મધ્યસ્થીના પ્રયાસરૂપે હડતાલ નહી કરવા મથામણ શરૂ કરાઈ છે, પરંતુ અડગ વલણ રાખી હડતાલના નિર્ણયને પાળવામાં આવશે. આ સાથે ફરી જીએસટી સંર્ઘષ સમિતિના આગેવાનો ગાંધીનગર જીએસટી મુક્તિની રજૂઆત કરશે.
 
વીવિંગનું ઉત્પાદન 20 ટકા પર સિમિત
 
ટ્રેડિંગ પર નભતાં વીવિંગ અને પ્રોસેસિંગ યુનિટો નિરસ લગ્નસરાં ઉપરાંત રમજાનની ઓછા વત્તા પ્રમાણમાં થયેલી ખરીદીના કારણે આકરું નુકશાન થયું છે. જુનો સ્ટોક ક્લીયર કરી નવો ઉત્પાદન ન કરવાની નિતિના કારણે હાલ વિવિંગ તથા પ્રોસેસિંગ ઉદ્યોગમાં ક્ષમતા કરતાં માત્ર 20થી 30 ટકા ઉત્પાદન થઇ રહ્યું છે. કારીગરો હિજરત શરૂ નહીં કરે તે માટે ઉદ્યોગો નુકશાન વેઠીને પણ અઠવાડિયા 5 દિવસ અને 2 પાળીમાં ઉત્પાદન કરી રહ્યા છે.
 
સ્ટોક ક્લીયર કરવાનો હોવાથી મિલોમાંથી રોજ કરતાં ત્રણગણું કાપડ માર્કેટમાં ડમ્પ થઈ ગયું
 
હડતાળના ભણકારા વચ્ચે અગાઉનો સ્ટોક ક્લીયર કરવા માટે વેપારીઓેએ સોમવારે ચાલુ રાખેલી માર્કેટમાં મિલમાંથી રોજ કરતાં ત્રણ ગણું ગ્રે તથા ફિનિશ્ડ કાપડ ડમ્પ કરવામાં આવ્યું છે. વેપારીઓને જીએસટી રજીસ્ટ્રેશન લઇ લેવા ચીમકી આપનારા પ્રોસેસર્સે તેમની પાસે જોબવર્ક પર આવેલો તમામ માલ વેપારીઓને ફરી સુપરત કરી આપ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...