તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કનકપુર-કનસાડમાં ભાજપના વિજય બાદ સમર્થકે હવામાં ફાયરિંગ કર્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: કનકપુર-કનસાડમાં ભાજપના એક ઉમેદવારની જીતની ખુશીમાં નિકળેલી રેલીમાં ભાજપના એક સભ્ય દ્વારા હવામાં ફાયરીંગ કરાયું હોવાનું બહાર આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે પોલીસની તપાસમાં એરગન દ્વારા ફાયરીંગ કરાયું હોવાનું બહાર આવતાં સચિન પોલીસે તપાસ હાથ ધરી છે. સચિન કનકપુર-કનસાડની ચૂંટણીમાં ભાજપની જીત થતાં ભાજપના કેટલાક સભ્યો જીતના ઉન્માદમાં છકી ગયા હતા.
પોલીસ આવતાં જ ભાજપનો સભ્ય એરગન લઇને ભાગી ગયો
વોર્ડ નંબર 5ના ઉમેદવાર હિતેન્દ્રસિંહ જાડેજાની જીત જાહેર થયા બાદ તેમના સમર્થકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં ભાજપના સભ્ય મેહુલ નામદેવ પાટીલ(રહે. વૃંદાવન સોસાયટી, કનકપુર-કનસાડ, સચિન)એ રાયફલ વડે ફાયરિંગ કરતાં રેલીમાં જોડાયેલા લોકો ચોંકી ઉઠ્યા હતા. રેલીમાં કોઈક યુવકે ફાયરિંગ કર્યું હોવાની જાણ થતાં સચિન પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. રેલીના સ્થળે દોડી ગયેલી સચિન પોલીસે મેહુલ પાસેથી ગન કબજે કરી તપાસ શરૂ કરતાં તેણે એરગન વડે ફાયરિંગ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે બનાવની નોંધ કરી હતી અને તેને જવા દીધો હતો. મેહુલ પાટીલ દ્વારા કરાયેલા ફાયરિંગનો વિડીયો વાયરલ થતાં આ મુદ્દો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
કમિશનર તપાસ કરાવે તો સાચી હકિકત બહાર આવી શકે
સચિનમાં ભાજપના સભ્યએ જીતની ખુશીમાં ગેલમાં આવીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી રહી છે. આ બાબતે પોલીસે એરગનથી ફાયરિંગ કર્યુ હોવાની વાત કહી હતી. જો કે ભાજપના સભ્યના ફાયરિંગને કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તેમજ પોલીસ ત્યાં પહોંચી જતાં ભાજપનો સભ્ય બે હાથમાં બંદૂક લઈને ભાગી ગયો હતો. જો કે ખરેખર એરગનથી ફાયરિંગ કર્યું હોય તો તેણે ભાગવાની શા માટે જરૂર પડી તે એક મોટો સવાલ છે. ખરેખર આ મામલે શહેર પોલીસ કમિશનર ઉચ્ચ કક્ષાના અધિકારી પાસે તપાસ કરાવે તો ફાયરિંગની સાચી હકીકતો બહાર આવી શકે તેમ છે.
અન્ય સમાચારો પણ છે...