તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત: ટ્રોમા સેન્ટરમાં મિની હોસ્પિટલ શરૂ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: આગામી 19-20 જૂનના રોજ  નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા (એમ.સી.આઇ)ની ટીમ ઇન્સ્પેકશન માટે આવવાની હોય સિવિલનું તંત્ર સજ્જ થઇ ગયું છે. આગામી બે-ત્રણ દિવસમાં જ ટ્રોમા સેન્ટરની અંદર 8 બેડનું આઇસીયુ સાથે બે ઓપરેશન થિયેટર સહિતની મીની હોસ્પિટલ શરૂ કરાશે. સુરત નવી સિવિલ હોસ્પિટલ સુરત સાથે દક્ષિણ ગુજરાતના ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓ માટે આર્શીવાદરૂપ છે. વસ્તીના વ્યાપ સાથે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો હોય દર્દીઓને સમયસર અને એક જ જગ્યાએ તમામ સારવાર મળી રહે તે માટે આગામી દિવસોમાં સિવિલના ટ્રોમા સેન્ટરમાં જ મીની હોસ્પિટલ શરૂ કરાશે. ટ્રોમા સેન્ટરના પ્રથમ માળે 8 બેડ સાથેની આઇસીયુ સાકાર કરવામાં આવશે. એટલું જ નહીં બે ઓપરેશન થિયેટર પણ ચાલુ કરવામાં આવશે.
 
20મીએ MCIની ટીમના ઇન્સ્પેકશનથી સિવિલનું તંત્ર સજ્જ : એક જ છત નીચે દર્દીઓને તમામ સારવાર મળી રહેશે
 
આ ઉપરાંત 30 બેડનો જનરલ વોર્ડ શરૂ કરાશે. આમ એક જ છતની નીચે દર્દીઓને તમામ પ્રકારની સુવિદ્યા મળી રહે તેવું આયોજન કરાયું છે. જેને પગલે દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં જવામાં પડતી હાલાકી નહીં પડશે. આ મીની હોસ્પિટલ શરૂ કરવા માટે 12 ડોકટરની મંજૂરી માંગવામાં આવી હતી. જેમાંથી બે ઓર્થોપેડિક, બે મેડિકલ ઓફિસર સહિત છ ડોકટરો મૂકવા માટે મંજૂરી મળી ગઇ છે. આગામી 19-20 જૂનના રોજ મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની ટીમ નવી સિવિલમાં ઇન્સ્પેકશન માટે આવવાની છે, તેને ધ્યાનમાં રાખીને મીની હોસ્પિટલ શરૂ કરવાનું આગોતરૂં આયોજન કરવામાં આવ્યું હોવાનું ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.મહેશ વાયડેલ જણાવ્યું હતું. 20મી જૂનના રોજ ટ્રોમા સેન્ટરમાં અને 19મી જૂને રેડિયોલોજી વિભાગમાં એમ.સી.આઇની ટીમ ઇન્સ્પેકશન કરશે.
 
હોસ્પિટલમાં 27 નર્સ મૂકવા મંજૂરી મળી

ટૂંક સમયમાં જ સિવિલમાં શરૂ થનાર મીની હોસ્પિટલ માટે સ્ટાફ મૂકવાની વ્યવસ્થા શરૂ કરાઇ છે. જેમાં ડેપ્યુટેશન પર ગયેલી 40 નર્સિસમાંથી 27 નર્સિસને નવનિયુક્ત હોસ્પિટલમાં મૂકવા મંજૂરી મળી ગઇ છે. લગભગ એક-બે દિવસમાં નર્સિસો ચાર્જ સંભાળી લેશે. - ઇન્ચાર્જ, તબીબી અધિક્ષક, ડો.મહેશ વાડેલ
 
અન્ય સમાચારો પણ છે...