ઓક્સફર્ડ ઇકોનોમિક્સ/ વિશ્વમાં સુરત સૌથી વિકસતું શહેર, રાજકોટ સાતમા ક્રમે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

*સાઉથ એશિયા અને યુરોપના શહેરોની સરખામણીએ સુરતમાં લેબર-મૂડીરોકાણ આકર્ષવાની ક્ષમતા વધુ

 

ફ્રેન્કફર્ટ/સુરતઃ આગામી બે દાયકામાં ભારતના શહેરો સૌથી વિકસતા શહેરોની યાદીમાં અગ્રેસર રહેશે. તેમાં પણ ગુજરાતના બે શહેર સુરત અને રાજકોટનો સમાવેશ તો ટોપ-10માં થાય છે. સુરત તો ટોચ પર છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના સર્વે અનુસાર સુરતનો વાર્ષિક ગ્રોથ સરેરાશ 9.17 ટકાનો રહેવાની શક્યતા છે. જ્યારે ગુજરાતનું જ અન્ય શહેર રાજકોટ 8.33 ટકાના વૃદ્ધિદર સાથે સાતમા ક્રમે છે. અન્ય શહેરોમાં આગ્રા, બેંગ્લુરુ, હૈદરાબાદ, નાગપુર, તિરુપુર વગેરેનો સમાવેશ થાય છે. 

 

વર્ષ 2017માં અર્નેસ્ટ એન્ડ યંગના એક રિપોર્ટ મુજબ સુરતને સૌથી ઝડપથી વિકસિત થતાં મેટ્રો સિટીઝની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ વાતના એક વર્ષ પછી તાજેતરમાં જ ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ ગ્લોબલ સિટીઝનું રિસર્ચ જાહેર થયું છે. જેમાં સૌથી વધુ આર્થિક ગ્રોથ રેટ ધરાવતાં ટોપ ટેન શહેરોની યાદીમાં સુરતને નં.-1નું સ્થાન આપવામાં આવ્યું છે. વર્ષ 2019 થી 2035 દરમ્યાન સુરતનો સરેરાશ ગ્રોથ રેટ 9.17 ટકા જ્યારે બીજા ક્રમે સરેરાશ 8.58 ટકાના ગ્રોથ રેટ સાથે આગ્રાને સ્થાન આપવામાં આવ્યું છે. તેમ જ ત્રીજા ક્રમે બેંગલુરુનો 8.50 ટકાનો ગ્રોથ રેટ અંદાજવામાં આવ્યો છે.


 ઓક્સફોર્ડના સર્ચ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન(જીડીપી), લેબર માર્કેટ, વસ્તી, ઇન્કમ, ગ્રાહકોની ખર્ચ કરવાની ક્ષમતા જેવા મુદ્દાઓને સાંકળી સુરતને દેશમાં સૌથી વધુ ગ્રોથ કરતાં શહેરોની યાદીમાં મોખરે સ્થાન આપવામાં આવ્યું છે. આ અંગે સુરતના ટેક્સટાઇલ અને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન તથા ઇકોનોમિસ્ટ સાથે થયેલી વાતચીતમાં સુરતમાં ઇમર્જિંગ માર્કેટ તથા લેબર-મૂડીરોકાણને આકર્ષવાની ક્ષમતા દેશના વિવિધ શહેરો કરતાં સૌથી વધુ હોવાનું મત વ્યક્ત કરાયો છે.

 

 

સરકારની સ્ટેબિલિટી, પોલિસી જરૂરી, હીરા બુર્સ અગત્યનું


 હાલનો ગ્રોથ અને બજારની સ્થિતિ જોતા લાગે છે કે આ હાલ શક્ય નથી. પરંતુ જો સરકારની પોલિસી અને સરકારમાં જ સ્ટેબિલિટિ હોય તો આ શકય પણ છે. સુરતમાં મોટાભાગે અનઓર્ગેનાઇઝ સેકટર છે, જ્યારે મુંબઇ અને અમદાવાદમાં ઓર્ગેનાઇઝ છે. હાલ ડાયમંડ, ટેક્સટાઇલ અને રીઅલ એસ્ટેટની હાલત નબળી છે. જમીનોમાં વિદેશ અને દેશમાંથી ઇન્વેસ્ટમેન્ટ થયું છે. પરંતુ એ સેલ ત્યારે જ થશે જ્યારે ગ્રોથ હોય. આ ઉપરાંત સુરતમાં આગામી સમયમાં હીરા બુર્સ, મેટ્રો, નવુ રેલવે સ્ટેશન સહિતના અનેક વિકાસના કામો છે.  મિતેશ મોદી, સી.એ.

 

 

2035માં સુરત સરકાર માટે સોનાની ખાણ

 

4 લાખ કરોડ ટેક્સ કલેકશન


ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સરવેને જો સુરતના ટેક્સ કલેકશન સાથે જોડીએ તો આવનારા સમયમાં સુરત સરકાર માટે દુઝણી ગાય સાબિત થશે. વર્ષ 2035 સુધી સુરતમાંથી ડાયરેક્ટ અને ઇન ડાયરેકટ ટેક્સ કલેકશન પાંચ લાખ કરોડથી વધુ થઈ જશે. હાલ વર્ષ 2018માં આઇટી, જીએસટી અને કસ્ટમનું ટેક્સ કલેકશન 23 હજાર કરોડ છે.  ત્રણેય ડિપાર્ટમેન્ટ અને સી.એ. જગતના સૂત્રો કહે છે કે જો આજની તારીખથી વર્ષ 2035  સુધી 20 ટકાના દરે ટેક્સ કલેકશન ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધતુ રહે તો સુરતથી ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ ટેક્સ કલેકશનનો ફિગર ચાર લાખ કરોડથી વધુ જશે. સૂત્રો ઉમેરે છે કે હાલ દર વર્ષે 20 ટકાના દરે જ ટાર્ગેટમાં વધારો આવતો હોય છે. 

 

 

ટોપ 10 વિકસતા શહેર

 

રેન્ક શહેર વૃદ્ધિદર
1 સુરત 9.17%
2 આગ્રા 8.58%
3 બેંગ્લુરુ 8.50%
4 હૈદરાબાદ 8.47%
5 નાગપુર 8.41%
6 તિરુપુર 8.36%
7 રાજકોટ 8.33%
8 તિરુચિરાપલ્લી 8.29%
9 ચેન્નાઈ 8.17%
10 વિજયવાડા 8.16%