સુરત એસટીને દિવાળી ફળી, એક્સટ્રા બસોથી ચાર દિવસમાં દોઢ કરોડથી વધુની કમાણી કરી

એસટી નિગમે અગિયારસથી ચાર દિવસમાં કુલ 1.58 કરોડની કમાણી કરી
એસટી નિગમે અગિયારસથી ચાર દિવસમાં કુલ 1.58 કરોડની કમાણી કરી
Bhaskar News

Bhaskar News

Nov 09, 2018, 10:05 AM IST

સુરત: વરાછામાં વસતા સૌરાષ્ટ્રવાસીઓનો આ વર્ષે મંદીનાં માહોલને લઈને વતનમાં દિવાળી વેકેશન માણવા ખાનગી બસો કરતાં એસટી બસો તરફ ભારે ધસારો જોવા મળ્યો છે. બીજી તરફ બરાબર દિવાળી ટાણે જ ઘોઘા-દહેજ રો-રો ફેરી શરૂ થઈ જતાં સૌરાષ્ટ્રવાસીઓને લાભ બેવડાઇ ગયો છે. પરિણામે આ વર્ષે ખાનગી બસોની સરખામણીમાં એસટી અને રો-રો ફેરીને દિવાળી ફળી હોય તેવો માહોલ જોવા મળ્યો છે. પાછલા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે એસટી નિગમે અગિયારસથી ચાર દિવસમાં કુલ 1.58 કરોડની કમાણી કરી લીધી છે અને હજુ પણ વતન જવા લોકોનો ભારે ધસારો રહેવાની શક્યતા સાથે એસટી વિભાગના અધિકારીઓ એસટીની આવક અંદાજીત બે કરોડ સુધી પહોંચવાની આશા સેવી રહ્યા છે.

હીરા-ટેક્સટાઈલ સહિતનાં ઉદ્યોગમાં મંદીનો માહોલ અને દિવાળી વેકેશનમાં ખાનગી લક્ઝરી બસ સંચાલકો દ્વારા થતી ઉઘાડી લૂંટનાં બેવડા મારને ધ્યાને લઈ આ વર્ષે ડાયમંડ એસોસિએશન સહિતના સંગઠનોની સરકાર તેમજ એસટી વિભાગ સમક્ષ કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાને લઇ એસ.ટી. નિગમે 1000 જેટલી બસો એકસ્ટ્રા બસો દોડાવવા આયોજન કર્યું હતું. એક્સટ્રા બસો દોડાવવાના નિર્ણયથી એસટી નિગમને મોટો લાભ પણ થયો છે. દિવાળીના છેલ્લા ચાર દિવસમાં સુરત એસ. ટી. નિગમે દોઢ કરોડ જેટલી કમાણી કરી લીધી છે.

દિવાળીમાં સૌરાષ્ટ્રીયન પરિવારોએ વતન ભણી દોટ મુકતાં વરાછા સુમસાન ભાસી રહ્યું છે. પરિણામે શહેરી ટ્રાન્સપોર્ટ સેવામાં બીઆરટીએસ-સિટી બસો પણ ઘટાડવાની ફરજ પડી છે. કારણ કે, મોટા ભાગનાં પ્રરપ્રાંતીઓ ઉપરાંત સૌરાષ્ટ્રવાસીઓએ વતનની વાટ પકડતા શહેરમાં સિટી બસનો ઉપયોગ કરતા પેસેન્જરોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર લઈને વતન જતાં મુસાફરો માટે રો-રો ફેરી શરૂ થઈ જતાં સોનામાં સુગંધ ભળી છે.

સુરતથી રોજના લગભગ 200થી વધુ વાહનો ઘોઘા પહોંચી રહ્યાં છે. એસ. ટી. નિગમની વાત કરીયએ તો, સુરત એસ. ટી. નિગમની સામાન્ય દિવસોમાં 1,200 જેટલી બસો દોડતી હોય છે અને દિવાળી સીઝનને ધ્યાને રાખી નિગમ દર વર્ષે 600 જેટલી એક્સટ્રા બસો મુકતી હોય છે. પરંતુ, આ વર્ષે મુસાફરોનાં જોરદાર પ્રતિસાદને ધ્યાને રાખી પહેલી વખત એસ. ટી. નિગમે 1,000 જેટલી બસો વધારી છે.

ખાનગી બસ સંચાલકોનાં ભાડા આસમાને પહોંચી જતાં વિવિધ સંસ્થા-સંગઠનોની રજૂઆતને ધ્યાને રાખીને સુરત એસ. ટી. નિગમ દ્વારા એક હજાર જેટલી બસ આપવા માટેની પ્રપોઝલ મૂકાઇ હતી. અહીં મહત્વની વાત એમ છે કે, પાછલા બે વર્ષની સરખામણીમાં સુરત એસ. ટી. નિગમે દિવાળીનાં ચાર દિવસમાં એક્સ્ટ્રા બસ દોડાવીને દોઢ કરોડ જેટલી આવક મેળવી લીધી છે. મુસાફરોનો ધસારો જોતાં હજુ પણ આવક વધવાની આશા એસટી વિભાગના સત્તાધીશો સેવી રહ્યા છે.

સુરત એસ.ટી. નિગમની આવક

વર્ષ 2016 2017 2018(અત્યાર સુધી)
ટ્રીપ 489 768 1048
આવક 68.85 94.57 1.58 કરોડ

ખાનગી બસ

- બસો,300
- પેસેન્જર,50
- ભાડુ,600
- આવક,90 લાખ

ભાડામાં કોઈ વધારો કરાયો નથી

મંદીને ધ્યાને રાખી એસટી નિગમે એક્સ્ટ્રા બસો મુકી લોકોને રાહત આપી છે. મુસાફરોનો ધસારો વધારે હોવાથી લોકોનું ખાનગી બસો તરફ પણ એટલું જ આર્કષણ રહ્યું છે. આ વર્ષે મંદીને ધ્યાને રાખી કોઈ ભાવવધારો કરવામાં આવ્યો નથી. રોજની 300 બસો ઉપડે છે. જેથી ખાનગી બસ સંચાલકોને પણ આવક થઈ રહી છે. દિનેશ અણઘણ, ખાનગી બસ એસોસિયેશન

રોજનાં 150થી વધુ બસો સૌરાષ્ટ્ર તરફ

આ વર્ષે એસટી બસોને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દિવાળી સીઝનમાં અમારો એક કરોડની આવક કરવાનો ટારગેટ હતો. જે ત્રણ દિવસમાં જ પુરો થઈ ગયો છે. રોજીંદા 150થી વધુ બસો સૌરાષ્ટ્ર રૂટ પર જઈ રહી છે. દિવાળી પછીનાં બે-ત્રણ દિવસ પણ મુસાફરોનો ધસારો રહેવાની શક્યતા છે. સંજય જોષી, ડિવિઝનલ મેનેજર, સુરત એસટી નિગમ

એસટીમાં ટીકીટનો દર વ્યાજબી છે

આ વર્ષે મંદીનાં માહોલમાં પરિવારમાં પાંચ સભ્યો હોય તો, ખાનગી બસમાં 3000 રૂપિયા જેટલી ટિકીટ થઈ જાય. જેથી એસટી બસની વધારાની બસો શરૂ થતાં અડધાથી પણ ઓછી રકમમાં વતન પહોંચી જવાય છે. રમણીકભાઈ ભોજાણી, મુસાફર

X
એસટી નિગમે અગિયારસથી ચાર દિવસમાં કુલ 1.58 કરોડની કમાણી કરીએસટી નિગમે અગિયારસથી ચાર દિવસમાં કુલ 1.58 કરોડની કમાણી કરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી