• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News Unregistered Hospital And Machine Illegal Encourages Female Feticide Court Summons The Accused On 24th 072531

નોંધણી વિનાની હોસ્પિટલ અને મશીન પણ ગેરકાયદે, સ્ત્રી ભ્રૂણહત્યાને ઉત્તેજન, કોર્ટે આરોપીઓને 24મીએ બોલાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછાની જીવન જ્યોત હોસ્પિટલમાં પોલીસ અને જિલ્લા આરોગ્ય અધિકારીના દરોડા બાદ સામે આવેલા ગેરકાયદે ગર્ભપરીક્ષણના કાળા કારોબારમાં આખરે સોમવારના રોજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં બંને ડોક્ટર સહિત કુલ છ આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નોંધણી વિનાની હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનનો પણ ગેરકાયદે ઉપયોગ થતો હતો. કોર્ટે તમામ આરોપીઓને 24મીએ હાજર રહેવા હુકમ કર્યો છે.

બીજી તરફ જે સોનોગ્રાફી મશીન જપ્ત કરવામાં આવ્યું છે તેને એફએસએલમાં મોકલવામાં આવશે. ગઈ તા. 9મી મે ને ગુરુવારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હસમુખ ચૌધરી અને તેમની ટીમે વરાછામાં આરોગ્ય પ્રધાનના નિવાસ સ્થાનથી માત્ર દોઢ કિલોમીટર દૂર જ આવેલી લંબે હનુમાન રોડ, લાભેશ્વર ચોક નજીક, વર્ષા સોાસાયટી વિભાગ-2માં જીવન જ્યોત હોસ્પિટલમાં દરોડો પાડી ગેરકાયદે ગર્ભપરીક્ષણ થતું હોવાનો પર્દાફાશ કર્યો હતો. આજે સોમવારે કોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદમાં જીવન જ્યોત હોસ્પિટલના બે તબીબ દિનેશ બાબુ વાડોદરિયા અને સાગર પટેલ તેમ જ સ્ટાફને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. જો આરોપ પુરવાર થાય તો આરોપીઓને વધુમાં વધુ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આરોપીઓ જાણતા હતા કે બધું ખોટું થઈ રહ્યું છે, છતાં અનરજિસ્ટર્ડ ક્લિનિકમાં ગેરકાયદે રીતે સોનોગ્રાફી મશીન રાખી, સગર્ભા સ્ત્રીઓને ક્લિનિક પર બોલાવીને ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરાતું હતું.

કાળો કારોબાર

ઊંઘતી સરકાર
ગેરકાયદે ગર્ભપરીક્ષણ કૌભાંડ : કોર્ટમાં વરાછાની જીવન જ્યોત હોસ્પિટલના બે ડોક્ટર સહિત છ સામે ફરિયાદ દાખલ
કેસ સાથે જોડાયેલી મુખ્ય બાબતો જ ફરિયાદ પક્ષનું પલડું મજબૂત કરે છે
જીવનજ્યોત હોસ્પિટલ ખાતે આરોપીઓ પીસી અને પીએનડીટી (પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ) એક્ટ અંતર્ગત રજિસ્ટ્રેશન ધરાવતા ન હતા.

ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરાતું હતું.

જ્યારે દરોડા પડાયો ત્યારે પણ ગર્ભવતી મહિલાઓ ત્યાં હતી.

સોનોગ્રાફી મશીન ચાલુ હતું.

દર્દી તરીકે ડિમ્પલ, રાધા, વર્ષા નામની મહિલાઓ હાજર હતી. જેમાં એકનો ટેસ્ટ પોઝિટિવ હતો.

કેટલાંક નિવેદનો પણ દરોડા દરમિયાન લેવામાં આવ્યાં હતાં.

કોની-કોની સામે ફરિયાદ
ડો. દિનેશ બાબુ વાડદોરિયા (રહે. સાંઇ હોમ સોસાયટી, વરાછા)

ડો. સાગર કાળુ પટેલ (રહે. બજરંગવાસ નગર, વાલક પાટિયા)

સીમા પટેલ, કર્મચારી (રહે. રંગીલા સોસાયટી, લિંબાયત)

સાયના શંકર વસાવા, કર્મચારી (રહે. ડેડિયાપાડા, જિ. નર્મદા)

કંચન શ્યામસુંદર શર્મા, કર્મચારી (ગુજરાત હાઉસિંગ બોર્ડ, વલસાડ)

હંસા જયસુખ ગામીત, કર્મચારી (હરિદર્શન સોસાયટી, અમરોલી)

શું-શું જપ્ત પ્રેગ્નેન્સી કિટ સોનોગ્રાફી મશીન (મેક-00 વીપ્રો જી મોડલ) પ્રોબ નંગ-2 પાવર કેબલ નંગ-1 હોસ્પિટલનો સ્ટાફ, રિક્ષાવાળો સહિતના મોબાઇલ આઠ રજિસ્ટર

કંઈ ધારા હેઠળ કાર્યવાહી | પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ 1994-1996 નિયમ અંતર્ગત કલમ-3, 3(એ), 3(બી), 4, 5, 6, 18(1) તથા નિયમ 10, 11 (2)ના ભંગ બદલની ફરિયાદ.

એ બધું જ જે તમે જાણવા માંગો છો
કેટલી સ્ત્રીઓની સોનોગ્રાફી કરાઈ?

- મશીન એફએસએલમાં મોકલ્યા બાદ ડેટા આવશે કે મશીન કેટલું જૂનું છે, ક્યારથી ચાલતું હતું, કેટલી સોનાગ્રાફી થઈ વગેરે.

કેટલાં પરીક્ષણ કરાયાં?

- આઠ રજિસ્ટર્ડમાં માહિતી છે, ઉપરાંત સોનોગ્રાફી મશીનના એફએસએલ પરીક્ષણ બાદ જ સાચો આંકડો સામે આવશે.

કેટલાં વર્ષની સજા થશે?

- વધુમાં વધુ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે.

હવે આગળ આ કેસમાં શું થશે

- 24મી મેના રોજ તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ ચાર્જ ફ્રેમની પ્રોસેસ થશે. કેસ ચાલશે અને પુરાવાઓ હોય તો સજા થશે. આ કેસમાં જો એફઆઇઆર થાય તો જ આરોપીઓની ધરપકડ થશે.

ગ્રાહકો કોણ લાવતુ હતું?

- રિક્ષાવાળા ગ્રાહક લાવતા હોવાનું અનુમાન છે.

કેટલા રૂપિયા લેવાતા હતા?

-ગ્રાહક મુજબ લેવાતા, 5થી 25 હજાર

અન્ય સમાચારો પણ છે...