તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યાજખોરની 70 હજાર સામે બે લાખની ઉઘરાણી, ધમકી બાદ યુવકે ઝેર પી લીધું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ રિપોર્ટર.સુરત | નાનપુરામાં રહેતા યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળી ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. યુવાન પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં વ્યાજખોર 70 હજાર મુદ્દલને બદલે 2 લાખ રૂપિયા માંગતો હોવા સાથે ઘરે આવીને મારી જવાની ધમકી આપતો હોવાનો ઉલ્લેખ છે. પોલીસે આ મામલે વ્યાજખોર વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી છે.

રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા નાનપુરાના રજનીકાંતે સ્યુસાઇડ નોટ લખી : 5 ટકાના વ્યાજે લીધેલા નાણાં 2 માસ પછી 10 ટકાના કર્યા
પ્રાપ્ત વિગત અનુસાર નાનપુરાના 35 વર્ષિય રજનીકાંત રતિલાલ ટોપીવાલાએ નાનપુરાના વ્યાજખોર હિમેન વસંત કહાર પાસેથી 70 હજાર રૂપિયા લીધા હતા. જોકે વ્યાજખોર હિમેન કહારે બે મહિના બાદ જ 10 ટકા વ્યાજ કરી દીધું. રજનીકાંત સમયસર દર મહિને 10 હજાર વ્યાજ ભરતો હતો. રજનીકાંત રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોઇ મુદ્દલ પરત કરવા માટે તેણે દર મહિને હપ્તો કરી આપવાની માંગણી કરી હતી. જોકે તેના બદલમાં વ્યાજખોરે 2 લાખ રૂપિયાની માંગણી કરી. એટલું જ નહીં ગઇકાલે 16 હજાર રૂપિયા માંગ્યા અને નહીં આપે તો ઘરે આવીને મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી રજનીકાંત ગભરાઇ ગયોને ઝેર પી લીધું હતું. હાલમાં રજનીકાંત નવી સિવિલ હોસ્પિટલના એમઆઇસીયુ વોર્ડમાં છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અઠવા પોલીસે તપાસ હાથ ધરી છે.

રજનીકાંતને સિવિલ હોસ્પિટલના એમઆઇસીયુ વોર્ડમાં ખસેડાયો.

સ્યુસાઇડ નોટ : હિમેનના કારણે આત્મહત્યા કરું છું
રજનીકાંત રતિલાલ ટોપીવાલા મેં આત્મહત્યા કરું છું. હિમેન વસંત કહારના કારણે. કેમ કે હું તેની પાસેથી 70 હજાર રૂપિયા 5 ટકા વ્યાજે લીધેલા. બે મહીના પછી 10 ટકા કરી નાખ્યા. હું 15થી 17 મહિના વ્યાજ 10 હજાર ભર્યા. હું એની પાસે હપ્તો માંગુ છે. તે મને કહે છે કે 2 લાખ ભર. દર મહિને 10 હજાર હપ્તો આપ. મહિને નહીં તો વ્યાજભર 10 હજાર. ગઇકાલે મને કીધું કે 16000 ભર નહીં તો તને તારા ઘરમાં મારી જવા એના કારણે હું આત્મહત્યા કરું છે.

ધમકી નથી આપી, પૈસા ન આપવા પડે એટલે...
પૈસાની મદદ હોવાથી તેને મે અન્ય મિત્ર પાસેથી 1 લાખ રૂપિયા 5 ટકા વ્યાજે અપાવ્યા હતા. તેણે જુગારમાં રૂપિયા ઉડાવી દીધા છે. છેલ્લા 6 મહિનાથી વ્યાજ આપતો ન હતો. તેની પત્ની હોસ્પિટલમાં હતી ત્યારે પણ તેની મદદ કરી હતી. ઘણા સમયથી વ્યાજ ન આપતા પૈસા આપનાર મિત્રે મારી પાસે જ ઉઘરાણી કરતાં ગઇકાલે મે રજનીકાંતને મળવા બોલાવ્યો હતો. તેને કોઇ ધમકી આપી ન હતી. પૈસા પાછા ન આપવા પડે તે માટે આ પગલું ભર્યું છે. મારી સામે કરેલા આક્ષેપો ખોટા છે. હિમેન કહાર, વ્યાજખોર

અન્ય સમાચારો પણ છે...