પ્રોડક્શન અસર નાથવા સપ્તાહમાં બે રજા, 20 ટકા કારીગરોની અછત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રફ ડાયમંડની કિંમત વધતાં ઈમ્પોર્ટમાં થયેલો ઘટાડો અને મોટી ડાયમંડ કંપનીઓમાં ઉનાળુ વેકેશન જાહેર થવાની અસર સ્થાનિક હીરા બજારની નાની કંપનીઓને થઈ રહી છે. પ્રોડક્શન ઘટના કારણે નાની કંપનીઓમાં અઠવાડિયે બે દિવસની રજા આપવાનું શરૂ થઈ ગયું છે.

જીજેઈપીસીના આંક પ્રમાણે, નાણાંકીય વર્ષ 2017-18ની સરખામણીએ વર્ષ 2018-19માં રફ હીરાની ઈમ્પોર્ટમાં 40 ટકાથી વધુનો ઘટાડો થયો છે. રફ ડાયમંડની કિંમતમાં પણ 10 ટકાનો વધારો નોંધાયો છે. હાલ પૂરતા પ્રમાણમાં ખરીદી વૈશ્વિક માર્કેટમાં પણ નહીં હોવાનું સુરતના હીરા અગ્રણીઓનું કહેણું છે. ત્યારે સ્થાનિક બજારની મોટી કંપનીઓમાં ઉનાળુ વેકેશન જાહેર થઈ ચૂક્યું છે. 10 થી 15 દિવસના વેકેશનની સીધી અસર જોબવર્ક કરતી નાની હીરા પેઢીઓના પ્રોડક્શનને પણ થઈ છે.

કેટલીક કંપનીઓમાં તા.12મી મે થી અઠવાડિયામાં બે દિવસની રજા જાહેર કરી દીધી છે. રવિવારની સાથે સોમ અને મંગળ અથવા શુક્ર-શનિવારની રજા આપવાની શરૂઆત થઈ ચૂકી છે. આ અંગે સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ બાબુ ગુજરાતીના જણાવ્યાનુસાર, વેકેશનના કારણે 20 ટકા સુધી કારીગરોની અછત છે. પ્રોડક્શનની સાઈકલ સેટ કરવા માટે અઠવાડિયે એક કે બે દિવસની રજા આપવામાં આવી રહી છે.

16મીએ ધરણાં કરવા ડાયમંડ વર્કર યુનિયનની ચીમકી
ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રણમલ જીલરિયાના જણાવ્યાનુસાર, અઠવાડિયામાં બે દિવસ રજાની સાથો-સાથ રિસેસના સમયમાં પણ વધારો કરી દેવાયો છે. જેની અસર પગારધારા પર પડી છે. કલાક પ્રમાણે પગાર રત્નકલાકારોને આપવામાં આવી રહ્યો છે. જેને પગલે તા.16મી મે થી ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...