પ્રોપર્ટી બજારના બે ચહેરા, બીજે બધું ઠંડું, માત્ર વરાછામાં જ તેજી, રૂ. 3800 કરોડના સોદા થયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પ્રોપર્ટી બજારમાં ડાઉન ફોલ અટકી ગયો છે અને બજાર એક લેવલ પર સ્થિર થઈ રહ્યું હોવાની પ્રતિતિ થઈ રહી છે. આવકવેરા વિભાગના રૂપિયા 50 લાખથી વધુના ટ્રાન્ઝેકશન પર નજર દોડાવીએ તો માલુમ પડશે કે એક જ શહેરમાં પ્રોપર્ટી બજારના બે ચહેરા સામે આવ્યા છે. વરાછા, કતારગામ સહિતના વિસ્તારમાં તેજી જોવા મળી છે, જ્યારે શહેરના અન્ય વિસ્તારમાં હજી બજાર મંદીમાંથી બહાર આવ્યુ નથી. રાંદેર રોડ પરના ગોરાટ વિસ્તારમાં પણ માહોલ પોઝિટિવ છે. અનેક પ્રોજેકટ છ થી સાત હજાર સ્કવેર ફૂટના ભાવે પણ વેચાઈ રહ્યા છે. જ્યાં-જ્યાં તેજી છે તેની માહિતી આઇટી દ્વારા મેળવવામાં આવી રહી છે. અલબત્ત, જેન્યુઅન બાયર્સ જો દિવાળી અગાઉ ખરીદી કરે તો બજાર વધુ સુધરશે એમ જાણકારો કહી રહ્યા છે.

સમગ્ર શહેરમાં આ રીતે રહ્યું પ્રોપર્ટી બજાર
ગત સપ્ટેમ્બર-2018 થી સપ્ટેમ્બર-2019ના આંકડા ચકાસીએ તો પ્રોપર્ટી બજાર 13 ટકા જેટલું ડાઉન ગયુ છે. આ પિરિયડમાં સપ્ટેમ્બર સુધી 3800 કરોડથી ઘટીને 33 કરોડ પર આવી ગયુ છે.

ટેક્સટાઇલ માર્કેટ, ઘોડદોડ રોડ, સિટીલાઇટ સહિતના એરિયામાં ગત વર્ષે આ સમયગાળા(એપ્રિલથી સપ્ટેમ્બર)માં 1500 કરોડનું ટ્રાન્ઝેકશન હતુ, જે હાલ એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં ઘટી 1300 કરોડ પર આવી ગયુ છે. એટલે સીધો 13 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ ઉપરાંત શહેરની બોર્ડર ફરતેનો એરિયા જેમાં જહાંગીરપુરા, ડુમસ રોડ, કામરેજ, વીઆઇપી રોડ સહિતના વિસ્તારમાં તો પ્રોપર્ટી બજાર 22 ટકા જેટલું તૂટયું છે. અગાઉ જે 1000 કરોડ હતુ તે ઘટીને 800 કરોડ પર આવી ગયુ છે.

આઇટીના સીઆઇટી-3 એટલે કે વરાછા સહિતના વિસ્તારમાં સ્થિતિ જુદી છે. ત્યાં 50 લાખથી ઉપરની પ્રોપર્ટીના વ્યવહાર 33 ટકા સુધી વધ્યાં છે. ટ્રાન્ઝેકશન 850 કરોડથી વધીને 1200 કરોડ થઈ ગયા છે.

આઇટીને 50 લાખથી વધુના પ્રોપર્ટીના ટ્રાન્ઝેકશન પર એક ટકા ટેક્સ મળે છે. જેની એપ્રિલથી સપ્ટેમ્બર-2018ની આવક રૂપિયા 36 કરોડ હતી જે ઘટીને 33 કરોડ થઈ ગઈ છે.

બિલ્ડરો ભાવ નહીં ઘટાડવા અડગ
બિલ્ડરો ભાવમાં ઘટાડો કરવા રાજી નથી. આથી ખરીદારો એમ સમજતાં હતા કે મંદીના સમયમાં ભાવ ડાઉન થશે તેમને નિરાશા સાંપડી છે. અલબત્ત, કેટલાંક બિલ્ડરો એવા પણ છે કે જેમને વધુ રોકડ મળતી હોય તો તેઓ ભાવમાં ઘટાડો કરે પણ છે.

ગોરાટ રોડ પર છ પ્રોજેક્ટ વેચાઈ ગયા
આઇટી અધિકારીઓના ધ્યાને આવ્યુ છે કે સમગ્ર શહેરમાં પ્રોપર્ટી બજાર નરમ નથી. કેટલાંક પ્રોજેક્ટ વેચાઈ પણ રહ્યા છે ખાસ કરીને ગોરાટ રોડ પર. છેલ્લાં બે વર્ષમાં ચાર થી પાંચ પ્રોજેકટના ડેટા મળ્યા છે જેમાં 70 લાખથી કરોડની ઉપરના ફલેટ હોવા છતાં મોટાભાગનામાં રોકાણ થઈ ગયુ છે. ડિપાર્ટમેન્ટ ઇચ્છે તો પ્રોજેક્ટમાં રોકાણ કરનારાઓને પણ નોટિસ આપીને કચેરીએ બોલાવી શકે છે. રીઅલ એસ્ટેટમાં રૂપિયા 20 હજારથી વધુની રકમ જો રોકડમાં આપી હોય તો હવે 137 ટકા સુધીનો ટેક્સ લાગે છે.

અન્ય સમાચારો પણ છે...