તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેણદારોના ત્રાસથી કંટાળી ખટોદરાના યુવકનો સુસાઇડ નોટ લખી ઝેર પી આપઘાતનો પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે દિવસથી ઘરેથી ગુમ થયેલા ખટોદરાના યુવાને લેણદારોના ત્રાસથી મજુરાગેટ દયાળજી આશ્રમ પાસે ઝેરી પાઉડર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કોઈક રાહદારીને જાણ થતા યુવકને સારવાર માટે નવી સિવિલ ખસેડાયો હતો. બનાવની જાણ થતા યુવકના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. બે દિવસ પહેલા યુવક સ્યુસાઇડ નોટ લખી ઘરેથી નિકળી ગયો હોવાનું સામે આવ્યું હતું. જેમાં તેણે લેણદારોના ત્રાસથી પગલું ભરી રહ્યો હોવાનો અને પોતાના પરિવારની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો.

ખટોદરામાં ગાંધીનગર ખાતે રહેતા નિતીનભાઈ રતીલાલ રાણા(48) શેર બજારનું કામકાજ કરે છે. બુધવારે સવારે તેઓ મજુરાગેટ દયાળજી આશ્રમ પાસે વાચા પાઉડર પીધેલી હાલતમાં મળી આવતા રાહદારીઓએ તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે નવી સિવિલ ખસેડ્યા હતા અને તેમના ખિસ્સામાંથી મળી આવેલા ફોનમાંથી કોલ કરી પરિવારને જાણ કરી હતી. જેથી તેમનો પરિવાર સિવિલ દોડી આવ્યો હતો.

બે દિવસ પહેલા નિતીનભાઈ તેમના લકવાગ્રસ્ત પિતાને મળવા તેમના ઘરે ગયા હતા અને બાદ ઘરે સ્યુસાઇડ નોટ મુકી ક્યાંક ચાલ્યા ગયા હતા. સ્યુસાઇડ નોટમાં તેમણે લેણદારોના ત્રાસથી કંટાળીને પગલુ ભર્યું હોવાનો તેમજ તેમના પરિવારની આર્થિક સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો.

લેણદારો વિરુદ્ધ સુસાઇડ નોટ લખી!
સુસાઈડ નોટમાં લખ્યું છે કે, હું મારા લેણદારોના ત્રાસને કારણે આ પગલું ભરું છું અને આ મારા પગલાંથી મારા પરિવારને તથા મારા લેણદારોને શાંતિ થશે. હવે મારા માટે આત્મહત્યા સિવાય કંઈ જ રસ્તો નથી અને તેની સંપૂર્ણ જવાબદારી મારા લેણદારોના શિરે રહેશે. મને બહુ જ ત્રાસ આપ્યો છે જેથી હું કંટાળી ગયો છું. મારી લાશ મળે તો પરિવારને મારી નમ્ર અરજ છે કે, મને બિનવારસી લાશમાં મારી વિધિ કરાવે. કારણ કે હું જાણું છું કે, મારી મરણ ક્રિયાના પૈસા પણ મારા પરિવાર પાસે નથી. બસ મારી આ અંતિમ ઇચ્છા પુરી કરજો. મેં બધાને બહુ જ દુઃખ આપ્યું તે બદલ હું માફી માંગુ છું. થઈ શકે તો મને માફ કરજો.

અન્ય સમાચારો પણ છે...