Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટ્રુ-જેટ સુરતથી ઇન્દોર, નાંદેડ, જલગાંવની ફ્લાઇટ શરૂ કરશે
ફેબ્રુઆરીના અંતે સુરત દેશના અન્ય ત્રણ શહેરો સાથે જોડાઈ જશે. ટ્રુ-જેટ રિજિયોનલ એરલાઈન્સે સુરતની સાથે ઇન્દોર અને નાંદેડ અને જલગાંવને વિમાન સેવાથી જોડવા માટેની તૈયારી દર્શાવી છે. એર કનેક્ટિવિટી માટે દુકાળ અનુભવતા સુરત હવે ઝડપથી દેશભર સાથે એર ક્નેક્ટર થવા માંડ્યું છે. શનિવારે વધુ ત્રણ શહેર સાથે સુરતને જોડતી ફ્લાઈટ મળે તેવી ખાતરી મળી છે. નવસારી સાંસદ સી.આર. પાટીલે જણાવ્યુ હતું કે, ટ્રુ-જેટ રિજયોનલ એરલાઈન્સના સંચાલકોએ ફેબ્રુઆરીના અંત સુધી સુરતથી ત્રણ ફ્લાઈટ શરૂ કરવા તૈયારી બતાવી છે. આ માટેની મંજૂરી અને અન્ય આનુસાંગિક પ્રક્રિયાઓ આખરી તબક્કામાં છે. ટ્રુ-જેટ રિજિયોનલ એરલાઈન્સ દેશમાં બીજી હરોળના શહેરો વચ્ચે એર કનેક્ટિવિટી આપી રહી છે. એર ઇન્ડિયા, ઇન્ડીગો, સ્પાઈસ જેટ, વેન્ચ્યુરા એરકનેક્ટ પછી હવે ટ્રુ-જેટ પણ હવે સુરતથી એક કનેક્ટિવિટી શરૂ કરશે. ટ્રુ જેટ પાસે 72 સીટના એટીઆર વિમાન છે. હાલમાં આ કંપની ગોવા, મૈસુર, અમદાવાદ, મુંબઈ, નાસિક, રાજમુન્દ્રી, વિજયવાડા, સાલેમ, બેલ્લારી, તિરુપતિ, હૈદરાબાદ, ઔરંગાબાદ, બેંગ્લુરુ, ચેન્નાઈ, જેસલમેર, કંડલા, કડપ્પા જેવા શહેરની સાથે જોડતી સેવા આપી રહી છે.