બે પરિણીતાના આપઘાત મામલે સાસરિયાં સામે દુષ્પ્રેરણાનો ગુનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતમાં સાસરિયાના ત્રાસથી ગળે ફાંસો ખાનાર પરિણીતાના સાસરિયાઓ સામે આપઘાત દુષ્પ્રેરણાના બે કેસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંઘાયા છે.

કતારગામ બાપા સીતારામ પોલીસ ચોકી પાસે રહેતા રમેશભાઈ ટાંકની દીકરી શ્રદ્ધાનાં(ઉ.વ 25) લગ્ન એક વર્ષ અગાઉ કાપોદ્રામાં ખોડિયારનગર સોસાયટીમાં રહેતા ચેતન વનરા સાથે થયાં હતાં. દરમિયાન 11 ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાએ ઘરમાં દરવાજો બંધ કરીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. 12 ફેબ્રુઆરીએ મૃતક મહિલાના પિતા રમેશભાઈ ટાંકે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સાસરિયાંઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લગ્નના છ મહિના બાદ સાસરિયા મારી પુત્રીને ‘જમવાનું બરાબર નથી બનાવતી, શાકભાજી ખરાબ લાવે છે’ કહી ત્રાસ આપતા હતા. એટલું જ નહીં, ઘરમાંથી પૈસા ચોરીનો પણ આરોપ લગાવતા હતા. પતિ ચેતન દ્વારા ‘કરિયાવરમાં કંઈ નથી લાવી, તારા પપ્પા પાસેથી એક્ટિવા અથવા રૂપિયા લાવવાની વારંવાર માંગણી કરી હતી. જેથી આખરે શ્રદ્ધાએ ફાંસો ખાધો હતો. કાપોદ્રા પોલીસે પતિ ચેતન વનરા, સસરા ભરત વનરા અને સાસુ લાભુબેન વિરુદ્ધ દહેજ માગણી અને આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટનામાં નવાગામ, હરિનગર-1 માં રહેતા વિમલબેન ભામરેની નાની દિકરી કલ્પનાના(ઉ.વ 28) લગ્ન 2009 માં પાંડેસરા, આર્વિભાવ સોસાયટી-2માં રહેતા આનંદ નેરકર સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ સંતાન પ્રાપ્ત ન થતા પતિ આનંદ ત્રાસ ગુજારતો હતો. જોકે 2013 અને 2017 માં કલ્પનાએ બે દિકરીને જન્મ આપ્યો હતો. પુત્રની ઈચ્છા ધરાવતા આનંદે કલ્પના પર પુત્ર પ્રાપ્ત ન કરવાના મેણા મારવા લાગ્યો અને ત્રીજી છોકરી આવશે તો છુટાછેડા આપી દઈશ તેવી ધમકી આપી હતી.કલ્પનાએ 2 ફેબ્રુઆરીએ ફાંસો ખાધો હતો. જેના કારણે કલ્પનાની માતાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પતિ આનંદ વિરૂધ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણા માટે ફરિયાદ નોંધાવી હતી.

પાંડેસરામાં પુત્ર ન જન્મતા સાસરિયાઓએ ત્રાસ આપતાં જીવન ટૂંકાવ્યું

અન્ય સમાચારો પણ છે...