નાઇટ્રોજનની ગોળીથી નશો કરીને લૂંટ કરનારો ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાઇટ્રોજનની ગોળીઓ આરોગ્યા બાદ ગુના કરવાની ટેવવાળા રીઢા ગુનેગારને ક્રાઇમ બ્રાંચની ટીમે દબોચી લીધો છે. જેણે હત્યા સહિતના 12 ગુના કર્યાની કબૂલાત કરી છે. આ રીઢો ગુનેગાર પાસામાં પણ જઈ ચૂક્યો છે અને તડીપાર પણ થઈ ચૂક્યો છે. લૂંટના ગુનામાં નાસતો ફરતો હતો. જેમાં પોલીસે તેની ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાંચના પોસઈ એમ.એસ. ત્રિવેદી અને તેમની ટીમે બાતમીના આધારે વરાછામાંથી રત્નકલાકાર જિતેન્દ્ર ઉર્ફે વિપુલ ઉર્ફે કાળિયો કનુ થળેસા (ઉ.વ. 22, રહે: રણુજાધામ સોસાયટી, સીતાનગર ચોકડીની બાજુમાં,પુણા)ને પકડી પાડ્યો હતો. જેણે તેના અન્ય સાગરીતો રુત્વિજ ઉર્ફે શુભમ્ ઉર્ફે ટાઇગર અને નાના ભરવાડ સાથે મળી ટામેટાંના વેપારી પાસેથી રોકડા રૂ. 71 હજાર તેમ જ એક ફોનની લૂંટ કરી હતી. ચપ્પુ મારી લૂંટ કર્યા બાદ ફરિયાદ કરી છે તો મારી નાખવાની ધમકી આપી હતી. પુણા પોલીસ મથકમાં આ અંગે લૂંટનો ગુનો નોંધાયો છે.

ગજેન્દ્ર ઉર્ફે વિષ્ણુ માનસરોવર સ્કૂલ પાસેની શાકભાજી માર્કેટમાં ટામેટાંનો વેપાર કરતો હતો. જેને ત્યાં રુત્વિક કામ કરતો હતો. ગજેન્દ્રને બેકરી શરૂ કરવાની હોવાથી મથુરા રહેતા તેના મામાના દીકરા પાસેથી રૂ. 1.20 લાખ મગાવ્યા હતા. જે રુત્વિજ જાણતો હતો. આરોપીઓએ રુત્વિજનો અકસ્માત થયો છે તેમ કહી વેપારીને બોલાવ્યા હતા. જેને નાના ભરવાડના રૂમમાં લઈ જઈ નાણાં કઇ જગ્યાએ પડ્યા છે? એ મુદ્દાની જાણકારી મેળવી લીધા બાદ રૂ. 71 હજાર રોકડા અને એક મોબાઇલ ફોનની લૂંટ કરી હતી. જેમાં જિતેન્દ્ર નાસતો ફરતો હતો. જિતેન્દ્ર નાઇટ્રોજનની ચાર-પાંચ ગોળી ખાઈ નશો કરતો અને બાદ ગુના કરતો હતો. આ રીતે તેણે વરાછા, કાપોદ્રા, પુણા અને સરથાણા પોલીસ મથકની હદમાં હત્યા, મારામારી સહિતના 12 ગુના કર્યા છે. જેમાં તે પકડાઈ ચૂક્યો છે. પાસામાં પણ જઈ ચૂક્યો છે અને તડીપાર પણ થઈ ચૂક્યો છે. દિવસે રત્નકલાકાર તરીકે કામ કરવાનું અને રાત્રે આ ટોળકી સાથે મળી ગુના કરવાનું કામ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...