તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુણામાં જમતી વેળા ભાઈથી છાશ ઢોળાઈ જતાં મોટા ભાઈએ ચપ્પુ મારીને હત્યા કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર.સુરત | વરાછામાં બોમ્બે માર્કેટ-પુણા રોડ પર ઇશ્વરનગર સોસાયટીમાં રહેતા મોટા ભાઈએ નાના ભાઈને ચપ્પુ મારીને તેની હત્યા કરી નાખી હતી. બંને સાથે જમી રહ્યા હતા. તે સમયે નાના ભાઈથી છાશ ઢોળાઈ ગઈ હતી. મોટા ભાઈએ નાના ભાઈને ઠપકો આપતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. મોટા ભાઈએ ચપ્પુ મારી દેતા નાના ભાઈનું મોત નીપજ્યું હતું. હાર્ટ પંક્ચર થયાનું પીએમમાં ખૂલ્યું હતું.

નજીવી ઈજા થયાનું માની યુવક અડધો કલાક ઘરમાં ફર્યા બાદ ઢળી પડ્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના પાવઠી ગામના વતની ભુપત ભવાન વાળા પરિવાર સાથે છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં બોમ્બે માર્કેટ-પુણા રોડ પર ઇશ્વરનગર સોસાયટીમાં ભાડેથી રહે છે. પરિવારમાં પત્ની, બે પુત્ર,એક પુત્ર વધુ અને એક પુત્રી રહે છે. મોટો પુત્ર રાજુ( 25 વર્ષ) અને નાનો પુત્ર ઘનશ્યામ(20 વર્ષ) છે. બંને રત્ન કલાકાર છે. મંગળવારે રાત્રે દસેક વાગે રાજુ અને ઘનશ્યામ સાથે જમવા માટે બેઠા હતા. ઘનશ્યામથી છાશ ઢોળાઈ ગઈ હતી.રાજુએ ઘનશ્યામને કહ્યું કે છાશ કેમ ઢોળે છે. ત્યારે ઘનશ્યામે સામે જવાબ આપ્યો કે ભલે ઢોળાઈ તને ક્યાં સાફ કરવાની છે. મમ્મી અને બેન સાફ કરશે. રાજુએ કહ્યું કે તારે જ સાફ કરવી પડશે અને અત્યારે જ સાફ કર.ઘનશ્યામે સાફ કરવાની ના પાડતા રાજુએ એક તમાચો મારી દીધો હતો તેનાથી બંને વચ્ચે ઝપાઝપી થવા લાગી હતી. રાજુએ ઘનશ્યામને ચાકુ મારી દીધું હતું. ઘનશ્યામને છાતીના ભાગે ચાકુ વાગ્યું હતું. જોકે પ્રથમ નજરે સામાન્ય ઇજા દેખાતી હતી. ઘનશ્યામને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારે ડોક્ટરે ઘનશ્યામને મૃત જાહેર કર્યો હતો. ઘનશ્યામની માતા ધીરૂબેને રાજુ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હત્યાનો ગુનો નોંધી પોલીસે રાજુની ધરપકડ કરી છે.

મૃતક ઘનશ્યામ

મને ખ્યાલ જ ન હતો કે ભાઈને ચાકુ વાગી જશે
સગા ભાઇની હત્યા કરનાર રાજુએ જણાવ્યું હતું કે તેને ભાઈ સાથે ઝઘડો થતા અમસ્તું જ તેની તરફ ચાકુ ફેરવ્યું હતું. મને ખ્યાલ ન હતો કે ભાઈને ચાકુ વાગી જશે. પાછું શરૂમાં એવું હતું કે સામાન્ય ઇજા થઈ છે. એ તો ડોક્ટરે મૃત જાહેર કર્યો ત્યારે તેની ગંભીરતા ખબર પડી. રાજુ આખી રાત રડતો રહ્યો હતો.

હત્યાનો આરોપી

અન્ય સમાચારો પણ છે...