તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધંધામાં ભાગીદાર બનાવવાની લાલચ આપીને ટોળકી 1.47 કરોડ લઈ ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેક્સટાઇલના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાનું કહી ધંધાનો વિકાસ કરવા માટે મદદના બહાને રૂ. 1.47 કરોડ જેટલી માતબર રકમ હાથ વગી કર્યા બાદ રફુચક્કર થઈ જનારી પાંચ જણાની ટોળકી સામે અમરોલી પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આ ટોળકીએ અનેક લોકો પાસેથી આ જ રીતે રૂ. 100 કરોડ જેટલી રકમ લઈ લીધી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.

મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાનાવડલા ગામના વતની અને સુરતમાં સિદ્ધેશ્વર કોમ્પ્લેક્સ, અબ્રામા રોડ, મોટા વરાછા ખાતે રહેતા વિપુલભાઇ વીરજીભાઈ વાલાણીએ અમરોલી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં છેતરપિંડી કરનારાઓ તરીકે એક સમયના તેમના જ મિત્રો વિશાલ રમેશ શિરોયા, પરમાનંદ વિનુ આસોદરિયા, અલ્પેશ મનુ શિરોયા, મોહિત સુભાષ શિરોયા, નિખિલ રીબડિયાનાં નામો આપ્યાં છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ વિપુલભાઇ પણ ટેક્સટાઇના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તમામ આરોપીઓ પણ આ જ વ્યવસાય સાથે સંકળાયાલે હતા. પરિણામે દસેક વર્ષ પૂર્વે તમામ વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યાર પછી 2015ના વર્ષમાં સુભાષ શિરોયાએ એવી વાત કરી હતી કે, મારી પીપોદરા ખાતેની મધુર ઇન્ડસ્ટ્રીઝ હાલ મંદીમાં હોવાથી આર્થિક ભીંસ વધુ છે. જો તમે આર્થિક મદદ કરો તો ફેક્ટરી પુન: ચાલુ થઈ જાય તો નફામાં ભાગ આપીશ. આમ કહી રૂ. 20 લાખની માગણી કરી હતી. ત્યાર બાદ સુભાષ શિરોયાએ તેની કંપનીના 11 ભાગીદારો અને સગાં-સંબંધીઓને મોકલી-મોકલી નાણાં મંગાવ્યા હતાં. સુભાષે નાણાં લેવા મોકલેલા કુલ 11 વ્યક્તિઓને વિપુલભાઈએ રૂ. 1.47,93,000 જેટલી માતબર રકમ આપી દીધી હતી.

બીજી બાજુ બન્યું એવું કે તમામ દસેક વર્ષથી મિત્રો હોવાના કારણે નાણાં આપ્યા તેનું કે ભાગીદારીનું લખાણ કરાવ્યું નહીં. આખરે પોતે છેતરાયા હોવાનું જાણી ગયેલા વિપુલભાઈએ તા. 12-3-18ના રોજ વિશાલ શિરોયા પાસે પ્રોમિસરી નોટ લખાવી હતી. જેના આધારે અમરોલી પોલીસ મથકમાં અરજી કરી હતી.

સરથાણામાં 28 કરોડની ઠગાઈમાં ટોળકી સામેલ
ફરિયાદમાં ઉલ્લેખ થયો છે કે સુભાષ અને તેના ભાગીદારોએ પીપોદરાની ફેક્ટરી મુદ્દે અનેક લોકો પાસેથી નાણાં લીધાં છે. આ બાબતે સરથાણા પોલીસ મથકમાં આ ટોળકી સામે રૂ. 28.31 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. જેમાં વિશાલ શિરોયા, અલ્પેશ શિરોયા અને પરમાનંદ આસોદરિયા પકડાઈ ચૂક્યા છે. જ્યારે સુભાષ, મોહિત અને નિખિલ રીબડિયા નાસતા ફરે છે.

અન્ય વ્યક્તિ સાથે પણ 1.44 કરોડની ઠગાઈ
આ જ ટોળકીએ પીપોદરાની ફેક્ટરીના નામે સુરેશભાઈ છગનભાઈ વઘાસિયા (રહે.મોટા વરાછા) પાસેથી પણ રૂ. 1.44 કરોડ લઈ લીધા છે. સુરેશભાઈએ પણ અમરોલી પોલીસ મથકમાં આ ટોળકી સામે અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...