તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોટેલમાં મોતની છલાંગ મારનારાએ વાપીના જ્વેલર્સમાં ચોરી કર્યાની શંકા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીની હોટલના પાંચમાં માળેથી મોતની છલાંગ મારનાર આધેડે એક વર્ષ અગાઉ વાપીમાં એક જ્વેલર્સમાંથી સોનાની ચોરી કરી હતી. જે સીસીટીવીમાં કેદ થતા જ્વેલર્સ માલિકો મંગળવારે તે જ ઇસમ છે કે કેમ તે જાણવા વેરીફાઇ કરવા માટે હોટેલે પહોંચ્યા હતા. જોકે પકડાઇ જવાના ડરે તે ટેરેસ ઉપર ચઢી ગયા બાદ છલાંગ લગાવી લેતા મોતને ભેંટ્યો હતો.

સુરત મહિધરપુરા વિસ્તારમાં રહેતા પિયુષ ધીરજલાલ પચ્ચીગર ઉ.વ.51 વાપી ટાઉન સ્થિત મહારાજા હોટલમાં મંગળવારે રાત્રે રોકાયા હતા. બુધવારે અચાનક બિલ્ડીંગના ટેરેસ ઉપર ચઢી ગયા બાદ હોટેલના સાઇન બોર્ડ ઉપર ઉભા રહી જતા લોકોએ બૂમાબૂમ કરી તેને ઉતરવા કહ્યું હતું. તો કેટલાક લોકો આ દ્રશ્યને મોબાઇલમાં ઉતારતા નજરે ચઢ્યા હતા.

હાથ જોડીને થોડી વાર બાદ છલાંગ મારી લેતા આધેડનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. જેનો વિડીયો થોડી જ વારમાં સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ પણ થઇ ગયો હતો. આ કેસમાં મૃતકનો સુરતમાં રહેતો ભાઇ વાપી પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમણે પોલીસને જણાવ્યું હતું કે, 7થી 8 વર્ષ પહેલા પિયુષને ઘરથી કાઢી મુકવામાં આવ્યા હતા. ત્યારથી તે ગમે ત્યાં ફરીને જીવન ગુજરાન ચલાવે છે. તો પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, પિયુષ એક વર્ષ અગાઉ વાપી ટાઉન સ્થિત મહાલક્ષ્મી જ્વેલર્સમાં ગયો હતો. જ્યાંથી મોઢામાં સોનુ મુકી ચોરીને નીકળી જવાના ફૂટેજ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સીસીટીવીમાં દેખાતો ઇસમ મહારાજા હોટેલમાં રોકાયેલ ઇસમ જ છે કે કેમ તે વેરીફાઇ કરવા કેટલાક જ્વેલર્સ માલિકો ત્યાં પહોંચ્યા હતા. જોકે પકડાઇ જવાના ડરે આધેડ ટેરેસ ઉપર ચઢી ગયા બાદ માર ખાવાના ભયથી હાથ જોડીને છલાંગ મારતા સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. આ કેસમાં જ્વેલર્સ માલિકો સામે આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની ચર્ચાએ જોર પકડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...