પોતાના વ્યવસાયના ઉમેદવારને ઉપપ્રમુખ બનાવવા સંસ્થાઓએ સમર્થન પત્રો જાહેર કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારે ચેમ્બરની ઈલેક્શન કમિટીએ શરૂ કરેલી ફોર્મ ચકાસણીમાંથી 16ને મંજૂર જ્યારે 1ને રદ્દ કર્યું છે. બીજીતરફ જેમ એન્ડ જ્વેલરીની સાથો-સાથ, ટેક્સ કન્સલટન્ટ, કન્સ્ટ્રક્શન અને ટેક્સટાઈલમાંથી ઉપપ્રમુખ પદ માટે ઉભા રહેલા ઉમેદવારોને બિનહરીફ નિમવા સમર્થન પત્રો જાહેર કર્યા છે.

ચેમ્બરની ઈલેક્શન કમિટીએ 17 ફોર્મમાંથી ભરત આર. વાણાવાલાનું ઉમેદવારી પત્ર રદ કર્યું છે. તેમણે મેનેજીંગ કમિટીના ઇલેકટેડ મેમ્બરને બદલે સિનીયર નોનઇલેકટેડ મેમ્બરની સહી કરાવી હતી. ટેક્સટાઈલ, ડાયમંડ, કન્સ્ટ્રક્શન અને ટેક્સ કન્સલ્ટન્ટ સંગઠનોએ પોતાના સભ્યોને ઉપપ્રમુખ પદ માટે ટેકો જાહેર કરતા પાછલા વર્ષોની સરખામણીએ આ વખતે ચૂંટણી વધુ રસપ્રદ બને તેવી સ્થિતિ સર્જાઇ છે.તા.6 એપ્રિલે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસ પછી સોમવારે ચેમ્બરના વર્તમાન પ્રમુખ, ઉપપ્રમુખ ઉમેદવારો સાથે સંવાદ કરી ચૂંટણી બિનહરીફ કરવા પ્રયાસ કરશે. ત્યાં સુધી ઉમેદવારોએ પણ વિડ્રો નહીં આપવાનું નક્કી કર્યું છે.સુરત ડાયમંડ એસો.ના ટેકા બાદ સુરત જ્વેલરી મેન્યુફેકચર્સ એસો. (એસજેએમએ)એ ઉપપ્રમુખ પદના ઉમેદવાર દિનેશ નાવડિયાની તરફેણમાં ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. ટેક્સટાઈલ ગ્રુપમાંથી આશિષ ગુજરાતીને સમર્થનમાં મેસેજ ફરતાં કર્યા છે. બાંધકામ ઉદ્યોગમાંથી આવતા પ્રતિનિધિ ભદ્રેશ શાહને બિનહરીફ ઉપપ્રમુખ તરીકે ચુંટી કાઢવા કન્સ્ટ્રક્શનના આગેવાનોએ, જયારે ટેક્સ કન્સલ્ટન્ટ જુથ દ્વારા જનક પચ્ચીગરની તરફેણમાં મેસેજ ફરતા કરવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયામાં વાતાવરણ ગરમાયું
10 વર્ષથી એકેય ટેક્સટાઈલ ઉમેદવાર ઉપપ્રમુખ નહીં બનતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. તેવા મેસેજનો મારો ટેક્સટાઈલ ગ્રુપ દ્વારા સોશિયલ મિડીયામાં શરૂ કરાયા છે. ફોગવાના ગ્રુપમાં એવી દલીલ કરાઇ છે કે, છેલ્લા 1 દાયકામાં ચેમ્બરના ઉપપ્રમુખ પદે બે વાર સીએ., ડાયમંડ-જવેલરી ઉદ્યોગ, બાંધકામ, કેમિકલ ઉદ્યોગના પ્રતિનિધિ અને છેલ્લી ટર્મમાં એન્જિનિયરીંગ ઉદ્યોગના પ્રતિનિધિને સ્થાન મળ્યું છે. તેને લીધે ટેક્સટાઈલના પ્રશ્નોની યાદી લાંબી થતી જાય છે. જ્યારે આ ઉદ્યોગોની સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...