સિન્થેટિક ડાયમંડની સ્પષ્ટતા વગર જ હીરાનું વેચાણ કરતી 8 કંપનીને નોટિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુએસ ફેડરેશન ઓફ ટ્રેડ કમિશન (એફટીસી)ને વૈશ્વિક માર્કેટમાં હીરાનું વેચાણ કરતી 8 કંપનીઓને નોટિસ ફટકારી છે. આ કંપનીઓ સિન્થેટિક ડાયમંડની સ્પષ્ટતા વગર હીરાનું વેચાણ કરી રહી હતી. થોડા દિવસથી ભારતીય માર્કેટમાં સિન્થેટિક ડાયમંડની સ્પષ્ટતા કરવા મુદ્દે ફરી શરૂ થયેલા વિવાદના કારણે એફટીસીએ આ કંપનીઓ પાસે હીરા સિન્થેટિક છે તેની સ્પષ્ટતા કરવા માંગ કરી છે.

થોડા દિવસ અગાઉ અમેરિકા સાથે સંકળાયેલી ડાયમંડ ગ્રેડિંગ અને સર્ટિફિકેશન કંપનીઓએ એફટીસીની ગાઇડલાઇનનો અમલ કરતાં સર્ટિફિકેટ પર હીરા સિન્થેટિક છે તે ન લખવાની જાહેરાત કરી હતી. જેનો ભારતીય હીરા બજાર સાથે સંકળાયેલી સંસ્થાઓના વિરોધ બાદ ફરી સુધારો કરતાં લેબોરેટરી સંચાલકોએ ‘સિન્થેટિક’ની જગ્યાએ ‘મેન મેઇડ ડાયમંડ’ શબ્દ વાપરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે બુધવારે એફટીસીએ સિન્થેટિક ડાયમંડની સ્પષ્ટતા વગર ડાયમંડ તથા ડાયમંડ જ્વેલરીનું વેચાણ કરતી વૈશ્વિક માર્કેટની 8 કંપનીઓને નોટિસ ફટકારી છે.

રેપાપોર્ટ અને જીજેઇપીસી દ્વારા પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે 8 કંપનીઓ દ્વારા વેચાણ થઈ રહેલા ડાયમંડ તેમ જ ડાયમંડ જ્વેલરીમાં તે હીરા સિન્થેટિક હોવા છતાં તેની સ્પષ્ટતા વ્યવસ્થિત રીતે કરાઈ ન હતી. એફટીસીએ આ કંપનીઓને નોટિસ આપી 10 દિવસનો સમય આપ્યો છે. નોટિસમાં હીરા સિન્થેટિક છે તેની વ્યવસ્થિત સ્પષ્ટતા કરવા જણાવાયું છે. ગ્રાહકો સાથે પારદર્શકતા રહે તે માટે આ નોટિસ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જુલાઈ-2018માં એફટીસીએ જ તેની ગાઇડલાઇન જાહેર કરીને સિન્થેટિક તેમ જ રીયલ ડાયમંડ માટે ફક્ત એક જ શબ્દ ડાયમંડ પ્રયોજવા સૂચન કર્યું હતું. તે વખતે પણ ભારતીય હીરાબજાર સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હોવા છતાં ગાઇડલાઇનમાં ફેરફાર કરાયો ન હતો. જ્યારે આ વિરોધનો માહોલ ફરી ભારતીય બજારોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે એફટીસીએ 8 કંપનીઓને નોટિસ આપી છે.

અન્ય સમાચારો પણ છે...