તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાઈકી-એડીડાસ કંપનીના રૂપિયા 84.88 લાખના 4394 જોડી નકલી શુઝ પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બલેશ્વર ગામે એક બંધ મિલની બિલ્ડિંગમાંથી નાઈકી, એડીડાસ, એરઝોક, જેવી બ્રાંડેડ કંપનીના ડુપ્લીકેટ શુઝનો 4394 જોડીનો જથ્થો ઝડપાયો છે. સુરતના યુવક ઓનલાઈન સ્નેપડીલ થકી આ ડુપ્લીકેટ શુઝ ગ્રાહકોને સપ્લાય કરતો હતો.

પોલીસના જણાવ્યા મુજબ પલસાણા તાલુકાના બલેશ્વર ગામે આવેલ જૂની સલીમ ફેશન મિલના બિલ્ડિંગમાં બ્રાંડેડ કંપનીના ડુપ્લીકેટ શુઝનો જથ્થો હોવાની બાતમી સુરત જિલ્લા એલસીબી પોલીસને મળતાં છાંપો માર્યો હતો. અંદર તપાસ કરતાં નાઈકી, એડીડાસ, એરઝોક જેવી કંપનના 4394 જોડ શુઝ મળી આવ્યા હતાં. જેથી પોલીસે મુંબઈથી કંપનીના ઓથોરાઈઝ હક્કો આપેલ લેજિસ્ટર આઈપીઆર સર્વિસીસ લિ.ના મેનેજરને બોલાવી ખરાઈ કરાવતાં તમામ શુઝનો જથ્થો બ્રાંડેડ કંપનીની કોપી કરીને બનાવેલ હોવાનું જણાવ્યું હતું. આ ડુપ્લીકેટ શુઝ સુરતના ફઝલ ટાવર નં 402, અડાજણ પાટિયા સર્કલ ધનમોરા કોમ્પલેક્સની બાજુમાં રહેતો મહંમદ સાહીબ મોહંમદ સાદ્દીક તમ્બુવાલા છેલ્લા ત્રણેક માસથી સ્નેપડીલ મારફતે ઓનલાઈન બુકીંગ કરાવી ગ્રાહકોને વેચાણ કરતો હતો. જ્યારે આ ડુપ્લીકેટ શુઝનો જથ્થો દિલ્હીના કરોબી બાગમાં રહેતા અમીત નાગપાલ નામના યુવાન પાસેથી લવાતો હોવાનું બહાર આવ્યું હતું. આ બંને યુવાનોએ લોકો તથા કંપની સાથે છેતરપિંડી કરી કોપીરાઈટનો ભંગ કરી, વેપાર કરવા ડુપ્લીકેટ શુઝનો જથ્થો રાખતા પોલીસે કબજે લીધો છે. માલ વેચનાર અને માલ મોકલનાર બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બંનેની ધરપકડ બાદ આખું પ્રકરણ બહાર આવશે.પલાસણા, કડોદરા, કોસંબાનો ઔદ્યોગિક વિસ્તાર ડુપ્લીકેટ વસ્તુની બનાવટ તથા વેચાણ માટે કુખ્યાત બની રહ્યું છે. ભૂતકાળમાં ડુપ્લીકેટ ગુટખા, મરીમસાલા, ભારતીય બનાવટનો વિદેશી દારૂ બનાવવાના કારખાના ઝડપાઈ ચૂક્યા છે.

સ્નેપડીલના પેકિંગના શુઝમાં એડ્રેસ મળ્યા
રાજશ્રી ફેશન, તુલસી ફેશન, વન ટેલ્ક ટેન સ્ટાર, 7-ડે સ્ટોર તમામ નીલમ હોટલની નજીક કડોદરા ચાર રસ્તા સુરતના નામે એડ્રેસ પેકિંગ કરેલ હાલતમાં મળેલ છે. જોકે, નાઈકી કંપની દ્વારા જે સ્થળેથી મળેલ શુઝનો જથ્થો તથા પેકિંગ એડ્રેસ અંગે કંપનીએ કોઈ ડિલરશીપ આપવામાં આવેલ નથી.

સુરત શહેર આવી નકલી વસ્તુ માટે જાણીતું
સુરત શહેર આવી નકલી વસ્તુઓ વેચવા માટે જાણીતું છે. ભુતકાળમાં આવી રીતે સુરતમાં ઘણા કેસો નોંધાયા છે. જેમાં ચોકબજારમાં 2 કરોડ રૂપિયાથી વધુના બ્રાંડેડ કંપનીના શુઝ મળી આવ્યા હતા. તે પહેલા ઉધનામાં પણ લાખો રૂપિયાના નકલી શુઝ મળ્યા હતા. વરાછામાં બ્રાંડેડ કંપનીના રેડિમેઇડ ગારમેન્ટ અને ઉમરા વિસ્તારમાં બ્રાંડેડ કંપનીના નામે નકલી ઘડિયાળોનો જથ્થો પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...