Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મા અને પરમાત્મા તુલ્ય કોઇ નહીં : પંન્યાસ પદ્મદર્શનવિજય
મા વિનાનું જગત શૂન્ય છે. મા, મહાત્મા અને પરમાત્માની તુલના કોઈની સાથે કરી શકાય નહીં. મહાત્મા અને પરમાત્માની જનેતા પણ મા જ છે. મા આ જગતનું અમૃત છે. પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજની વાડીમાં શનિવારે આ શબ્દો કહ્યાં હતા.
શહેરના ત્રિમકનગર જૈન સંઘના ઉપક્રમે વરાછાના સૌરાષ્ટ્ર પાટીદાર સમાજની વાડીમાં સ્વ.વિમળાબેન દોશીના સ્મરણાંર્થે માતૃવંદના કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે કહ્યું કે ઇશ્વર બધે પહોંચી વળી શકતો નથી એટલે એણે માનું સર્જન કર્યું છે. માનુ બીજુ સ્વરૂપ સર્વસહા છે. સર્વનું સઘળુ સહન કરે તે મા છે. વાત્સલ્યની વાંછટ અને દરિયાની ભરતી જેવું હેત એટલે મા છે. બલિદાન આપીને પણ બોલે નહીં તે મા છે. પરિવારને તાંતણે પણ તેજ બાંધી રાખે છે.
માતા જન્મદાત્રી, જીવનદાત્રી, સંસ્કારદાત્રી અને ધર્મદાત્રી છે. સંતાનોની ખૂટતી કડી પણ મા જ ભરે છે. માતાનું ઋણ ચૂકવવું શક્ય જ નથી. આખુ જીવન જેણે પરિવાર માટે ખર્ચ્યું એ માનું મૃત્યુ જ મહોત્સવ બને છે. ઉપાધ્યાય અજિતયશવિજય મહારાજે કહ્યું કે માતા જ જીવનની પ્રથમ ગુરૂ છે અને માતા જ પોતાના જીવન થકી સંદેશ આપી અંતિમ ગુરૂ પણ બને છે. માતૃ-વંદના સમારોહમાં સંઘના અગ્રણીઓએ આ પ્રસંગે ભાવવંદના કરી હતી. તેની સાથે નવકાર જાપ અને મહાપૂજા કરાઈ હતી.
સૌરાષ્ટ્ર પાટીદાર સમાજની વાડીમાં માતૃવંદના કાર્યક્રમ