Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રામપુરામાં અશરફ નાગોરી પર માથાભારે મહેતાબ ભૈયાએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યાની ચર્ચા
શનિવારે મોડી સાંજે બનેલા બનાવમાં અશરફ નાગોરી પર સગરામપુરાના માથાભારે મહેતાબ ભૈયાએ 4 રાઉન્ડ ફાયરિંગ કરવાની ચર્ચા વહેતી થઇ હતી. જો કે અશરફ નાગોરી અને મહેતાબ ભૈયા વચ્ચે કયાં કારણોસર ઘર્ષણ થયું તે હાલના તબક્કે જાણી શકાયું નથી. સૂત્રોથી મળેલી માહિતી મુજબ રામપુરા આરજુ રેસિડેન્સીમાં પોતાની ઓફિસ પાસે અશરફ નાગોરી મિત્રો સાથે બેઠો હતો. તે સમયે સગરામપુરાનો મહેતાબ ભૈયા તેના 20થી વધુ સાગરિતો સાથે ધસી આવ્યો હતો. તેણે કોઇક મુદ્દે અશરફ નાગોરી સાથે માથાકૂટ કરી હતી. મહેતાબ ભૈયાએ પોતાની પાસે રહેલા રિવોલ્વર જેવા દેખાતા હથિયારથી અશરફ નાગોરી પર ચાર રાઉન્ડ ફાયર કર્યા હતાં. મીસફાયર થતાં તેના પગે જ ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત મહેતાબને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાની ચર્ચા છે. આ ઘટના બાબતે જાણ થતાં લાલગેટ પોલીસ અને ક્રાઇમબ્રાંચની ટીમ પહોંચી હતી. પોલીસે નજીકની દુકાનોથી ઘટના સંબંધિત ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે. આ ઘટના મામલે ફરિયાદ કરવા અશરફ નાગોરી લાલગેટ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસને તપાસ દરમિયાન બે ગોળીના ખાલી કવર મળ્યાં હોવાની ચર્ચા છે. આ ઘટના બાબતે હાલ લાલગેટ પોલીસે ફોડ પાડયો ન હતો.