પેમેન્ટનો બોગસ સ્ક્રીનશોટ બતાવી મહાઠગ 40 કિલો કાજુ બઠાવી ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રીઢો ગઠિયો અભિષેક નંદવાણી વિરુદ્ધ 31 હજાર રૂપિયાની છેતરપિંડીનો વધુ એક ગુનો મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ગઠિયા વિરુદ્ધ ચારેક ગુના નોંધાઈ ચૂક્યા છે. ખાસ વાત એ છે કે મહિધરપુરામાં જે ગુનો નોંધાયો તેમાં આરોપી ઝડપાઈ ગયો હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં વાંચ્યા બાદ ફરિયાદ નોંધાવી છે.

મહિધરપુરામાં ગલેમંડી મેઈન રોડ પર પ્રકાશચંદ્ર તિલોકચંદ રાઠી પરિવાર સાથે રહે છે. ઘર પાસે જ તેઓ કરિયાણાની દુકાન ચલાવે છે. સપ્ટેમ્બર 2018માં એક યુવક તેમની દુકાને આવ્યો હતો. તેને પોતાની ઓળખ રોહન સુરેશકુમાર ખન્ના અને સરનામું જાપાન માર્કેટ, રિંગ રોડ જણાવ્યું હતું.

રોહને પ્રકાશચંદ્રને કહ્યું કે ગણપતિ ઉત્સવ માટે 40 કિલો કાજુ ખરીદવા છે. પ્રકાશચંદ્રએ 31 હજાર રૂપિયાના 40 કિલો કાજુ આપ્યા હતા. તેનું પેમેન્ટ ઓન લાઈન ટ્રાંસફર થઈ જશે એવું કહ્યું હતું. કાજુ ખરીદ્યા ત્યારે રોહને તેના મોબાઈલ ફોન પરથી રૂપિયા ઓન લાઈન ટ્રાંસફર થઈ ગયા હોવાનો સ્ક્રિન શોટ બતાવ્યો હતો. કાજુ લઈને નીકળી ગયા બાદ ખબર પડી કે રોહને રૂપિયા ટ્રાંસફર કર્યા જ નથી. ત્યારથી પ્રકાશચંદ્ર તેને શોધતા હતા. રોહન ઉર્ફે અભિષેક નંદવાણી ક્રાઈમ બ્રાંચમાં ઝડપાયો હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં ફોટો સાથે પ્રકાશિત થયા હતા.

તેમાં અભિષેકની છેતરપિંડી કરવાની રીત પણ જણાવી હતી. તેથી પ્રકાશચંદ્રને સમજાઈ ગયું કે તેમની સાથે 31 હજાર રૂપિયાની છેતરપિંડી કરનાર રોહન અને અભિષેક એકજ છે અને તેનેજ ક્રાઇમ બ્રાંચે પકડ્યો છે એટલે પ્રકાશચંદ્રએ અભિષેક વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...