તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લંડનથી સુરત આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ,માતા-પિતા સહિત નવને કોરોન્ટાઈન વોર્ડમાં શીફ્ટ કરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસનો પ્રથમ પોઝિટિવ કેસ શહેરમાં સામે આવતા શહેર જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. લંડનથી ગઈ તા.14મીએ સુરત આવેલી શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારની યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવતીના સંપર્કમાં આવેલા તેના પરિવાર સહિતના 9 વ્યક્તિઓને હાલ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારની 21 વર્ષીય પુત્રી લંડન ખાતે અભ્યાસ કરે છે. ગઈ તા.14મીએ યુવતી લંડનથી ફ્લાઈટ મારફતે મુંબઈ આવી હતી અને મુંબઈ થી ફ્લાઈટ મારફતે સુરત પહોંચ્યા બાદ એક પારિવારીક પૂજામાં હાજર રહી હતી. જ્યાં અચાનક તેને તાવ, ખાંસી જેવા કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા ફેમિલી ડોક્ટરની સલાહ બાદ તાત્કાલિક તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં પ્રાથમિક તપાસમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા યુવતીને તાત્કાલિક આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. તેમજ તેના પરિવારના સભ્યો તેમજ પૂજામાં હાજર રહેલા પૂજારી અને સંબંધીઓ તેમજ કર્મચારીઓ સહિતના 9 વ્યક્તિઓને હોમકોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેમજ યુવતીના સેમ્પલ લઈ કોરોનાની તપાસ માટે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં તેના રિપોર્ટમાં શંકાસ્પદ જણાતા તેના સેમ્પલ ફેર તપાસ માટે પુણે ખાતે મોકલવામાં આવ્યા હતા. ગુરુવારના રોજ પુણેથી યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે.

સિવિલમાં બે ટીમ તૈનાત કરવામાં આવી


સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા ગુરુવારના રોજ તમામ વિભાગના એચઓડીની બેઠક મળી હતી. જેમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. ખાસ કરીને 51 જેટલા પ્રિ ક્લિનિકલ ફેકલ્ટીને રેડી કરવામાં આવ્યા છે. ટ્વીટર અને એપી તેમજ નર્સિસ સહિતની બે ટીમ તૈયાર રાખવામાં આવી છે. જેથી જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકીએ.


ઈમરજન્સી ન હોય તો ઓપીડીમાં ન આવવા અપીલ


સિવિલ હોસ્પિટલના ઈનચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.પ્રીતિ કાપડિયાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે એક અંદાજ મુજબ એક વ્યક્તિ તેની આજુ બાજુની અંદાજે 70 જેટલી વ્યક્તિઓના સંપર્કમાં આવતો હોય છે. ત્યારે આવા સંજોગોમાં જો ઈમરજન્સી ન હોય તો સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં સારવાર માટે ન આવે તો યોગ્ય છે.

દર્દીઓના ઉપયોગ માટે સેનેટાઈઝર મુક્યા તો તે ઘરે લઈ ગયા


સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસ બારી હોલમાં તેમજ અલગ અલગ જગ્યાએ પ્રાયોગિક ધોરણે સેનેટાઈઝર મુકાયા હતા. જોકે આ સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની જગ્યાએ કેટલાક દર્દીઓ સેનેટાઈઝર ઘર ભેગા કરી ગયા હતા. જેથી હવે હેન્ડ પમ્પ વાળા સેનેટાઈઝર મુકાશે.

હાલમાં યુવતીની
સ્થિતિ સામાન્ય છે


શહેરના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર યુવતીની તબિયત હાલ સામાન્ય છે. તેમજ તમામ યથાયોગ્ય કાળજી લેવામાં આવી રહી છે. યુવતીના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

યુવતીના માતા-પિતા
સહિત 9 કોરોન્ટાઈન


લંડનથી આવેલી યુવતીને શંકાસ્પદ લક્ષણો જણાતા તેના માતા-પિતા, કુક, વોચમેન, માળી, મેનેજર, તેમજ 3 ગુરુભાઈ સહિત 9 વ્યક્તિને જે તે સમયે હોમકોરોન્ટાઈન કરાયા હતા. યુવતીનો રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યા બાદ સંપર્કમાં આવેલા તમામ 9 વ્યક્તિઓને સમરસ હોસ્ટેલ ખાતે કોરોન્ટાઈનમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

ત્રણ શંકાસ્પદ દર્દીના રિપોર્ટ પેન્ડિંગ


કિલ ધ કોરોના

યુવતી લંડનથી ફ્લાઈટ મારફતે મુંબઈ આવી ત્યાંથી ફ્લાઈટ મારફતે સુરત આવી હતી, દુબઇથી આવેલો વધુ એક યુવક દાખલ

પાર્લે પોઇન્ટમાં રહેતા ઉદ્યોગપતિ પરિવારની યુવતી 14મીએ સુરત આવી હતી, પારિવારીક પૂજામાં હાજર રહી હતી

ઈમરજન્સી જરૂર પડે તો ટ્રોમામાં આઇસોલેશન કાર્યરત થશે : જો તાત્કાલિક જરૂર પડે તો ટ્રોમાં સેન્ટરમાં બીજા માળે આઇસોલેશન વૉર્ડ શરૂ કરવાની તૈયારીઓ રાખવામાં આવી છે. તે સિવાય જી-0 વૉર્ડ અથવા અન્ય સ્થળે પણ આઇસોલેશન વૉર્ડ શરૂ કરી શકાય કે કેમ તે બાબતે પણ વિચારણા ચાલી રહી છે.

1વરાછા વિસ્તારમાં રહેતો 23 વર્ષીય એન્જિનિયરીંગનો વિદ્યાર્થી ગઈ તા.11મીએ પોલેન્ડથી આવ્યો હતો સોમવારે શંકાસ્પદ લક્ષણો જણાતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે હાલ રિપોર્ટ પેન્ડિંગ છે.

2રાંદેર વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવક ગઈ તા.2 માર્ચના રોજ નાગપુર ગયો હતો. ત્યાં કોરોનાના પોઝિટિવ દર્દીના સીધા સંપર્કમાં રહ્યો હતો અને 16 માર્ચે સુરત આવ્યા બાદ મંગળવારે શંકાસ્પદ લક્ષણો જણાતા સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે જેનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.

3અઠવાઝોન વિસ્તારમાં રહેતો 28 વર્ષીય યુવક ફેબ્રુઆરીમાં શ્રીલંકા ગયો હતો. ત્યાર બાદ 1 માર્ચના રોજ દુબઈ ગયો હતો અને ત્યાંથી 15 માર્ચના રોજ સુરત આવ્યો હતો. ગુરુવારે તેને શંકાસ્પદ લક્ષણો જણાતા તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને શંકાસ્પદ લક્ષણો જણાતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે તેના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...