સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં 2 થી 30% સુધીની ફી ઘટાડી દેવાઇ
યુનિવર્સિટીસંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં પ્રિન્સિપાલ, પ્રોફેસર કે પછી યુનિ. માન્ય પ્રોફેસરની ઘટ દેખાતા સિન્ડિકેટ મેમ્બરોએ લાલ આંખ કરી કોલેજની ફીમાં 2 થી 30%નો કાપ મુકી દીધો છે. હવે સેલ્ફ ફાયનાન્સ કોલેજના સંચાલકોએ ફી કાપનો વિરોધ કરી 25% મેનેજમેન્ટ ક્વોટાની માંગ કરી છે.
સેલ્ફ ફાયનાન્સ કોલેજની મેનેજમેન્ટ ક્વોટા આપવી કે નહી તે અંગેનો નિર્ણય 30 જૂને મળનારી સિન્ડિકેટની બેઠક લેવાશેે. સાઉથ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ કોલેજ મેનેજમેન્ટ એસોસિએશને વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકરને પત્ર લખ્યો હતો કે, સેલ્ફ ફાયનાન્સ કોલેજના એસોસિએશનની જાણ બહાર યુનિવર્સિટીએ કોલેજની ફી પર 2 થી 30%નો કાપ મુકી દીધો છે. જેને સેલ્ફ ફાયનાન્સ કોલેજના મેનેજમેન્ટ વિરોધ કરે છે. કુલ ફીમાંથી 75% ફી કોલેજને મળે છે. જ્યારે બાકીની 25% યુનિવર્સિટીને મળતી હોય છે.કોમર્સ કોલેજની 12 હજારમાંથી 9 હજાર રૂપિયા ટ્યુશન ફી હોય છે. જે હાલની દ્રષ્ટીએ ખૂબ ઓછી છે. તેવી રીતી બીબીએ અને બીસીએમાં ફી ઓછી હોવાને લઈ હાલાકી પડી રહી છે. રજૂઆત કરવા છતા હજુ સુધી ફીમાં વધારો કરાયો નથી અને વર્ષે એકાએક ફી ઘટાડી દેવાનો નિર્ણય અયોગ્ય છે. જેથી કોલેજમાં 25% મેનેજમેન્ટ ક્વોટા અપાય.