બે દિવસના તાવમાં ધો.12ની વિદ્યાર્થિનીનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંછેલ્લા ઘણાં સમયથી વકરી રહેલા રોગચાળા પર અંકુશ મેળવવામાં પાલિકાનું આરોગ્ય વિભાગ વામણું પુરવાર થઈ રહ્યું છે. બે દિવસ અગાઉ નવાગામની 11 વર્ષીય કિશોરીનું તાવમાં મોત થયા બાદ પુણામાં પણ તાવમાં સપડાયેલી એક યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રોગચાળો શહેરમાં ગંભીર રોગ લેતાં એક પછી એક મોત થઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાના નામ પર લોકોની કાળજી લેવામાં નિષ્ક્રિય જણાઈ રહ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પુણા સીતારામ સોસાયટીમાં રહેતા ભીમજીભાઈ આહીર રત્નકલાકાર છે. તેમની 18 વર્ષીય પુત્રી નીતા ધોરણ 12 કોમર્સમાં હોવાથી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. નીતા છેલ્લા બે દિવસથી તાવમાં સપડાઈ હતી. નીતાને સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. તબિયત વધુ લથડતાં તેને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. સ્મીમેર હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. પુણા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પાણીની સમસ્યાના કારણે પોલીસ તાલીમાર્થીઓને કમળાની અસર જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...