• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મનસુખ માસ્તર ડાકોર ગયા, તેમના બદલે શામળિયાએ ક્લાસ લીધો : મોરારીબાપુ

મનસુખ માસ્તર ડાકોર ગયા, તેમના બદલે શામળિયાએ ક્લાસ લીધો : મોરારીબાપુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામકથાના છઠ્ઠા દિવસે બાપુએ મનસુખ માસ્તરની કથા કહેતાં કહ્યું કે, ડાકોર પાસેના ગામના કડક સ્વભાવના મનસુખ માસ્તર સાધુને જોઈને ગાળો દેતા. તેનાથી વિપરીત તેમની પત્ની ઉજમબાઈ શુદ્ધ ધાર્મિક ભાવવાળી. પતિને કાયમ કહેતી કે તમે ભગવાનને ભજો નહીં તો કાંઈ નહીં, પરંતુ નિંદા નહીં કરો. એવામાં અયોધ્યાની સાધુ મંડળી ડાકોરનાં દર્શને આવી. ફરતાં-ફરતાં ઉજમબાઈના ગામમાં આવી. ગામના યુવાનોએ મનસુખ માસ્તરને બદનામ કરવા સાધુઓને તેમનું ઘર બતાવ્યું. મંડળી મનસુખ માસ્તરની ઘરે. ઉજમબાઈ કહે, મહારાજ, તમે ભાગો મારા પતિ ઝઘડાળું છે.

મહંત ખૂબ જ્ઞાની. તેમણે કહ્યું, તું મારી દીકરી. તારા પતિને સીધો કરવાનું કામ મારૂ. બીજી બાજુ યુવાનોએ શાળામાં મનસુખ માસ્તરને કહ્યું, તમારા ઘરે બાવટાઓ આવ્યા છે. ગુસ્સે ભરાયેલા માસ્તર ઘરે આવે છે. સાધુઓને જોઈને મારવા માંડ્યા. મારતાં-મારતાં મહંત પાસે પહોંચ્યા. મહંતે હાથ પકડી મસ્તક પર બીજો હાથ મૂક્યો. મનસુખ માસ્તરનો ક્રોધ ગાયબ. આંખમાં ઝળઝળિયાં આવ્યાં અને માસ્તર સુધરી ગયા. પછી તો ડાકોર પૂનમ ભરે અને શાળામાં ખુરશી પર રણછોડરાયનો ફોટો મૂકી બાળકોને શિક્ષણ આપે. યુવાનોએ બદલો લેવાની ભાવના સાથે શાસનાધિકારીને ફરિયાદ કરી. માસ્તર ડાકોર ગયા છે અને શાસનાધિકારી શાળામાં આવ્યા. જુએ છે તો માસ્તર તો બાળકો સાથે પ્રાર્થના કરે છે. પ્રાર્થના પૂરી થતાં શાસનાધિકારીએ માફી માગી માસ્તરની સર્વિસ બુકમાં સારૂ લખાણ કરી પાંચ રૂપિયાનો પગાર વધારી દે છે. યુવાનો ફરી વિફર્યા શાસનાધિકારીના ઉપરી પાસે ગયા. તેમને ફરિયાદ કરી. ફરી તેઓ પૂનમના દિવસે માસ્તરના ડાકોર ગયા બાદ ચેકિંગમાં આવ્યા. શાળામાં આવી જુએ તો માસ્તર તો બાળકોને ભણાવે છે. યુવાનો ઉપરીને કહે, બાળકોને સવાલ પુછો તો ખબર પડે કે માસ્તર કેવું ભણાવે છે. ઉપરીએ પુછ્યું રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાતω માસ્તર બનેલા ભગવાન સમજી ગયા. તેઓ બાળકના માથે હાથ ફેરવે છે. તરત બાળક જવાબ આપે છે કે, સાહેબ, ભૂલ્યા તમે, કૃષ્ણએ માર્યો કંસ, રામે તો વિનાશ કર્યો રાવણકૂળનો વંશ... ઉપરી કહે, બહુ સારૂ ભણાવ્યું છે. તેઓ પણ સર્વિસ બુકમાં સારૂ-સારૂ લખી પગાર વધારી ગયા. બપોરે 3ની ટ્રેનમાં તેઓ જવા સ્ટેશન પહોંચ્યા. સ્ટેશન પર આવી જુએ તો માસ્તર ડાકોરની ટ્રેનમાંથી ઊતરે ટ્રેનમાં ઉપરી બેસે છે. સામનો થતાં માસ્તરે માફી માગી. ઉપરી કહે, ઉલ્લુ ના બનાવો. તમે તો શાળામાં હતા. થોડી વારની રકઝકમાં માસ્તર સમજી ગયા કે મારા લીધે શામળિયો માસ્તર બન્યો. માસ્તરે તરત રાજીનામું લખી આપ્યું. ત્યાર બાદ ઘરે જઈ ઉજમબાઈને સમગ્ર વાત કહેતાં ભાવભીની ઉજમબાઈ સાથે બંનેએ પરમાત્માને ભજવાનું શરૂ કર્યું. અંતમાં મનસુખ માસ્તરે બાજવા ગામ પાસે તળાવના કિનારે સમાધિ લીધી, જે સમાધિ આજે પણ હયાત છે.

મનસુખ માસ્તરની સત્ય ઘટના વર્ણવતાં શ્રોતાઓ ભક્તિમાં ભીના થયા

અન્ય સમાચારો પણ છે...