• Gujarati News
  • ઈંડાંની કમાણી પર વેટ વિભાગની વોચ

ઈંડાંની કમાણી પર વેટ વિભાગની વોચ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષોથી લોકોને જાણવાની ઉત્સુકતા રહી છે કે પહેલાં ઇંડું આવ્યુ કે મરઘી. હવે વેટ વિભાગને હાલ ઇંડામાં રસ જાગ્યો છે. અધિકારીઓએ માહિતી મેળવવામાં લાગ્યા છે કે શહેરમાં ઇંડાનો કેટલો વેપાર થાય છે અને ઇંડાની લારીઓ પર લોકો કેટલું ઝાપટી જાય છે. સુરત બાદ સમગ્ર સાઉથ ગુજરાતમાં અધિકારીઓ સરવે હાથ ધરી ઇંડાના વેપારનો સાચો ફિગર જાણવાનો પ્રયાસ કરશે. ટાર્ગેટ એચિવ કરવા માટે અધિકારીઓ પર આવેલાં દબાણને લીધે નવી-નવી કોમોડિટી પર સરવે કરવાનું દબાણ ઊભું થયું છે. ફાસ્ટ ફૂડની લારી અને ચાના લખખુટ વેચાણ પર પણ અધિકારીઓની નજર છે. ઇંડાની લારી બાબતે તપાસ કરવામાં આવી તો ચોંકાવનારો ફિગર સામે આવ્યો. સુરતમાં રોજની રૂપિયા 70 લાખની ઇંડાની વાનગીઓ ખવાઈ છે.

ઇંડા ઉપરાંત ફાસ્ટ ફૂડની લારી, ચાના વેપારી પણ વેટના નિશાના પર છે. લાખ્ખોનું ટર્નઓ‌વર છતાં ટેક્સ નહીં આવતા અધિકારીઓ ટેક્સના દાયરામાં આવતા વેપારીઓ ટીન નંબર લઈ ટેક્સ ભરતા થઈ જાય ગણતરીએ હાલ તપાસ શરૂ કરી છે. એક માહિતી મુજબ શહેરમાં ખાણીપીણીની કુલ નાની-મોટી 10000 લારી છે.

ફાસ્ટફૂડ પણ નિશાના પર

ઇંડાના જથ્થાબાંધ વેપારી પિન્ટુભાઈ કહે છે કે શહેરમાં મોટા કહી શકાય એવા સાત જેટલાં જથ્થાબંધ ઇંડાના વેપારીઓ છે. જેમને ત્યાં રોજ આઠ લાખ નંગ ઇંડા આવે છે. જે પૈકી 40 થી 50 ટકા તો સામાન્ય માણસ ઘર માટે ખરીદી કરી જાય છે. બાકીના 30 ટકા લારીઓ પર અને બાકીના રેસ્ટોરાં અને અન્યત્ર જાય છે.

આમલેટની લારીના એક કારિગરે કહ્યું કે એક ઇંડામાંથી સરેરાશ રૂ 30ની વાનગી બને છે. એક ઇંડાની છૂટક કિંમત 4.50 રૂપિયા છે. લારીઓ પર ઇંડાની ખપત 8 લાખના 30 ટકાના હિસાબે 2.40 લાખ થાય છે. જેની કિંમત 10 લાખ થાય. આટલી કિંમતના ઇંડામાંથી વાનગી બનાવી વેચાય તો રોજનો સરેરાશ વકરો રૂ 70 લાખ થાય. જેથી શહેરની 200 લારી પૈકી પ્રત્યેક પર સરેરાશ રોજનું ટર્નઓવર રૂ 35 હજાર થાય.

વેટ અધિકારીઓએ કેટલાંક ઇંડાના વેપારીઓને ત્યાં રૂબરૂ જઈ મોનિટરિંગ કર્યું હતુ. કેટલાંક ગ્રાહક બનીને ગયા હતા. કોટ વિસ્તારમાં આવેલાં જાણીતા એવા 17 જેટલાં ઇંડાના વેપારીઓને ત્યાં તો ગીરદી જોઇને અધિકાકરીઓ છક થઈ ગયા હતા. શહેરમાં આવી નાની-મોટી મળીને કુલ 200 લારીઓ એવી છે જ્યાં ઇંડાની વાનગીઓનું વેચાણ એટલી માત્રામાં થાય છે કે ત્યાંથી ડિપાર્ટમેન્ટને સારો એવો ટેક્સ આવી શકે છે. કેમકે જ્યાં માત્ર ઇંડા વેચવા પર કોઇ ટેક્સ નથી ત્યાં ઇંડાની કોઈ વાનગી બનાવીને વેચવાથી 15 ટકા જેટલો ટેક્સ લાગે છે. અધિકારીઓએ કેટલીક ઇંડાની લારીઓનો વકરો પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાંક બાતમીદારો પાસેથી જે માહિતી મળી છે તે મુજબ એક લારી પર રવિવારના રોજ લાખ રૂપિયાનો વકરો તો સામાન્ય બાબત છે.

રોજ 8 લાખ ઇંડાની આવક

એક ઇંડાની વાનગી રૂ. 30ની

ઇંડાં ભલે નાના પણ ધંધો મોટો

સુરત બાદ દક્ષિણ ગુજરાતમાં અધિકારીઓ સરવે કરી વેપારના સાચા ફિગર જાણવાનો પ્રયાસ કરશે

અખતરો | શહેરમાં આવતા 8 લાખ નંગમાંથી 2.40 લાખ ઈંડાં સુરતીઓ લારીઓ પર ઝાપટી જાય છે