Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
‘સુરતને રેલવે ડિવિઝન બનાવી ડીઆરએમ ઓફિસ પણ ફાળવો’
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત
રેલવેમંત્રાલયે ભારતના રેલવે સ્ટેશનમાં સુરત રેલવેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવા જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવેમાં સૌથી વધુ આવક ધરાવતા 5 સ્ટેશનમાં પણ સુરતનો સમાવેશ થાય છે, જે અંતર્ગત સુરત સ્ટેશનને ડિવિઝન બનાવી ડીઆરએમ ઓફિસ ફાળવવા માટે પેસેન્જર સર્વિસ કમિટીએ દિલ્હી ખાતે રેલવે મંત્રી સુરશે પ્રભુને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી.
સુરત કાપડ તેમજ હીરા ઉદ્યોગ ખૂબ નામ ધરાવતું શહેર છે. શહેરમાં 165થી વધુ ટેક્સટાઈલ્સ માર્કેટ અને 50 હજારથી વધુ નાના મોટા હીરાના વેપારીઓનો સમાવેશ થાય છે તેમજ બીજી તરફ સુરતમાં હજીરામાં ક્રિભકો,ઓએનજીસી, રિલાયન્સ, એસ્સાર, એનટીપીસી, ગેલ વગેરે જેવી કંપનીઓ આવી છે. જેને કારણે સુરત શહેરમાં રાજ્યના તેમજ વિદેશોના વેપારીઓની અવર-જવર થતી રહેતી હોય છે. ઉપરાંત સુરતની વસ્તી પણ 50 લાખથી વધુ છે. વળી, સુરત સ્ટેશન પશ્ચિમ રેલવેને વર્ષેદહાડે 150 કરોડથી વધુની આવક રળી આપે છે. આમ સુરત પશ્ચિમ રેલવેનું એક અગત્યનું અંગ હોવાથી સુરત રેલવે સ્ટેશને ડિવિઝન બનાવી ડીઆરએમ ઓફિસ બનાવવામાં આવે તે માટે રેલવે બોર્ડની પેસેન્જર કમિટીના રાકેશ શાહે નવી દિલ્હી રેલવે મંત્રાલય ખાતે મંત્રી સુરેશ પ્રભુને રૂરૂ રજૂઆત કરી છે.
સંપર્કક્રાંતિ, દુરન્ટો જેવી ટ્રેનોને સુરત સ્ટોપેજ આપો
રેલવેમંત્રાલયે સુરતને વર્લ્ડક્લાસ સ્ટેશન બનાવવા જાહેરાત કરી છે, પરંતુ સુરત સ્ટેશન પર ગોવા સંપર્કક્રાંતિ એક્સપ્રેસ, મહારાષ્ટ્ર સંપર્કક્રાંતિ અક્સપ્રેસ, હજરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ વગેરે જેવી ઘણી ટ્રેનને સ્ટોપેજ નથી. માટે આવી ટ્રેનોને સુરતમાં સ્ટોપેજ આપવા પણ રજૂઆત કરવામાં આવી છે.
સુરત-મહુવા સપ્તાહિક ટ્રેનને ડેઈલી દોડાવો
સુરતમાંસૌરાષ્ટ્રવાસીઓની સંખ્યા બહુ મોટી છે તેમજ તેઓ આખા વરસ દરમિયાન વાર તહેવારે પોતાના વતનમાં અવર જવર કરતા હોય છે. દરમિયાન સુરત-મહુવા વચ્ચે ચાલનારી સુરત-મહુવા સપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન ડેઈલી દોડાવવામાં આવે તે મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેનું હેડ ક્વાર્ટર અમદાવાદમાં લાવો
પશ્ચિમરેલવેના 6 ડિવિઝન પૈકી 4 ડિવિઝન ગુજરાતમાં છે, જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગરનો સમાવેશ થાય છે. ચાર ડિવિઝને કોઈ નિર્ણય લેવો હોય કે પછી બેઠક રચવી હોય તો તેમણે મુંબઈ સુધી લંબાવવું પડે છે. જો પશ્ચિમ રેલવેનું હેડ ક્વાર્ટર અમદાવાદમાં હોય તો મુંબઈનો કાર્યબોજ ઘટે અને તત્કાલ નિર્ણય પણ લઈ શકાય. માટે અમદાવાદમાં હેડ ક્વાર્ટર અંગે પણ રજૂઆત કરવામાં આવી છે.
વર્ષે 150 કરોડથી વધુ કમાણી કરી આપતાં સુરત સ્ટેશનની અવગણના
પેસેન્જર સર્વિસ કમિટીની રેલવે મંત્રી સુરેશ પ્રભુને રજૂઆત