• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગેરકાયદે કબજો છોડાવવા રૂપિયા 15થી 50 લાખ તો લગ્નની નોંધણીમાં પણ રૂ. 2 હજાર સુધીનાં ઉઘરાણાં

ગેરકાયદે કબજો છોડાવવા રૂપિયા 15થી 50 લાખ તો લગ્નની નોંધણીમાં પણ રૂ. 2 હજાર સુધીનાં ઉઘરાણાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રજ્ઞેશ પારેખ . સુરત | મહિલા કોર્પોરેટર મીના રાઠોડ વતી તેમના પતિ દિનેશ રાઠોડે લીધેલી રૂ.5 લાખની લાંચ પછી કોર્પોરેટરોના પતિદેવોના ચાલતાં ગોરખ ધંધાઓ સપાટી પર આવી ગયાં છે. દિવ્ય ભાસ્કરે કરેલી તપાસમાં બહાર આવ્યું કે કેટલીક મહિલા કોર્પોરેટરોના પતિદેવો સોપારીબાજ બની ગયા છે. જમીન-મકાનનો ગેરકાયદે કબ્જો છોડાવવા રૂ.50 લાખથી લઇને લગ્નની નોંધણી માટે પણ રૂ. 2 હજાર સુધી ઉઘરાણા કરી લેવાતા હોય છે.

પ્લાન પાસ કરાવવાથી લઇ નાના-મોટા કોન્ટ્રાક્ટ, દબાણ અને આકારણીનાં કામો પતાવી આપે છે
વિવિધ ઝોન કચેરીઓ તથા વડી કચેરી ઓમાં આંટાફેરા મારતાં રહેતાં પતિદેવો એ કોર્પોરેટર પત્નીના ઓથા હેઠળ મહાપાલિકાના કેટલાંક ભ્રષ્ટ અધિકારી-કર્મી ઓની સાંઠગાંઠમાં ગેરકાયદે ડિમોલીશન અટકાવવા, ડિમોલિશન થયેલા બાંધકામની પરમિશન અપાવવાથી લઈ નાના-મોટા કોન્ટ્રાક્ટો અપાવવા, દબાણો નહીં અટકાવવા, રોડ સાઈડ સ્ટોલ નહીં ઉઠાવવા સહિતના પાલિકાના જુદા જુદા કામો માં સેટિંગ કરી આપે છે. તે માટે, જે તે કામ પ્રમાણેના ભાવો વસુલ કરાયા છે. તેમાં, ભ્રષ્ટકર્મીઓનો પણ ભાગ હોય છે. પાલિકામાં કુલ 58 જેટલી મહિલા કોર્પોરેટરો માં બીજેપીની 42 કોંગ્રેસની 16 પૈકી ખાસ કરી ને અડધોઅડધ મહિલા કોર્પોરેટરના પતિઓ બેનંબરી ધંધા માંથી બાકાત નહીં હોવાનું દિવ્ય ભાસ્કરે કરેલા ઈન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે.શહેરમાં જુદા જુદા ઝોન વિસ્તારના મુખ્ય રોડ સહિતના મહત્ત્વના રસ્તાઓ પર ભરાતી માર્કેટો, લારી-ગલ્લાઓ, સ્ટોલ્સ માટે પણ વાર-તહેવારોમાં પણ ઉઘરાણાંઓ થઈ રહ્યાં છે. ખાસ કરી ને ચૌટાબજાર, નવસારી બજાર, શનિવારી બજાર, વરાછા બરોડા પ્રિસ્ટેજ, કતારગામ કુબેરનગર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે દબાણોની દમદાટી આપી ને ભ્રષ્ટ કર્મીઓ સાથે કેટલાંક કોર્પોરેટરો, અને પતિદેવો ખેલ પાડી રહ્યાં છે.

ગેરકાયદે કબ્જો દૂર કરાવવા : કોઈ મકાન કે જગ્યા પર ગેરકાયદે કબ્જો હોય તેની સોપારી લેવાય છે, જેવી જગ્યા તેવા ભાવ લેવાય છે. કતારગામમાં 18 લાખથી શરૂ કરી વરાછા-ઉધનામાં 20-22 લાખ, રાંદેરમાં 15 લાખ, અઠવા ઝોનમાં વિસ્તારમાં 25થી લઈ 50 લાખ ભાવ લેવાય છે.

ગેરકાયદે સ્ટોલ-લારી લગાવવા : ખાણી-પીણીના રોડ સાઈડ સ્ટોલ ફુટપાથો પર ના દબાણો નહીં ઉઠાડવા માટે હપ્તાખોરીના ખેલ ખેલાઈ છે. જેમાં, ઝોનના ભ્રષ્ટ કર્મીઓની સીધી સંડોવણીમાં મહિનાનો વકરો તે પ્રમાણે હપ્તો બંધાઈ છે. જેમાં, ગૌરવપથ સહિતના રોડ પર માસિક 2 થી 3 લાખ, ચૌટાબજાર-રાજમાર્ગ-સ્ટેશન-ખાઉધરા ગલી ભાગળ સહિતના રોડ પર 2.50 થી 3 લાખ સુધી ઉઘરાણાઓ થાય છે.

ગેરકાયદે બાંધકામ બચાવવા: સીઓપી-પાર્કિંગની જગ્યા સહિતના મકાનના ગેરકાયદે વધારેલી જગ્યા સહિતના દબાણો માર્જીનના દબાણો નહી દૂર કરવા માટે 2 થી 4 લાખ સુધી વસુલાય છે.

પ્લાન પાસ કરાવવા: પ્લાન પાસ કરવા અને બીયુસી માટે 5 થી 7 લાખ વિસ્તાર પ્રમાણે ભાવ ચાલે છે.

બદલી: માનીતી જગ્યા પર બદલી માટે 50 હજારથી 1 લાખ

લગ્નની નોંધણી: એટલું જ નહીં લગ્ન નોંધણી માટે પણ 1500 થી 2 હજાર પાર્ટી પ્રમાણે ઉઘરાણા કરાય છે.

(આ રેટ કાર્ડ પાલિકાના કર્મચારીઓ, કોર્પોરેટર્સ અને એજન્ટ સાથેની વાતચીતના આધારે)

જેવા કામ, તેવા દામ
ગેરકાયદે બાંધકામો તોડવા ડાયરેક્શન
‘ અધિકારીઓને સુચના આપીએ છીએ કે આવા મિલીભગત વાળા ગેરકાયદે બાંધકામમાં કોઈની પણ શેહશરમ રાખવી નહી. ખોટા કામોમાં સંડોવાયેલા પાલિકાના કર્મીઓ સામે તાજેતરમાં પગલા લીધા છે. ઝોનમાં કોમ્પ્યુટરાઈઝડ એન્ટ્રી કરી ને અંદર જવા પરમિશન અપાય છે. બીજા મુદ્દાઓ છે એમાં કોઈ ઈન્વોલ્વ નહીં થાય અને પ્લીન્થ લેવલથી ગેરકાયદે બાંધકામ તોડી પાડવા મારૂં ક્લિયર ડાયરેકશન છે જ. અમારા પાલિકાના અધિકારી-કર્મીઓ ખોટું કરતાં હોય તો ફરિયાદ થતાં કાર્યવાહી કરાશે.’ એમ.થૈન્નારસન, કમિશનર, મહાપાલિકા

મોટા ભાગના કિસ્સાઓમાં પતિ સામેલ
મહિલા અનામતમાં 33 ટકા બેઠકો આપવાની વાત કરાઈ છે. ત્યારે મહિલાના દરેક કિસ્સાઓમાં આવું નથી બનતું. પરંતુ મોટે ભાગના કિસ્સાઓમાં જોવાયું છે કે કદાચ મહિલા પોતે પ્રામાણિક હોય પરંતુ તેમના પતિ કે સગાવ્હાલા ખોટું કરતાં હોય છે. તેવા ત્રણેક કિસ્સાઓ અગાઉ બન્યા છે. કેટલાંક કિસ્સામાં તો પત્ની ને જાણ પણ હોય છે. આ ટ્રેન્ડ છે જે હું ઘણાં વર્ષોથી જોઉં છું. આ કોઈ પણ રીતે એક્સપોઝ કરી ને અટકાવવું જ જોઈએ.’ વિક્રમ વકીલ, રાજકીય વિશ્લેષક

અન્ય સમાચારો પણ છે...