રેશનની ત્રણ દુકાનોનાં લાઇસન્સ સસ્પેન્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત શહેરમાં સસ્તા અનાજની દુકાનમાં ફિંગરપ્રિન્ટ લઈને બારોબાર અનાજ વગે કરવાના કિસ્સામાં પુરવઠા વિભાગે મંગળવારે આકરા પગલાં લીધા હતા. આ અંગે પુરવઠા વિભાગના અધિકારી રજનીકાંત ઝાલાએ જણાવ્યું હતું કે કેટલીક દુકાનોમાં પ્રાથમિક જાણકારી માટે પરવાનેદાર માલિકો પાસે માહિતી માગવામાં આવી હતી. આ માટે તેમને સમય આપ્યો હોવા છતાં જવાબ રજૂ નહીં કરી શકતા વધુ ત્રણ દુકાનદારોના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા હતા. તેમાં એક ફરિયાદી સુરેન્દ્ર તિવારીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તેમાં દુકાનદારે જથ્થો મળતો નહીં હોવાનું કહી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટના આધારે ઉપાડ્યો હતો. આ કિસ્સામાં જાન્યુઆરી 2017થી નવેમ્બર 2017 સુધીમાં 140 કિલો ઘઉં અને 62 કિલો ચોખા ઉપાડાયા હતા.તેની સાથે આ જથ્થો કાળાબજારમાં ઉંચા ભાવે વેચ્યો હોવાનું પણ જણાયું છે. આથી હાલ પુરતા 60 દિવસ માટે દુકાનના લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. જ્યારે યુ-55 નંબરની દુકાનનું લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયું છે. સુરત જિલ્લામાં પણ લવેટ ગામમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનમાં 400થી 500 કાર્ડધારકોએ અનાજ ઓછુ અપાતું હોવાની ફરિયાદ કરતા મામલતદાર માંગરોળે દુકાનની ચકાસણી કરી હતી. આ દરમિયાન 28 કાર્ડધારકોના નિવેદન લેવાયા હતા. જેમાં જથ્થો ઓછો મળતો હોવાનું ફલિત થતાં અગાઉ લાઇસન્સ 60 દિવસ માટે સસ્પેન્ડ કરેલ હતું, જે બદલીને 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...