City news

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રિજનાં કેબલની ક્ષમતા માપવા માટે 20 લાખ વાર પરિક્ષણ થયું

કેબલ બ્રિજ માટેનો કેબલ અલગ-અલગ ધાતુમાંથી બનાવવામાં આવ્યો છે. જોકે તેમાં 90 ટકા સ્ટેન્ડલે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેબલ 55 તારને ભેગા કરીને બનાવવામાં આવ્યો છે. કેબલ એવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે કે તેને તડકા, ઠંડી કે વરસાદની આડઅસર થશે નહીં. તેમજ ગમે તેવી પરિસ્થિતીનો સામનો પણ કરી શકે છે.

કેબલ બ્રિજ અકસ્માત પછી ફરી વખત તેની કામગીરી ચાલું કરવામાં આવી છે. કેબલ બ્રિજ માટે કેબલ ચીનથી મંગાવવામાં આવ્યા છે. જેમાં કુલ 115 ટન કેબલનો ઉપયોગ કરવામાં આવશે.અત્યારે ચીનથી 80 ટન કેબલ સુરત આવી ગયા છે. પુલનું કામ શરૂ થશે ત્યારે બાકીનાં કેબલ સુરત લાવવામાં આવશે. તમામ કેબલને પણ પરીક્ષણ બાદ ઉપયોગ કરવામાં આવશે.

કેબલ બ્રિજ માટેના કેબલની ક્ષમતા માપવા માટે તેને શિકાગોની સીટીએલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. ત્યાં કેબલ પર ફટિક સ્ટ્રેન્થ અને સ્ટ્રેન્થ એમ બે પરિક્ષણ કરવામાં આવ્યા હતાં. ફટિક સ્ટ્રેન્થમાં કેબલનો એક છેડો બાંધીને બીજા છેડાને ખેંચવામાં આવ્યો હતો. 2 સેકન્ડમાં કેબલને 3 વખત ખેંચવામાં આવ્યો હતો. આવી રીતે કેબલ પર 20 લાખ વખત પ્રોસેસ કરવામાં આવી હતી. જ્યારે સ્ટ્રેન્થ પરિક્ષણમાં કેબલને બંને સાઈટથી ખેંચીને તેની ક્ષમતા માપવામાં આવી હતી. આવા કેબલ અને બ્રિજનું મટીરિયલ્સ પરિક્ષણ કરતી શિકાગોમાં લેબોરેટરી છે. અન્ય દેશમાં આવી લેબોરેટરી છે પણ તેમની સરખામણીમાં શિકાગોની કંપની ચડિયાતી હોવાથી સુરત મહાનગર પાલિકાએ શિકાગોની લેબોરેટરીમાં પરિક્ષણ કરાવ્યું હતું.

સુરત મહાનગર પાલિકા દ્વારા પાલ-અડાજણથી અઠવાલાઈન્સને જોડતા તાપી નદી પર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. જોકે એસએમસીએ કેબલ બ્રિજ બનાવીને નવતર પ્રયોગ કરશેે. જેમાં 115 ટન કેબલનો ઉપયોગ કરવામાં આવશે. જોકે કેબલ વજન ઉંચકવા માટે સક્ષમ છે કે, નહીં તે જાણવા 5 મીટર કેબલ શિકાગોની લેબોરેટરીમાં પરિક્ષણ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. સુરતમાં નિર્માણ થનારા કેબલ બ્રિજ વિશે વાત કરતા બ્રિજ સેલના અધિકારી ભરત દલાલે કહ્યું હતું કે ‘શિકાગોમાં કેબલની ફટિક સ્ટ્રેન્થ જાણવા માટે કેબલ્સ પર 20 લાખ વાર પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પાસ થયેલા કેબલને સુરતમાં લાવવામાં આવ્યા હતાં.’

અન્ય સમાચારો પણ છે...