Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભૂકંપ પછી રાંદેરમાં બે દીવાલ તૂટી પડતાં અફવા બજાર ગરમ
રવિવારેશહેરમાં ભૂકંપ આવ્યાના બે કલાક બાદ રાંદેર વિસ્તારમાં બે બંધ મકાનની દીવાલો તૂટી પડી હતી. સવારે વરસાદી માહોલમાં બંને વર્ષો જૂની અને જર્જરિત થઈ ગયેલી દીવાલો પડ્યા બાદ લોકોમાં ભૂકંપથી દીવાલો તૂટી પડી હોવાની અફવા ફેલાઈ ગઈ હતી. સોશિયલ મીડિયામાં પણ બાબતે ફોટો અને લખાણનો મારો ચાલ્યો હતો.
રાંદેરના અંજુમન રોડ, અંજુમન લાઇબ્રેરીની બાજુમાં મોટી મસ્જિદ પાસે ખતીજાબીબી બટલરની માલિકીનું જૂનું મકાન આવેલું છે. રવિવારે સવારે 11 વાગ્યાના અરસામાં મકાનની જર્જરિત દીવાલ તૂટી પડી હતી. ઘટનાની જાણ તથા ફાયર ઓફિસર ફાલ્ગુન ગઢવી લાશ્કરો સાથે ઘટનના સ્થળે ધસી ગયા હતા અને કાટમાળ ખસેડીને તપાસ કરી હતી. ઘટના બાદ 12 વાગ્યાના અરસામાં રાંદેરના દરજી ટેકરાની સાહિલ મંઝીલમાં સૈયદ સઈદ કાદરીના બંધ મકાનની દીવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી, જેથી ફાયર બ્રિગેડે ત્યાં પણ કામગીરી કરી હતી. સદનસીબે બંને મકાન બંધ હોવાથી કોઈ ઈજા કે જાનહાનિ થઈ હતી. જો કે, ભૂકંપ આવ્યાના થોડા સમયમાં ઉપરા છાપરી બે દીવાલો તૂટી પડતાં રાંદેર સહિત આખા શહેરમાં અફવાનું બજાર ગરમાયું હતું અને લોકો પણ સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા.
રવિવારે સવારે ભૂકંપનો આંચકો અનુભવાતા ફાયર બ્રિગેડના કંન્ટ્રોલ રૂમમાં ફોનનો મારો ચાલુ થઈ ગયો હતો. લોકો જાણવા ઉત્સુક હતાં કે ભૂકંપ આવ્યો છે કે કેમ, આવ્યો છે તો ક્યાં શું અસરો થઈ છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં ત્રીજા ચોથા માળે દાખલ દર્દીઓમાં ફફડાટ પેંસી ગયો હતો. કેટલાક દર્દીઓ તો વોર્ડની બહાર દોડી આવ્યા હતા, પરંતુ ક્ષણિક આંચકો હોવાથી તરત વોર્ડમાં પરત આવી ગયા હતા, એવું સિવિલના નર્સિંગ સૂત્રોએ જણાવ્યું હતું.
ફાયરમાં ફોનનો મારો, સિવિલમાં દર્દીઓ ગભરાયા
બે વર્ષો જૂના મકાનો પૈકી એક જર્જરિત દીવાલ 11 વાગ્યે પડી તો બીજી 12 વાગ્યાના અરસામાં ધરાશાયી
સવારથી શહેરભરમાં જાતજાતના ગપ્પાનો મારો ચાલ્યો